ચીયર્સ લૈલા
આપણને સતત અપૂર્ણતા સાલતી રહે છે, પરંતુ
ભયંકર દુ:ખ અને ગ્લાનિ લાવતી સંપૂર્ણતા કરતાં અપૂર્ણતા શું ખોટી?
અપૂર્ણતાનો આનંદ અનેરો છે, જે ક્યારેય સંપૂર્ણતામાંથી ન મળે. મુદ્દો છે સંતુષ્ટિનો. વાસ્તવિક
સંતુષ્ટિ અને સંપૂર્ણતા આપણી અંદર જ છે. શું આપણી પાસે જે છે તેમાં ખુશ ન
રહી શકીએ?
- અમિત રાડિયા
આમ જોઈએ તો સમગ્ર મહાભારત એ આવી અપૂર્ણતામાંથી જન્મતા અસંતોષની ગાથા છે. રાજા શાંતનુને પુત્ર જોઇએ છે, પરંતુ તેના માટે પત્ની ગંગાને ગુમાવવી પડી, ભીષ્મનું બ્રહ્મચર્ય અને કુરુકુળના વારસદારનો પ્રશ્ન, વેદવ્યાસ દ્વારા પુત્રપ્રાપ્તિ, નેત્રહીન ધૃતરાષ્ટ્ર, રોગિષ્ઠ પાંડુ, શૂતપુત્ર હોવાનું દુ:ખ વેંઢારતો કર્ણ, હસ્તિનાપુરનું રાજ્ય મેળવવા મથતો દુર્યોધન, દ્રૌપદી, આઠમો કોઠો ન જાણવાની અભિમન્યુની વિડંબણા હોય કે સંપૂર્ણ ગુરુજ્ઞાન ન મેળવ્યાનો એકલવ્યનો વસવસો. સમગ્ર કથા અપૂર્ણતાની જ છે. તેમાં એકમાત્ર પૂર્ણ પુરુષ છે, કૃષ્ણ. પરંતુ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, બધું જાણ્યા બાદ એ બધું જ જોવું અને જીરવવું કૃષ્ણ માટે કદાચ સૌથી વધુ દુ:ખદાયક હતું.
અપૂર્ણતા સામેની માણસની આ લડાઈ આજે પણ ચાલુ છે. તે જન્મે ત્યારથી કોઇ ને કોઇ પ્રકારના અસંતોષથી પીડાતો રહે છે. બાળક નાનું હોય, ત્યારે તે દૂધ માટે રડે છે, વિદ્યાર્થી અવસ્થામાં બીજા વિદ્યાર્થી કરતાં ઓછા ગુણ મેળવ્યાનું દુ:ખ, કોલેજમાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ન હોવાની ચિંતા, નોકરીમાં પગાર અને પ્રમોશનનો પ્રશ્ન, લગ્ન થયાં પછી પતિ-પત્નીની કેમિસ્ટ્રીમાં પણ કંઈક ખૂટતું હોવાની લાગણી સતત થયા કરે અને વૃદ્ધાવસ્થામાં સંપૂર્ણ સુખ-શાંતિની અપૂર્ણતા. વિશ્વની દરેક વ્યક્તિ કોઈ ને કોઈ અસંતોષ-અપૂર્ણતાથી સતત પીડાતી રહે છે.
અમેરિકાના 44 ટકા નોકરિયાતો તેમની નોકરીથી નાખુશ છે, 65 ટકા લોકોને ગવર્નમેન્ટ સિસ્ટમ પસંદ નથી. 52 ટકા મહિલાઓ એવું માને છે કે તેમની સેક્સ્યુઅલ લાઇફ સંતોષકારક નથી. 73 ટકા સ્ત્રીઓ તેમના દેખાવ અને ફિગરથી નાખુશ છે. મતલબ, બાકીની વ્યક્તિઓ ખુશ છે એવું નથી. તેમને બીજી કોઈ મુશ્કેલી હોય છે. વિશ્વની કદાચ જ કોઈ વ્યક્તિ એવી હોય જે પોતાની ખામીઓ કે અપૂર્ણતાઓ સાથે સંતુષ્ટ હોય... અલબત્ત, આવી અપૂર્ણતા જ કંઇક નવું કરવાની પ્રેરણા આપે છે. પરંતુ પૂર્ણતા પામ્યા પછી કરવાનું શું? કંઇ નહીં!
આવી જ અપૂર્ણતાઓથી ભરેલી જિંદગી છે લૈલાની. તેને પણ જીવનમાં કંઈક ખૂટતું હોવાની લાગણી સતત રહ્યા કરે છે. કોલેજમાં તેના મિત્રો છે, પણ તે બધાથી અલગ છે. તે ઇચ્છે છે કે તેને પણ બોયફ્રેન્ડ હોય, જે તેની સાથે ફ્લર્ટ કરે, તેની સંભાળ રાખે, તેને પ્રેમથી હગ કરે, કિસ કરે. પણ ના, આવું કંઈ નથી તેની જિંદગીમાં. કદાચ... તે સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે, એટલે. તેને ‘પી’ કરવા માટે પણ કોઈની મદદ જોઈએ છે. આમ છતાં, લૈલા માનસિક રીતે એટલી મુક્ત અને મક્કમ છે, કે પોતાની જેમ જ સેરેબ્રલ પાલ્સીથી પીડાતા છોકરાને કિસ કરી શકે છે, દુકાનદાર પાસેથી વાઇબ્રેટર ખરીદતા તે શરમાતી નથી અને તેની શારીરિક અપૂર્ણતા યાદ કરાવનારને મિડલ ફિંગર બતાવવાથી પણ અચકાતી નથી. પોતાની પ્રાઇવસી માટે કે પોર્નસાઇટ જોવા બદલ ગુસ્સે થનારી માતા સાથે ઝઘડો પણ કરી લે છે.
પરંતુ ભૂખ આખરે ભૂખ હોય છે, શરીરની હોય કે પેટની. લૈલા પણ આખરે માણસ જ છે ને? શી વોન્ટ્સ ટુ એન્જોય સેક્સ. તેને એક ગર્લફ્રેન્ડ મળે છે! યસ્સ્સ, ગર્લફ્રેન્ડ. ખાનુમ, જેને આંખો નથી. 21મી સદીમાં પણ સંસ્કૃતિના નામે નાકનું ટેરવું ચઢાવતા લોકોના સમાજમાં બંને યુવતીઓ લેસ્બિયન સંબંધ બાંધે છે. અફકોર્સ એ વખતે તેઓ ન્યૂયોર્કમાં હોય છે. લૈલાને પૂર્ણતાનો અનુભવ થવા લાગે છે. પણ,.. એમ સરળતાથી ચાલે તો જીવન કેવું? માતા મૃત્યુ પામે છે અને ખાનુમ પણ છોડીને ચાલી જાય છે. હવે..? તે હારતી નથી, રસ્તો શોધવા મથે છે.
...અને છેલ્લે. લૈલા બ્યૂટિપાર્લરમાં જાય છે, અફકોર્સ ડેટ માટે તૈયાર થવાં. રેસ્ટોરન્ટમાં માર્ગારિટા ડ્રિન્કનો ગ્લાસ પોતાના હાથમાં લે છે અને સામેની વ્યક્તિને ચીયર્સ કરે છે. કોણ છે સામે? સામે છે આદમ કદનો અરીસો. યસ્સ્સ, લયલાને હવે કોઈની જરૂર નથી. તેને એકલાં ખુશ રહેતાં આવડી ગયું છે, પોતાની ખામીઓ સાથે.
આ વાત છે ફિલ્મ ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ની. ફિલ્મનું વિવેચન કે વિવરણ કરવાનો મુદ્દો નથી, મુદ્દો છે સંતુષ્ટિનો. આપણને પણ સતત અાવી અપૂર્ણતા સાલતી રહે છે, પરંતુ ભયંકર દુ:ખ અને ગ્લાનિ લાવતી સંપૂર્ણતા કરતાં અપૂર્ણતા શું ખોટી? અપૂર્ણતાનો આનંદ અનેરો છે, જે ક્યારેય સંપૂર્ણતામાંથી ન મળે. વાસ્તવિક સંતુષ્ટિ અને સંપૂર્ણતા આપણી અંદર જ છે. શું આપણી પાસે જે છે તેમાં ખુશ ન રહી શકીએ?
પિંચિંગ થોટ: ‘તમારી પાસે જે છે તેના બદલે કુદરતનો આભાર માનો, વધુ ને વધુ મેળવવાની ઝંખના છોડી દો. જો તમે તમારી પાસે જે નથી તેના વિશે જ સતત ધ્યાન રાખ્યા કરશો, તો તમે ક્યારેય પૂરતું નહીં મેળવી શકો.
- ઓપ્રા વિન્ફ્રે (લખ્યા તા.15/5/2015)
દિવ્ય ભાસ્કર, ‘કળશ’ પૂર્તિ તા.20/5/2015.



