Saturday, 11 June 2016

‘વ’ વાંચનનો ‘વ’

(ખાસ નોંધ : સ્વજોખમે જ વાંચવું..!)

‘અચ્છા, તો તમે લખવા માંગો છો? ઓકે... ઓકે... મતલબ, લખો છો? મતલબ, તમે તો ઘણું વાંચ્યું હશે, નહીં?

 

તમે બક્ષીને વાંચ્યા છે? અશ્વિની ભટ્ટને? કે હરકિસન મહેતાને? મન્ટોને? કે પછી અમૃતા પ્રીતમ? અરુંધતી રોય? ઓપ્રા વિન્ફ્રે? ઇસ્મત ચુગતઈને તો વાંચ્યા જ હશે? નહીં?! તો શેક્સપિયર? એલેક્ઝાન્ડર ડૂમા? ટોલ્સટોય? મેક્સિમ ગોર્કી? એ પણ નહીં? ભગવતીકુમાર શર્મા? દેવદત્ત પટનાઇક? રમેશ પારેખ કે ઉમાશંકર જોશીનાં કાવ્યો? કે રમેશ તેન્ડુલકર? પ્રેમચંદ અને મન્ટોને તો વાંચ્યા જ હશે? અચ્છા, તમે આજકાલના નવા લેખકો ચેતન ભગત, અમીષ ત્રિપાઠી, દુર્જોય દત્તા, અશ્વિન સાંઘીને વાંચતા હશો? શું વાત કરો છો? આમાંથી એક પણ નહીં?! તો તમને લખવામાં શું ખબર પડે? એમ કહોને કે, તમને લખતા જ ન આવડે. અરે સાહેબ, લખવા માટે તમારે દુનિયાભરનાં પુસ્તકો અને લેખકોને વાંચ્યા હોવા જોઈએ.


મૂળાક્ષરોની શરૂઆત ભલે ‘અ’થી થતી હોય, પણ વાંચનની શરૂઆત કયા લેખક-કવિ કે પુસ્તકથી કરવી જોઈએ? એ કદાચ સાર્વત્રિક પ્રશ્ન છે. આર્ટ્સ કૉલેજમાં પ્રવેશતાં જ એવું કહેવામાં આવે કે તમારે બક્ષીને વાંચવા જોઈઅે, કલાપિના કાવ્યોનું રસપાન કરવું જોઈએ કે ઉમાશંકર અથવા ર.પા., કે પછી મુનશી અને મેઘાણી, પન્નાલાલ અથવા પેટલીકર કે ગૌરીશંકર અને બ્રોકરના સાહિત્યને ઘોળીને પી જવું જોઈએ. અરે! નર્મદ કે ગો.મા. ત્રિપાઠીને ભુલાય જ કેમ? તો તમને ખ્યાલ આવે કે, સાહિત્ય સર્જન કોને કહેવાય? (કાલિદાસ, ભવભૂતિ અને ભાસને તો ભૂલી જ જાઓ!) :P

અલબત્ત, લખતાં પહેલાં કયા પ્રકારનું લખાણ અને આપણું ખુદનું લખાણ સાહિત્યની કક્ષાની છેલ્લી હરોળમાં પણ મૂકી શકાય એમ છે કે નહીં, એટલીસ્ટ એ જાણવા માટે પણ આ બધા નામી સાહિત્યસર્જકોને વાંચવા તો જોઈએ જ. પણ, પછી એકાએક ઊંડે ઊંડે કેદારાનો સાદ આવે અને નરશીના પ્રભાતિયાંના તારે તારે કબીર-રહીમ કે અખો જાગે અને કહે કે અમે ક્યાં કોઈ કૉલેજમાં ગયા હતા? અમે ક્યાં કોઈ સાહિત્યકારો કે કવિઓને વાંચ્યા હતા? એક બાજુ સિલાઈકામ કરતાં કરતાં ‘ગની’ કહે કે મેંય કે’દી ગાલિબ, રુસ્વા કે મીરને વાંચ્યા? અને પાછું મન મૂંઝાય કે વાંચવું કે ન વાંચવું? અને વાંચવા, તો કોને વાંચવા?

આમ તો શુદ્ધ-પ્રબુદ્ધ ગુજરાતી સાહિત્યમાં લેખકો-કવિઓની સંખ્યા મર્યાદિત હતી, પણ ‘મુખપુસ્તક’ની ‘ઇજાદગી’ પછી તો બિલાડીના ટોપની જેમ શિખાઉ સર્જકોની ભરતી આવી છે અને આ લખ‘વા’પીડિતો જે મન ફાવે તે ઘસડે જાય છે. એ ન્યાયે તો ફેસબુક પરની દરેક બીજી વ્યક્તિ વિચારક, ત્રીજી વ્યક્તિ વિશ્લેષક અને ચોથો વિવેચક જ હોય છે. બાકી રહ્યો પ્રથમ પુરુષ હું, તો એ તો સર્જનકર્તા પોતે જ છે. જેનાં કાવ્યો કાં તો જોડકણાં જેવાં હોય કે લખાણનો બે તૃતીયાંશ ભાગ વિકિપિડિયા કે ગૂગલ અથવા અગાઉનાં સર્જનોના ઉતારા જેવો હોય, તોય આવા કૂકડા લેખકોના દમામ પણ કંઈ ઓછા નહીં, હો! (લાગુ ન પડતું હોય ઈ છેકી નાખવું.!) :P

અલબત્ત, નામી લેખકોને વાંચ્યા પછીય કાં તો બધાને બક્ષી બનવાની ઇચ્છા થાય ને કાં ‘ગલગલિયા’ લેખક! કાં ચિંતક બનવું હોય અને કાં વિવેચક, તો આપણું પોતાનું સર્જન શું? પોતાની ફ્લેવર કઈ? પાકશાસ્ત્રમાં પોતાનો વઘાર કેવો? આ રસથાળમાં મેં ઉમેરેલો રસાસ્વાદ કયો?

ખેર, લેખકો તો આજેય ઘણા છે. કલમવીરથી માંડી કલમઘસુઓ પણ છે. કંઈકનાં તો નામ બોલવામાંય જીભના લોચા વળે! ને ઘણાને વાંચવાની મજાય આવે. ચર્ચા લાંબી છે, લખવું મારેય છે, સમય ઓછો છે અને સર્જવાનું ઘણું છે, પણ વાંચવું શું? અને વાંચવું કોનું? એ જ તો સવાલ છે.

તમારો શું જવાબ છે?

પિંચિંગ થૉટ : ‘So many Books, So little Time.’ - Frank Zappa.

(તા.ક. અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી. ‘સાલસ-નિખાલસ’ સૂચનો આવકાર્ય છે.)
WA : +91 98 98 216 516
Mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia 

No comments:

Post a Comment