Thursday, 14 June 2018

તમે સાવ પછાત જ રહ્યા!

આઇન્સ્ટાઇને 1905માં આપેલી સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી, જેના પર ટાઇમ મશીન કામ કરે તેના વિશે જો 1895માં જ એચ.જી. વેલ્સે કલ્પના કરીને આખું પુસ્તક લખી નાખ્યું હતું. તેના પરથી બનેલી ફિલ્મમાં તો ચંદ્ર પર કૉલોની વસાવવાની પણ કલ્પના હતી. તો માની લઈએ કે ભારતમાં લખાયેલાં તમામ શાસ્ત્રો કલ્પનાઓ માત્ર હોય, તોપણ ભારતના ઋષિમુનિઓએ આ બધી જ કલ્પનાઓ હજારો વર્ષ પહેલાં કરી લીધી હતી.


લગભગ 1899ની વાત. અૅલેક્ઝાન્ડર એનું નામ, ડૉ. અૅલેક્ઝાન્ડર હાર્ટડેગન. કૉલમ્બિયા યુનિવર્સિટીમાં એપ્લાય્ડ મિકેનિક્સ અને ઈજનેરીની પ્રોફેસરી કરે. આજે તે પ્રેયસીને પ્રપોઝ કરવાનો હતો. પણ, કુદરતનું કરવું કે અેમ્માએ હજી અૅલેક્ઝાન્ડરના પ્રેમનો સ્વીકાર કર્યો, ત્યાં એક લૂંટારુ બંદૂકડી લઈને આવ્યો ને એમ્માનો જીવ પણ લેતો ગયો! ફિયાન્સીના મોતથી દુ:ખી અૅલેક્ઝાન્ડર એક એવું મશીન બનાવવામાં લાગી જાય છે, જેથી સમયના ચક્રને પાછું ફેરવી શકાય. ટાઇમ મશીન બનાવ્યા પછી પણ પ્રેમિકાનું મોત તો થાય જ છે. એટલે તે ભવિષ્યમાં જાય છે, 2030, 2037, પછી ઇ.સ. 8,02,701 અને છેલ્લે 63,54,27,810માં અને પૃથ્વીનો વિનાશ થતો જુએ છે. આખરે તે ટાઇમ મશીનનો નાશ કરીને 8 લાખ વર્ષ પછીના ભવિષ્યમાં જ રહી જાય છે.

***

ગયા મહિને ત્રિપુરાના નવાસવા વરાયેલા મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે મહાભારત, સંજય, સેટેલાઇટ અને દિવ્યદૃષ્ટિની વાત કરી અને ટ્રોલિયાઓ તૂટી પડ્યા. ગયા પખવાડિયે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ફરીથી સીતાને પહેલી ટેસ્ટટ્યૂબ બેબી કહીને વિવાદ વહોરી લીધો. રાજનેતાઓ ખરેખર તો અક્કલમઠ્ઠા જ કે'વાય, નહીં?!


ખેર, મૂળ વાત પર આવીએ, તો શરૂઆતની વાત છે, 2002માં આવેલી ફિલ્મ ‘ધ ટાઇમ મશીન'ની. ફિલ્મ મૂળે 1895માં એચ.જી. વેલ્સે આ જ નામની તેની પ્રથમ નૉવેલ પર આધારિત હતી. (આપણે ત્યાં આની ઉતરતી આવૃત્તિ જેવી ‘એક્શન રિપ્લે' અને થોડીક બુદ્ધિગમ્ય કહી શકાય એવી સાઉથની સૂર્યા સ્ટારર ‘24' આવી ગઈ) વચ્ચે એક આડ વાત, આ ટાઇમ મશીન જે થિયરી પર કામ કરતું હતું, એ આઇન્સ્ટાઇનની જગવિખ્યાત સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી આવી 1905માં ‘ધ ટાઇમ મશીન' પુસ્તક લખાયાનાં 10 વર્ષ પછી.


હવે એક બીજી વાત. સતયુગમાં રૈવતક એટલે કે ગિરનાર પર્વતને તેની પુત્રી રેવતી માટે કોઈ યોગ્ય મૂરતિયો નહોતો મળતો. એટલે, પિતા-પુત્રી બંને બ્રહ્મા પાસે ગયાં અને પોતાની મુશ્કેલી દર્શાવી. તેમની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું કે દ્વાપરયુગમાં કૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે શેષનાગ જન્મ્યા છે. તે યોગ્ય મૂરતિયો છે. કયા યુગનાં કેટલાં વર્ષ એની લાંબી ગણતરીમાં ન પડીએ, તોપણ સતયુગ પછી ત્રેતાયુગ અને પછી દ્વાપરયુગ આવે. મૂંઝાયેલાં પિતા-પુત્રીને જવાબ આપતા બ્રહ્માએ કહ્યું કે એ બંને બ્રહ્મલોકમાં રહ્યા એટલી વારમાં પૃથ્વી પર હજારો વર્ષ વીતી ગયાં અને એ પહોંચશે, ત્યારે દ્વાપરયુગ ચાલતો હશે!
આને શું ટાઇમ ટ્રાવેલ ન કહેવાય?! આ પ્રસંગ વિષ્ણુપુરાણ કે ભાગવતમાં વાંચી શકાય. (એ ક્યારે લખાયાં હતાં એ તમે શોધી કાઢજો.)

***

અવારનવાર એવું કહેવાતું રહે છે કે, કોઈ રાષ્ટ્રને તેનું આત્મગૌરવ ભૂલવી દેવું હોય અને પરાધીન બનાવી દેવું હોય, તો તેને તેનો ઇતિહાસ ભૂલવી દો. જેવું મેકૉલેએ કર્યું. ઇ.સ. 1835માં એક એવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી, જેને આજે 183 વર્ષ પછી અને સંપૂર્ણ બહુમતીવાળી રાષ્ટ્રવાદી સરકાર(!) હોવા છતાં નથી બદલી શક્યા. ખેર...


હવે એક બીજી વાત, વર્ષ 2000માં એક અમેરિકન-જર્મન સાયન્સ ફિક્શન ફિલ્મ આવી ‘હૉલોમેન’. ફિલ્મની એક વાક્યની વાર્તા એવી હતી કે વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં એક એવું પ્રવાહી બનાવે છે, જે માણસના શરીરમાં જતાં જ તે ગાયબ થઈ જાય. આ ફિલ્મ પણ હર્બર્ટ જ્યૉર્જ વેલ્સની 1897માં પ્રકાશિત નવલકથા ‘ધ ઇન્વિઝિબલ મેન' પરથી જ પ્રેરિત હતી.


અગેઇન, એક પુરાણની વાત કરીએ તો, મહર્ષિ ભારદ્વાજે લખેલા ‘યંત્ર સર્વસ્વમ્' નામના ગ્રંથમાં બૃહદ વિમાનશાસ્ત્ર છે. જેમાં સૂર્યનાં બે કિરણ વચ્ચેની ખાલી જગ્યાનો ઉપયોગ કરીને વિમાનને આંખોથી ઓઝલ કરવાની વાત છે. શાસ્ત્રો મુજબ આપણે જેને દેવી-દેવતા અને ભગવાન કહીએ છીએ, તેઓ પણ હાલતા અંતર્ધ્યાન કહેતા ગાયબ થઈ જતા!


વિમાનની વાત પરથી યાદ આવ્યું. ભૂતકાળમાં રામાયણના પુષ્પક વિમાન બાબતે બહુ ચર્ચા થઈ હતી. ઈંધણલેસ ઇન્વિઝિબલનેસ ધરાવતું વિમાન, યૂ સી... પણ, આપણે તો એવું શીખ્યા છીએ કે વિમાનની શોધ તો રાઇટ બ્રધર્સે કરી, એ પણ 1903માં! આવું કેમ બને!


આ સિવાય કેટલીય એવી વાતો છે, જેમ કે, કાટકોણ ત્રિકોણનો સિદ્ધાંત કોણે શોધ્યો? ‘π'=3.14 પાઈનું મૂલ્ય આર્યભટ્ટે શોધ્યું? જગતની પહેલી સર્જરી કોણે કરી? શું ગણપતિને હાથીનું માથું ખરેખર જગતનું પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન હતું? કે પછી હમણાં કોઈ બુદ્ધિના લઠ્ઠ જેવા સ્યૂડો રેશનલિસ્ટે કહ્યું તેમ પશ્ચિમે ઊડતો માણસ સુપરમેન બનાવ્યો અને આપણે ઊડતો વાંદરો બનાવ્યો, હનુમાન!



અરે..! હોતું હશે કંઈ? આપણે તો પછાત છીએ. આપણે ત્યાં થોડી કોઈ સારી શોધ થઈ શકે? ભલે ગૂગલ કે માઇક્રોસૉફ્ટના સીઈઓ મૂળ ભારતીય હોય. આપણે તેમના મૂળ ભારતીયત્વની રોકડી કરી લેવાની, એમ? આ તો ‘સંઘી' લોકો જ આવી ભ્રમણા ફેલાવે છે કે, આપણું આત્મગૌરવ ભુલાવાય રહ્યું છે એટલે આપણને શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ, શિક્ષણ પ્રણાલી બદલવી જોઈએ, પાંચ વર્ષનું બાળક પણ ફરીથી ગીતા અને રામાયણના પાઠ કરવું જોઈએ વગેરે વગેરે...


એનીવે, આપણે અહીં કોઈ ભારત કુમારવેડાં નથી કરવા કે સંઘની કે રાજકારણીઓની વકીલાત નથી કરવી. સો વાતની એક વાત એ કે, માની લઈએ કે શાસ્ત્રોમાં લખી છે, એવી એક પણ શોધ આપણે ત્યાં નથી થઈ. રામાયણ, પુષ્પક વિમાન અને હનુમાન માત્ર વાલ્મીકિના વિચારોમાં જ હતા. મહાભારત માત્ર કલ્પના છે, વ્યાસ દ્વારા અંબિકા, અંબાલિકાને થયેલા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને દાસીપુત્ર વિદુર આઈવીએફ ટૅક્નિકથી નહોતા જન્મ્યા, એક સાથે સો કૌરવોનો જન્મ ટેસ્ટટ્યૂબ બેબી તરીકે નહોતો થયો, બ્રહ્માસ્ત્ર એટલે અણુબૉમ્બ એ વાતો હંબગ છે, બલરામના જન્મ વખતે તો સરોગસી જેવી કોઈ શોધ આધુનિક વિજ્ઞાનમાં થશે તેનો ઈલમ પણ કોઈને નહોતો, સુશ્રૂતસંહિતામાં ખાલી વાતો જ છે, આજે મોબાઇલની જરૂર પડે વૈદિકકાળમાં તો લોકો ટેલિપથીથી વાતો કરતાં..!


બસ, બસ હવે... આટલી કલ્પનાઓ કરીને તો મગજ બી ચકરાઈ જાય અને લાગવા માંડે કે આ બધું જ સાચું હતું.


તો, યહી જ તો અપન કહે રે'લા હૈ કે આઇન્સ્ટાઇને 1905માં આપેલી સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી, જેના પર ટાઇમ મશીન કામ કરે તેના વિશે જો 1895માં જ એચ.જી. વેલ્સે કલ્પના કરીને આખું પુસ્તક લખી નાખ્યું હતું. તેના પરથી બનેલી ફિલ્મમાં તો ચંદ્ર પર કૉલોની વસાવવાની પણ કલ્પના હતી. તો માની લઈએ કે ભારતમાં લખાયેલાં તમામ શાસ્ત્રો કલ્પનાઓ માત્ર હોય, તોપણ ભારતના ઋષિમુનિઓએ આ બધી જ કલ્પનાઓ હજારો વર્ષ પહેલાં કરી લીધી હતી.


તકલીફ માત્ર એટલી જ છે કે, બુદ્ધિના લઠ્ઠ જેવા દંભી રેશનલિસ્ટો આને ધર્મને ભાંડવાનું એક સાધન માને છે અને રાજકારણીઓ પુરાણો અને સંસ્કૃતિના નામે લોકોને બનાવટી ગૌરવનું અફીણ પાઈને ઘેનમાં રાખવા માગે છે. જરૂર તો છે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની. જે આઇન્સ્ટાઇને કર્યું. જે નાસાના વૈજ્ઞાનિકો કરે છે. ટૂ વ્હીલર, ફોર વ્હીલર કે મોબાઇલ વ્હોટએવર,.. એ પશ્ચિમે બનાવ્યું છે એનો સ્વીકાર કરવામાં છોછ શેનો? છે તો છે. આપણાં શાસ્ત્રોને માત્ર કલ્પનાઓ જ માનીએ, તોપણ આપણા વૈજ્ઞાનિકો માટે ઘણી બધી કલ્પનાઓ હજી પણ બાકી છે, સાર્થક કરવા માટે.


ભૂતકાળની સમૃદ્ધિનાં ગીતો બહુ ગાયાં, હવે ભવિષ્ય તરફ એક નજર કરીએ.


પિંચિંગ થૉટ: વાનરમાંથી માણસ બન્યાની થિયરી તો હમણાં આવી, પણ જે અવતાર પરંપરાને દંભીઓ નથી સ્વીકારતા અને માત્ર વાર્તા જ માને છે એની ઉત્ક્રાંતિની હકીકત શું છે? જરા ઝીણવટથી જોઈશું તો ખબર પડે કે એ ઉત્ક્રાંતિવાદ જ છે. પાણીમાં વિકસેલા જળચર(મત્સ્ય), જળચર-ભૂચરનું મિશ્રણ(કૂર્મ), અત્યંત હિંસક સસ્તનો(વરાહ), શક્તિશાળી છતાં થોડીક સમજણવાળા(નૃસિંહ), નાના કદના માણસો(વામન), વિકસિત છતાં ઝડપથી ક્રોધિત થતા પૂર્ણ કદના માનવો(પરશુરામ), શાંત, સૌમ્ય અને બુદ્ધિશાળી છતાં વાનરોની જેમ આજાનબાહુ(રામ) અને પૂર્ણ કદનો આધુનિક માનવ(પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ).

Friday, 23 March 2018


જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવો જ દબદબો અરવિંદ રાઠોડે ભોગવ્યો છે. આજે 77 વર્ષે પણ એક્ટિંગમાં અડીખમ આ કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો! આશરે અઢીસો જેટલી ફિલ્મો, અઢળક નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કરનારા અરવિંદભાઈ પોતાની સ્મૃતિઓ વાગોળે છે:

જ્યારે રાજ કપૂરે ખભે હાથ મૂકીને કહ્યું...


અભિનય, બાળપણનો પ્રેમ

અમે રતનપોળ-નાગોરીપોળમાં રહીએ. પિતાજી દરજીકામ કરે, લેડીઝ સ્પેશિયલિસ્ટ. એટલે બાળપણમાં મારે પણ દુકાને જવું પડે. કપડાંનું કટિંગ, ઇસ્ત્રી જેવાં કામ હું પણ કરું. પણ, મને બે જ શોખ. એક, એક્ટિંગનો અને સારાંમાં સારાં કપડાં-સૂટ પહેરવાનો. સ્કૂલમાં પણ હું પ્રાર્થના ગવડાવું, નાટકોમાં ભાગ લઉં. મ્યુઝિક શીખું. પણ, પિતાજીને આ પસંદ નહીં એટલે બપોર પછી સીધું દુકાને પહોંચી જવાનું. એ સમયે એક વખત મેન્ડોલિન શીખવાનો પ્રયત્ન પણ કર્યો, પણ ખૂબ માર પડ્યો. પરિવારમાં સૌથી મોટો હું અને મારાથી નાની ચાર બહેનો. મને ગાવાનો ખૂબ શોખ. એ સમયે કૉલેજના છોકરાઓ આવે અને પોળમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવે. તેમાં યોજાતાં શેરીનાટકોમાં ભાગ લેવા હું પણ ગયો. મારી ઉંમર આશરે દસેક વર્ષની. તેમાં નટુ-ગટુનું નાટક ચાલતું. પણ, નટુનું પાત્ર નિભાવતો છોકરો બરોબર નહોતો કરતો એટલે મને એ ડાયલોગ બોલવા કહ્યું. મારા આરોહ-અવરોહ તેમને ગમ્યા અને મને એ પાત્ર નિભાવવા કહ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ અને એક્ટિંગ એ મારો પહેલો પ્રેમ એટલે બની ગઈ. હું એ લાગણી ક્યારેય છુપાવી ન શક્યો. કૉલેજમાં યુથ ફેસ્ટિવલ્સમાં ભાગ લેતો. સમયાંતરે જ્યારે મને અભિનયમાં ઇનામ મળ્યું અને મારા પિતાને પણ સ્ટેજ પર બેસાડ્યા. ત્યારે તેમની મારા અને એક્ટિંગ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો.

રમતરમતમાં શીખી ફોટોગ્રાફી

હું પોળમાં રહેતો ત્યારે મારો એક મિત્ર હતો, સનત. તેના પરિવારનું ફોટોગ્રાફીનું કામ હતું. એટલે એમ કહોને કે અમે નાનપણમાં તેના સ્ટુડિયોમાં જ રમતા. એટલું જ નહીં, મિત્ર દાવે તેના સ્ટુડિયોમાં પોતાં કરવાથી માંડીને રોલ ડેવલપ કરવા સહિતનું કામ કરતા. આમ ને આમ રમતરમતમાં ફોટોગ્રાફી આવડી ગઈ. આવી જ રીતે એક અખબારમાં ફોટોજર્નલિસ્ટ તરીકેની નોકરી પણ મળી ગઈ. બીજી તરફ, મારું નાટકોનું કામકાજ ચાલતું હતું.

અપ-ટુ-ડેટ કપડાંનો શોખ મદદરૂપ થતો

મને બાળપણથી જ અપ-ટુ-ડેટ કપડાં પહેરવાનો શોખ હતો. એ સમયે ઇન્ડસ્ટ્રીમાં કદાચ હું એકમાત્ર ફોટોગ્રાફર હતો, જે સૂટ પહેરતો. એટલું જ નહીં, કપડાં વ્યવસ્થિત રાખવાનો આ શોખ મને મારા કામમાં પણ ખૂબ મદદરૂપ થયો. જેમ કે, મોરારજી દેસાઈ આવવાના હોય, તો હું ખાદીના કપડાં પહેરીને જઉં, જવાહરલાલ નેહરુ આવવાના હોય, તો હું કાળી શેરવાની પહેરીને જઉં. આનાથી એક ફાયદો એ થતો કે તેમનું ધ્યાન તરત મારા તરફ ખેંચાતું અને મારે જેવી તસવીરો જોઈતી હોય, એ સરળતાથી મળી રહેતી!

બનાવટી નામ + એક શરત = નોકરી ગુમાવી

થોડા સમય પછી મને ફિલ્મ ફોટોજર્નલિસ્ટ તરીકે મુંબઈ મોકલાયો, તો એવી શરત કરવામાં આવી કે મારે ફોટોગ્રાફી સિવાય કોઈ કામ નહીં કરવાનું. એવી લેખિત બાંહેધરી લેવામાં આવી. સામા પક્ષે મને માતબર વળતર પણ ચૂકવાતું. દરમિયાન, એક વખત અરુણા ઇરાની અભિનીત નાટક ‘મોટા ઘરની વહુ’ લૉન્ચ કરવાનું હતું અને તેનો હીરો રિપ્લેસ કરવાનો હતો. એટલે અરુણાજીના પિતા ફરદુનજીએ મને બોલાવ્યો. હું એ સમયે મરાઠા મંદિરમાં ફિલ્મફેર એવૉર્ડનું કવરેજ કરવા જતો હતો. તેમણે મને એ નાટકમાં અભિનય કરવા કહ્યું. મેં મારી શરત વિશે જણાવ્યું, તો તેમણે મને નામ બદલીને અભિનય કરવા કહ્યું. આખરે મેં રાજેશ કુમાર નામથી એ નાટક કર્યું અને એ હિટ થઈ ગયું. થોડા સમય પછી ‘સ્ક્રીન’માં અમારો ફોટો છપાયો અને મારી શરત મુજબ મારે નોકરી છોડવી પડી. જોકે, રાજેશ કુમાર નામથી મેં 12 વર્ષ નાટકો કર્યાં.

...અને રાજકુમાર રિવોલ્વર લઈને મને શોધતા રહ્યા

ફિલ્મોના એ જમાનામાં કોઈ પણ અભિનેતા કે અભિનેત્રીનાં લગ્ન થાય તો તેમને મળતા કામને અસર પહોંચતી. (અભિનેત્રીઓની બાબતમાં આજે પણ આવું જ છે) તેવામાં મને રાજ કુમારનાં લગ્ન એક એર હોસ્ટેસ સાથે થયાની ખબર પડી. મેં તેના વિશેની તમામ માહિતી એકઠી કરી. એ છોકરી એર હોસ્ટેસ હતી અને ત્રણ વર્ષ સુધી તેમનો અફેર ચાલ્યો. મેં તેઓ કેવી રીતે મળ્યાથી માંડીને છેક સુધીની તમામ ઘટનાઓની વિગતો છાપી. એ સમયે રાજકુમારનો દબદબો અને તેમની છાપ સનકી એક્ટર તરીકેની. તેમના ઘરે છ-છ વિશાળ કૂતરાં આંટા મારતા હોય અને ભલભલા ડાયરેક્ટર્સ પણ તેમના ઘરે જતા ડરે. તેવામાં તેમને આ સમાચાર વિશે ખબર પડતાં જ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. એક જમાનામાં રાજકુમાર પોલીસ ઑફિસર હતા અને રિવોલ્વર પણ રાખતા. એટલે જો હું તેમના હાથમાં આવું તો મને ભડાકે દેવા પણ તૈયાર જ હતા.

આ સ્ટોરીની સિરીઝ ચલાવી. સામે બીજા અખબારે મારી સ્ટોરી ખોટી હોવાના સમાચાર છાપ્યા. દરમિયાન, એક દિવસ મેં એવું લખ્યું કે મારી પાસે રાજકુમારના લગ્નની તસવીર છે. આ લગ્નની જાણ તેમના પીએ અને ફોટોગ્રાફર સિવાય કોઈને નહોતી. તો પછી વાત બહાર કેવી રીતે ગઈ! તેમણે પોતાના પીએને ખખડાવી નાખ્યો એટલું જ નહીં, ફોટોગ્રાફરને પણ બોલાવીને માર માર્યો. આ સમાચાર વાંચીને તરત જ તેમનો પીએ મારા ઘરે આવ્યો અને મને તસવીર વિશે પૂછવા માંડ્યો. મારે તેને તસવીર કેવી રીતે બતાવવી?! હવે બન્યું એવું કે એ સમયે આર.કે. નૈય્યર અને સાધનાનાં લગ્ન થયાં હતાં. જેની તસવીરો મેં લીધી હતી. તેમની ઊંચાઈ પણ રાજકુમાર જેટલી જ. એટલે મારી પાસે તેની નેગેટિવ હતી. મેં તેને એ નેગેટિવ બતાવી અને તે માની ગયો. તેણે ઘરે જઈને રાજકુમારને વાત કરી. ત્યાર પછી રાજકુમાર ટાઢા પડ્યા અને બીજા સપ્તાહથી બંને અખબારોમાં એ સ્ટોરી આવતી બંધ થઈ.

મુગલ-એ-આઝમ અને એપ્રિલ ફૂલની રમત

કે. આસિફ દ્વારા બનાવાયેલી મુગલ-એ-આઝમનું નિર્માણ શાપુરજી-પાલોનજીના પ્રોડક્શન હાઉસ દ્વારા કરાયું હતું. એક વખત મેં એવી સ્ટોરી કરી, જેમાં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, નરગિસ, શશિ કપૂર સહિતના કલાકારો બાદશાહી પોશાકમાં હોય તેવી તસવીરો સાથે લખ્યું કે આ તમામ કલાકારોને લઈને મુગલ-એ-આઝમ બનાવાઈ રહી છે. શાપુરજી-પાલોનજી અમારા પર ગુસ્સે ભરાયા અને અખબારને નોટિસ મોકલી. મને તેમની ઑફિસે બોલાવી ખૂબ ખખડાવ્યો. એ સમયે તેમના વકીલ મુંબઈના સૌથી મોટા વકીલ હતા. જેમના નામથી જ ભલભલા પોતાનો કેસ પાછો ખેંચી લેતા. અમે મુંબઈ ગયા તેમને મળ્યા અને અમારી વાત પર મક્કમ રહ્યા. બીજા અઠવાડિયે ફરીથી સ્ટોરી લખી, જેમાં ખુલાસો હતો કે એ સમાચાર એપ્રિલ ફૂલ તરીકે છાપ્યા હતા અને એપ્રિલ ફૂલ માટે આવા કોઈ અંકુશો હોતા નથી. અને આ રીતે આ સમગ્ર પ્રકરણનો અંત આવ્યો.

રાઇટિંગ ઓન ધ વૉલ

આ લગભગ 65-66ના સમયની વાત છે. એક તરફ દિલીપ કુમાર સાયરા બાનુના લગ્નની વાતો ચાલતી હતી. બીજી તરફ, રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનુ એક ફિલ્મમાં કામ કરતાં હતાં. તેમનાં વિશેની પણ જોરદાર ચર્ચાઓ હતી. દરમિયાન, એક વખત મારે તેમના સ્ટુડિયોમાં જવાનું થયું. ત્યાં વરસાદી માહોલમાં ગીતનું શૂટિંગ ચાલતું હતું. ચારેતરફ સ્પ્રિંકલ થતા હતા. રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનુ બંને પલળેલાં હતાં. દરમિયાન, રાજેન્દ્ર કુમારનો સેક્રેટરી કોઈ દસ્તાવેજ લઈને આવ્યો. જેના પર તેમની સહી જોઈતી હતી. એ વખતે સાયરા બાનુએ તેમના ખભે ટુવાલ ઢાંક્યો હતો અને રાજેન્દ્ર કુમારે તેમના ખભે કાગળ મૂકીને તેના પર સહી કરી. એ વખતથી ફિલ્મફેરમાં મારું એક બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફીચર શરૂ કરાયું હતું, ‘ફોટોગ્રાફ ઑફ ફોર્ટનાઇટ’. જેમાં એ તસવીર સૌ પહેલી છપાઈ અને એ ફીચર હિટ થઈ ગયું.

દિલીપ કુમાર-સાયરાને કચકડે કંડારનાર એકલવીર

નોકરી ગુમાવ્યા પછી મેં બીજા મેગેઝિન્સમાં કામ શરૂ કર્યું. ત્યારે બદરી કાચવાલા પારસ, ફિલ્મ કેસરી અને રસનટરાજ નામથી ગુજરાતી, મરાઠી અને હિંદીમાં ત્રણ અલગ અલગ મેગેઝિન બહાર પાડતા. તેમણે મને એક્સ્લુઝિવ ફોટો માટે કહ્યું. બન્યું એવું કે, દિલીપ કુમાર-સાયરા બાનુના નિકાહ હતાં. લગભગ સવાસોથી દોઢસો ફોટોગ્રાફર આવ્યા હતા. પણ, અપેક્ષા કરતાં સંખ્યા ખૂબ વધી ગઈ અને વિધિ સાયરા બાનુના બેડરૂમમાં યોજાઈ. જ્યાં માત્ર ઇન્ડસ્ટ્રીના જાણીતા પચાસેક લોકોને જ જવાની છૂટ હતી. કોઈ બહારની વ્યક્તિ ઉપર ન પહોંચી જાય એટલા માટે નીચે રાજ કુમાર ઊભા હતા. દરમિયાન, નીચેના ઓરડામાં સાયરાના દાદી નસીરબાનુનો બુરખો પડ્યો હતો. મેં એ પહેર્યો, મારા બૂટ કેમેરાની બેગમાં નાખ્યા અને ઉપર પહોંચી ગયો. ત્યાં સ્ટાર ઍન્ડ સ્ટાઇલ નામના દેવ્યાની ચૌબલ નામનાં એક મહિલા પત્રકાર પણ હતાં. જેમણે મને પકડી પાડ્યો. અનેક અડચણો અને તેમને મનામણાં કરીને આખરે મેં લગભગ બે રોલ ક્લિક કર્યા. બદરી કાચવાલાએ મારો ફોટો પણ માગ્યો અને છેલ્લા પાને આ તમામ તસવીરોની સાથે મારો ફોટો છાપીને લખ્યું કે ‘જાંબાઝ છબિકાર ગુજરાતનું રતન’. બીજા દિવસે જ્યારે એ ફોટો છપાયો, ત્યારે દિલીપ સા’બએ બદરી કાચવાલાને કહ્યું કે આ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ.

જ્યારે જૉકરે જિંદગી બદલી નાખી...

આ લગભગ 1968ની વાત છે. મુંબઈમાં હું ફોટોજર્નલિસ્ટ તરીકે કામ કરતો હતો. એટલે રોજનો એવો નિયમ કે સાંજે આર.કે. સ્ટુડિયોની ઑફિસે જવાનું. ત્યાંથી તમામ પ્રેસનોટ અને ફ્રી પબ્લિસિટી માટે શૂટિંગની તસવીરો મળતી. દરમિયાન, એક દિવસ સવારે આઠ વાગ્યે હું જ્યાં રૂમ રાખીને રહેતો ત્યાં આર કે સ્ટુડિયોનો માણસ આવ્યો અને કહ્યું કે રાજ કપૂરના પીએ વી.પી. સાઠે મને બોલાવે છે. તેમણે મને ત્રણ ચાર સૂટ સાથે લાવવા કહ્યું. એ સમયે ઇન્ડસ્ટ્રીમાં હું એક માત્ર એવો ફોટોગ્રાફર હતો, જે કાયમ સૂટ પહેરીને ફોટોગ્રાફી કરતો. રાજ કપૂર મને ઓળખતા. બપોરના સમયે રાજ કપૂર આવ્યા અને મારા ખભે હાથ મૂકીને કહ્યું, ‘તુમ ‘જૉકર…’ મેં કામ કર રહે હો.’ અને જાણે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ! તેઓ મને પોતાની એસી કૉટેજમાં લઈ ગયા અને તેમના પર્સનલ મેક-અપમેન પાસે મારો મેક-અપ કરાવી મને સીન સમજાવ્યો. એ સીનમાં જ્યારે પોતાની ફિલ્મ માટે હિરોઇન શોધતા રાજેન્દ્ર કુમાર પદ્મિનીને મળે છે. ત્યારે રાજેન્દ્ર કુમાર સાથે ઓળખાણ કરાવવા પદ્મિની રાજ કપૂરને બોલાવે છે. આ સમયે ફોટોગ્રાફર તરીકે મારે રાજ કપૂરને ધક્કો મારવાનો હતો અને સિંગલ ટેકમાં અમે એ સીન ઑકે કર્યો. મને યાદ છે, એ ફિલ્મમાં પ્રાણ સહિતના કલાકારો હતા, પણ ફિલ્મમાં તેમનો એક પણ સીન નથી. આ સિવાય અનેક કલાકારોના સીન એડિટ થઈ ગયા છે, પણ મારો એ સીન આજે પણ ફિલ્મમાં મોજૂદ છે. એ મારી પહેલી ફિલ્મ, જે મારા માટે આજીવન સંભારણું બની ગયું.

ભાદરે અપાવી ઓળખ

‘જૉકર…’ પછી જયા બચ્ચન સાથે મારી એક ફિલ્મ આવી હતી. પણ, સંજોગોવશાત્ એ ફિલ્મ ત્યારે રિલીઝ ન થઈ શકી. ત્યાર પછી ‘બદનામ ફરિશ્તે’, ‘કોરા કાગઝ’, ‘જ્હોની ઉસકા નામ’ જેવી ફિલ્મો કરીને હું ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો. શરૂઆતમાં ‘જેસલ તોરલ’ અને ‘હોથલ પદમણી’ જેવી હિટ ફિલ્મો કર્યા પછી મને રવિન્દ્ર દવેએ ‘ભાદર તારા વહેતા પાણી’ ફિલ્મ આપી. તેમાં મારું જેઠાનું પાત્ર ખાસ્સું પ્રખ્યાત થયું અને ત્યાર પછી મેં ક્યારેય પાછું વળીને નથી જોયું.

જ્યારે કેટલાંય કાચાં મકાન પાકાં બન્યાં

આ 80ના દાયકાની વાત છે. ફિલ્મ આવી હતી ‘પંખીનો માળો’. જેમાં મેં કેશુ કાતરિયાનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મમાં રાજીવ, જયશ્રી ટી, અસરાની જેવા એ સમયના જાણીતા કલાકારો હતા. ફિલ્મ જ્યારે થિયેટરમાં આવી ત્યારે તેની ટિકિટ 2 રૂપિયા 40 પૈસા હતી. ધીમે ધીમે એ ફિલ્મ લોકોને એટલી પસંદ પડી કે 25મા અઠવાડિયે પહોંચી, ત્યારે એક ટિકિટનો કાળાબજારનો ભાવ 40 રૂપિયા થઈ ગયો હતો. મને યાદ છે, ફિલ્મની સિલ્વરજ્યુબિલી વીકની ઉજવણી વખતે મને લેવા માટે ખાસ મર્સિડીઝ કાર રાખવામાં આવી હતી અને જ્યાં સુધી હું કેશુ કાતરિયાનો ડાયલોગ ન બોલ્યો, ત્યાં સુધી મને થિયેટરમાં નહોતો જવા દેવાયો. જેવા અમે થિયેટરમાં પ્રવેશ્યા કે તરત 15-20 લોકોનું ટોળું મને ઘેરી વળ્યું. થિયેટરના માલિકે મને તેમની ઓળખ આપી કે તે બધા ટિકિટ બ્લેક કરનારાઓ છે અને મને હાર પહેરાવવા માગે છે. મને હાર પહેરાવતાની સાથે ગળગળા સ્વરે એક વ્યક્તિએ મને કહ્યું કે, ‘બાપ, તમારા કારણે આજે અમારા લિંપણના ઘરવાળી દીવાલો પાકી થશે. તમે અમારે ઘરે એક વાત ચા પીવા આવો.’ આ ઘટના યાદ આવે છે, ત્યારે જીવનમાં અનેરા સંતોષનો અનુભવ થાય છે.

બે સીનને વધારીને ચૌદ સીન કરવા પડ્યા

અરુણ ભટ્ટ સાથે મેં આશરે 15-17 ગુજરાતી ફિલ્મો બનાવી હશે, પણ એક-બેને બાદ કરતાં મોટા ભાગની ફિલ્મોમાં મારું મુખ્ય પાત્ર હતું. ખાસ કરીને ‘લોહીની સગાઈ’માં મારે લોજના મેનેજરનું કૉમિક પાત્ર નિભાવવાનું હતું. જે માત્ર બે સીન પૂરતું હતું. પણ, મારો અભિનય જોતાં એ વાર્તામાં ફેરફારો કરવા પડ્યા અને એ પાત્રના વધારીને બેમાંથી ચૌદ સીન કરવા પડ્યા.

એ જાહોજલાલી આજે શક્ય નથી

મેં આશરે બસ્સોથી અઢીસો જેટલી ફિલ્મ, અનેક નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યું છે. સરકાર તરફથી અનેક એવૉર્ડ્ઝ મેળવ્યા છે. પણ, જ્યારે કાળા બજાર કરનારાઓ આવીને ગળગળા થઈ જાય કે ફિલ્મનો ડાયલોગ બોલ્યા વિના ભીડ આગળ ન વધવા દે, તો એ દર્શકોનો પ્રેમ છે, જે કમાવો ખૂબ અઘરો છે. આજે કોઈ પણ કલાકાર માટે દર્શકોનો એ પ્રેમ, એ જાહોજલાલી કદાચ શક્ય નથી લાગતી. આજે ફિલ્મો બને છે, પણ એક અડધા કલાકની ધારાવાહિકને અઢી કલાક ખેંચી હોય તેવી લાગે છે. વાર્તાનો અભાવ દેખાય છે. આ બધું જોતા લાગે કે અમે જે જાહોજલાલી ભોગવી એ આજે શક્ય નથી લાગતી.

પદ્મા આજે પણ મારી આસપાસ છે

મારા અને પદ્મા(રાણી) વચ્ચે શું નાતો રહ્યો છે, તેની વ્યાખ્યા હું કદાચ ક્યારેય ન આપી શકું. મારા માટે મા કહો, બહેન કહો, પત્ની કહો... જે કહો તે છે, પદ્મા એ બધું જ હતી. પણ, એટલું ખરું કે તેના વિના આજે હું જ્યાં છું ત્યાં આ અરવિંદ રાઠોડ ન હોત. અમે અનેક ફિલ્મોમાં મા-દીકરાના રોલ પણ કર્યા છે. અમે લગભગ 42 વર્ષ સાથે ગાળ્યાં છે. મારા માટે તે પ્રેરણાસ્રોત હતી, ઊર્જા હતી, આજે પણ છે. 77 વર્ષની ઉંમરે પણ હું જો ઊર્જાથી કામ કરી શકું છું, તો તેનું એક માત્ર કારણ પદ્મા જ છે. મારું ઘર એ આજેય ‘પમીનું ઘર’ છે. આજેય મને એવું લાગે છે કે તે ક્યાંક ને ક્યાંક મારી આસપાસ જ છે.