ચાલો રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ રમીએ...
છેલ્લા થોડાક દિવસથી (એમ જ સમજોને કે જેએનયુ કાંડ પછીથી) દેશમાં ચોમેર રાષ્ટ્રભક્તિનો માહોલ છે. લોકોના હૈયામાં, એટલે કે બૌદ્ધિકો(!), પત્રકારો, ન્યૂઝ ઍન્કરો, મુખપુસ્તકિયાઓ અને સોશિયલ નેટવર્કિયાઓના રુંવેરુંવામાં દેશભક્તિની જ્વાળાઓ સળગી ઊઠી છે. કોઈ રેસ હોય એમ બધા પોતાની દેશભક્તિને જાણે શ્રેષ્ઠ સાબિત કરવા મથી રહ્યા હોય એવો તાસીરો સર્જાયો છે. જાણે કેમ રાષ્ટ્રભક્તિનો કોઈ અણુવિસ્ફોટ થયો હોય ને બધાના રોમેરોમમાં, નસેનસમાં દેશપ્રેમના વાયરસ ફૂટી નીકળ્યા હોય. સાલ્લુ, મનેય થયું, આ તો વહેતી ગંગા કે’વાય, લાવને હું ય હાથ સાફ કરી લઉં. જે પાંચ-પંદર લાઇકો મળી એ નફામાં. તો પેશ-એ-ખિદમત છે, અફીણ કે આલ્કોહોલ જેવાં ઉત્તેજક કેમિકલોથી ભરપૂર આવો જે એક વિચારબોમ્બ... ઢેન...ટેણેણેણેન...
એનીવે, મજાક-મસ્તી બહુ થઈ, હવે ગંભીર વાત. આપણી ભારતીય ભાષાઓ એટલી સમૃદ્ધ છે કે તેમાં દરેક લાગણીને વ્યક્ત કરવા માટે અલગ અલગ શબ્દ છે. આવી જ એક પરિકલ્પના એટલે દેશ, રાજ્ય અને રાષ્ટ્ર.
આ એક સીધોસાદો વિચાર છે. દેશ એટલે એવો ભૂ-ભાગ, જ્યાં લોકો વસતા હોય, જેની સીમાઓ અક્ષાંશ અને રેખાંશ વડે વ્યાખ્યાયિત કરાઈ હોય અને જેને એક ચોક્કસ નામ અપાયું હોય. રાજ્ય એટલે કે શાસનવ્યવસ્થા અથવા સત્તામાળખું. અને રાષ્ટ્ર એટલે જે ધરતી પર વસો છો, જે દેશના નાગરિક છો, તેની સંસ્કૃતિ, સામાજિક રીતરિવાજો, તેનુ માન-મહત્ત્વ-મરતબો જાળવવા અને તેના માટે તમારા હૃદયમાં રહેલી લાગણી. આવી લાગણીઓના સમૂહથી સર્જન થાય છે એક રાષ્ટ્રનું.
જેએનયુકાંડ પછીથી સમગ્ર દેશમાં શરૂ થયેલી દેશદ્રોહ અને દેશભક્તિની વિચિત્ર લડાઈને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જોડાવાથી હવા મળી છે અને સમગ્ર ચર્ચા રાષ્ટ્રકારણથી રાજકારણ તરફ ફંટાયેલી જ હતી, તેવામાં હવે હિન્દી અને અંગ્રેજી મીડિયાનું નવું છોગું ઉમેરાયું છે. બકબકીયા પત્રકાર આલમ એકબીજાને ઊણા દર્શાવવા મચી પડી છે. રાડિયા ટેપ કે 2-જી કાંડમાં કાળી ટીલી લગાડી ચૂકેલા પત્રકારો હવે પોતાની દેશભક્તિ સાબિત કરવાના ફાંફા મારે છે અને પરિણામે પ્રેસિટ્યુશન તરફ ગતિ કરી રહ્યા છે. આપણી શાસનપ્રણાલીમાં એક સીધોસાદો શિરસ્તો રહ્યો છે કે જે પક્ષ સત્તા પર હોય, એ રાષ્ટ્રવાદી કે દેશભક્ત કે સેક્યુલર કે બિનસાંપ્રદાયિક હોય છે અને જાણે તેના એકલાના જ હૈયે આ હિત વસેલું હોય અને તેમના શીરે જ આ જવાબદારી જાળવી રાખવાનું હરક્યુલસીય કાર્ય હોય એવું દર્શાવવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવે છે.
જેએનયુકાંડનો મુખ્ય આરોપી કન્હૈયા ખરેખર કેટલો દોષી છે એ પછીનો મુદ્દો છે, પરંતુ પહેલો મુદ્દો એ છે કે વિરોધી પક્ષના વિદ્યાર્થી સંગઠનનો છે અને એ ન્યાયે જ તેના પર કોર્ટ પરિસરમાં પણ હુમલા થાય છે. એક તરફ, આપણે મહાસત્તા બનવાનાં સપનાં જોવાં છે, પણ બીજી તરફ દેશવાસીઓમાં સાચી દેશભક્તિ પ્રગટાવવામાં પણ નિષ્ફળ ગયા છીએ. શું દેશભક્ત કે દેશપ્રેમી હોવું એ મારા ધર્મ, મારી જાતિ, મારી કોમ, મારી કૉલેજ, મારા વિસ્તાર, હું કેવાં પુસ્તકો વાંચું છું, મને ક્યા નેતા કે લેખકના વિચારો ગમે છે કે નથી ગમતા એ તમામ બાબતો પર આધારિત છે? મારે વારેવારે જાહેરમાં એવું કહેવું જરૂરી છે કે મારા હૃદયમાં ઠાંસી-ઠાંસીને દેશપ્રેમ ભરેલો છે અને આ માટે હું ગાયનું માંસ નથી ખાતો, દાદરીકાંડને યોગ્ય (કે અયોગ્ય) માનું છું, હૈદરાબાદના વિદ્યાર્થીના આપઘાતને યોગ્ય માનું છું કે આરએસએસના સ્વયંસેવકની હત્યાને વખોડું છું, અન્ય ધર્મીઓને ગાળો ભાંડું છું, કન્હૈયા મારો દુશ્મન છે, એ ન્યૂઝ ઍન્કર જે અર્થોપાર્જન માટે પોતાના ડેસ્ક પરથી બરાડી બરાડીને માત્ર પોતાનો જ મત વ્યક્ત કરે છે અને જાણે દેશને યોગ્ય દિશામાં દોરવાની જવાબદારી માત્ર એના શીરે છે એવું સાબિત કરવા મથે છે, એ મારો દુશ્મન છે. એ તમામ લોકો મારા માટે આદરણીય છે જેઓ ઘરના એક ખૂણામાં બેઠાં બેઠાં ભગતસિંહ, શિવાજી કે ગુરુ ગોવિંદસિંહનાં નામની દુહાઈઓ આપીને ચાર-છ રાષ્ટ્રભક્તિના શૅર બોલે છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. મારી રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે મારે આવું બધું બોલવું કે સ્વીકારવું પડે અને આ બધી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવાનું?!
અને... આ બધું કહ્યું અને કર્યું એટલે રસ્તા પર ટ્રાફિક રુલ તોડવા છતાં હું દેશપ્રેમી જ રહું છું, આ માટે મને રોકનાર પોલીસમેનને પચાસ કે સોની નોટ પકડાવવી કે તેના પર ધૌંસ જમાવવી એ મારો રાષ્ટ્રધર્મ છે, સરકારી કચેરીમાં નાણાં વેરીને મારું કામ કરાવવું, રાજકીય સત્તાધીશો સાથે સંબંધો વિકસાવી તેનો દુરુપયોગ કરવો, કોઈની જમીન પચાવી પાડવી, પાડોશીને અકારણ પરેશાન કરવો, સરકારી વેરો ન ભરવો, ગેરકાયદે દારૂ પીવો, પોલીસકર્મી તરીકે જનતાને મદદરૂપ થવાના બદલે તેમના પર રોફ-રુઆબ જમાવવો, સરકારી અધિકારી તરીકે ટેબલ નીચેથી ભરપૂર કમાણી કરવા છતાં ગાંધીની તસવીર સામે જોઈને કે ગીતા-કુરાન-બાઇબલ પર હાથ મૂકીને પ્રામાણિક હોવાનો દાવો રજૂ કરી શકું છું, સત્તાધારી પક્ષમાં હોવાના નાતે લાગતાં-વળગતાંનાં સાચાં-ખોટાં કામ કરાવડાવું છું, વગેરે વગેરે... (આ યાદી ખૂબ લાંબી થઈ શકે તેમ છે) આમ છતાં માત્ર મારા ઘર કે કાર્યસ્થળની છત પર તિરંગો લહેરાવીને હું દેશપ્રેમી બની શકું છું!
એક્ચ્યુઅલી, આપણો ધર્મ, આપણી સહિષ્ણુતા, આપણો દેશપ્રેમ, રાષ્ટ્રવાદ બધું... બધું જ ટાઇમ બિઇંગ બની ગયું છે. જેમાં સમયાંતરે ઊભરો આવતો રહે છે. બૌદ્ધિક તરીકે ભાષણોમાં, લેખોમાં, યુવાનો કે વિદ્યાર્થીઓ તરીકે આંદોલનોમાં, નિર્ભયાકાંડ કે દાદરીકાંડ સમયે સમી સાંજે જલાવાતી મીણબત્તીઓ સ્વરૂપે, ક્યારેક શિવાજી કે વિવેકાનંદના નામે, તો ક્યારેય નિદા કે મુનવ્વરના શૅર તરીકે. સરહદ પર પાકિસ્તાન, ચીન કે પછી કોઈ ઘુસણખોર આતંકવાદીની ગોળીથી સૈનિક વિંધાય, તેનો જવાબ આપણને પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચમાં ભારતની જીત તરીકે જોવામાં સવાયું પૌરુષ દેખાય છે.
રાજકીય પક્ષોના સેટલમેન્ટ કૉલેજોમાં અને યુનિવર્સિટીઓમાં થાય છે. ભાજપ સંલગ્ન એબીવીપી, કૉંગ્રેસ પ્રેરિત એનએસયુઆઈ કે ડાબેરીઓનું વિદ્યાર્થી સંગઠન કોઈ પણ હોય, સત્તા મેળવવા માટે વિદ્યાર્થી અવસ્થાથી જ રાજકારણનાં બીજ તેમનાં મનમાં રોપવામાં આવે છે અને એટલે જ કોઈ પણ રીતે સત્તાનો વિરોધ નોંધાવવા માટે અફઝલ ગુરુનો શહીદ દિન ઉજવાય છે અથવા પાકિસ્તાન ઝિંદાબાદનાં સૂત્રો પોકારાય છે. પછી ભલે અફઝલ ખુદ પોતાનો ગુનો કબૂલતો હોય કે પાકિસ્તાની ટટ્ટુ હાફિઝ સઇદ બરાડા પાડીને રાષ્ટ્રવિરોધીઓની પીઠ થાબડતો હોય. નિશાન એમનું છે, હથિયાર પણ આપણાં છે અને તેને ચલાવનારા હાથ પણ આપણા જ છે.
વાણી કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત હક્ક એવી છૂટ પણ નથી આપતો, કે તમારી માતૃભૂમિને ગાળો ભાંડો. આના કરતાં તો વધારે રાષ્ટ્રભક્તિ એ સફાઈ કામદારમાં છે, જે નિષ્ઠાપૂર્વક ગટર કે રસ્તાની સફાઈ કરે છે. હાર્દિક હજી જેલમાં છે અને કન્હૈયાના કેસમાં તારીખો પડી રહી છે. હરિયાણામાં જાટ ફાવી ગયા અને હવે રાજસ્થાનમાં પગ પહોળા કરે છે. ઓમર ખાલિદ મેળાવડાઓ યોજે છે અને નમાલાઓ તાલીઓ વગાડે છે.
તો ઉપાય શું?
ઉપાય માત્ર બે જ છે, કાં વિરોધીઓને ગોળીએ દેવા અથવા બાળપણથી જ એવા સંસ્કારો આપવા કે તે આદર્શ નાગરિક બને. પહેલો ઉપાય સરળ અને તાત્કાલિક પરિણામ અપાવનારો છે, જ્યારે બીજો વિચાર લાંબાગાળાનો પણ નક્કર છે. કદાચ આ વિચાર આઝાદી સમયે કરવામાં આવ્યો હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત. નક્સલવાદને ડામવાના ઉપાયો કરનારા ક્યારેય નક્સલવાદનાં મૂળમાં ઉતરી તેની સફાઈ કરવાના પ્રયત્નો નથી કરતા. પણ આજે નિર્ણય આપણે કરવાનો છે, વિચાર આપણે કરવાનો છે, કે આપણે કેવા દેશનું નિર્માણ કરવું છે? ઓવર ટુ યૂ...
(લખ્યા તા.19-2-2016)

