Saturday, 20 May 2017

પાયખાનામાં પાંગરતી પ્રેમકથા

અવે, મારથી રે’વાતુ નઈઈઈ..

કૉલગેટની પેલી એડ – ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક હંય?ની જેમ કોઈ પૂછે કે તુમને કિસી સે કભી પ્યાર કિયા હંય? તો કોઈ એવો ભડનો દીકરો કે દીકરી ન નીકળે કે જે ના પાડે. (સિવાય કે ગુપ્ત કારણો ઓવે)


હું તમ હંધાયને પૂસું કે પ્રેમ ચ્યોં થઈ હકે? એલા, ઈ તો ગમે ન્યો થાય. બસમાં રોજે અપડાવન કરતાંય થોય ને નિશાળને બોંકડે બેઠાં બાજુવાળા કે બાજુવાળી હારેય થોય. સોપિંગ મૉલમાં વિન્ડો સોપિંગ કરતાંય થોયને સુલભ સવચાલયમાંય થોય. પેટના પ્રેસરની જ્યમ ઈય કંઈ થોડો પૂસે કે થવું કે ન થવું?

ખેર, વાત છે, પ્રેમના પ્રેશરની. જો કોન્સ્ટિપેશન પર શૂજિત સિરકાર ‘પીકુ’ બનાવે કે માનવીય સંવેદનાઓ પર રિતેશ બત્રા ‘લંચ બૉક્સ’ લાવે, તો ‘છેલ્લો દિવસ’રૂપે કૉલેજ મેમરીઝનું કમ્પાઇલેશન કરનારા કૃષ્ણદેવ યાજ્ઞિક અને વૈશલ શાહ કેમ પાછળ રહી જાય? પ્રેમ તો ગમે ત્યાં પાંગરે, પાયખાનામાં પણ! અને આવી ગયું, ‘કરસનદાસ પૅ ઍન્ડ યુઝ’ (‘દ’ને ઠેકાણે ‘ડ’ મેકીને પાછું વાંચવાની છૂટ). એક લાઇટ હાર્ટેડ લવસ્ટોરી.

ટાઇલ ધોવાના ફિનૅલવાળા પચપચતાં પાણીમાં લપસતી ઝયા એટલે કે જયા (દીક્ષા જોશી)ને બચાવવામાં તિલિયો (મયુર ચૌહાણ) પોતે જ લપસી ગ્યો ને આખેઆખો પલળી ગ્યો, એનેય પ્રેસર આયવું (પ્રેમનું જ તે) ને દોટ મેકી.

વંશને આગળ વધારવાની નાની મહેચ્છા, ‘તાંસડી જેટલું ખાવું ને તગારા જેટલું જાવું’ની જેમ આખો દી’ ખા-ખા ને જા-જા કરતું દૂબળી ગાયને ચોંટેલી બગઈ જેવું બચ્ચરવાળ, જાજરૂ સાફ કરીને રોજના કુલ્લે સો રૂપિયા રળી ખાનારા તિલિયાની સામે રોજ પોતાની રીક્ષામાં ખાલી 100 રૂપિયાનો તો ગૅસ પુરાવતો કબજિયાતનો મનોરોગી ટણિયો, સૉરી ચિનિયો (ચેતન દૈયા). પારકાનેય પોતીકા ગણતો કાળુ (જય ભટ્ટ). દર બીજા સીનમાં પોતાની કૉમિક સેન્સથી દિલ જીતી લેતો સુંદર (હેમાંગ શાહ) અને પાંચ જ મિનિટની એક સિક્વન્સમાં જલસો કરાવી જતો ન્યૂઝ રિપોર્ટર (?), માત્ર બે જ સિચ્યુએશનલ સૉંગ અને સાંભળવું ગમે એવું સંગીત (કેદાર-ભાર્ગવ).

બસ, આટલેથી અટકો. ફિલ્લમ ક્યાં ઢીલી પડી ને ક્યાં ફાસ્સમફાસ ભાગી? ડિરેક્શન વધુ સારું કે સંગીત મજ્જાનું અને કાસ્ટિંગ જોરદાર, સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન વેલ્યૂ એવી બધી ભારે ભરખમ વાત્યું તો વીર રિવ્યૂવાળા લખશે. આપણે તો બૉસ એન્જૉય કરવા ગ્યા’તા,...

સેપ્ટિક ટૅન્કમાં ગુંગળાઈને અખબારની ડબલ કૉલમમાં સમાઈ જતી જિંદગીને સફાઈકર્મીના પરિવારે પણ જાણે નિયતી તરીકે સ્વીકારી લીધી હોય એમ ‘મારો બાપેય ગટરમાં જ મરી જ્યો’તો’ જેવો ફ્લેટ બોલાતા સંવાદ પાછળની સંવેદના તમારા હૃદય સોંસરી ઊતરી જાય. ન સ્વચ્છતાના કોઈ પાઠ કે ઉચ્ચ-નીચની સામાજિક ખાઈ વિશે પણ કોઈ બોઝિલ ઉપદેશ તો નહીં જ. સાહજિકતાથી હસતાં-રમતાં કહેવાનું કહી દેવાનું. આમ પણ ફિલ્મોમાં અપાયેલા સંદેશા ક્યાં કોણ માન્યું છે? મુન્નાભાઈને જોઈને ગાંધીગીરી કોઈ કરતું નથી ને સ્વચ્છ ભારત થાય, ત્યારે... એના કરતાં અત્યારે શુદ્ધ મનોરંજન મેળવી લેવું શું ખોટું?
આજ દી’ લગી કોઈએ મોઢે માંડેલું કે જમીને વધેલું એઠું કહેવાતું, આમાં એઠાંનોય નવો અર્થ ખબર પડી. આવા બીજા પણ કેટલાક ડાયલોગ્સ છે (જેને ન પચે એણે બીજે દી’ સવારે, ફ્લશ…)

અવે તમનેય ઝો પ્રેશર આવતું ઓવે ને રેવાય નઈ, તો કરસનદાસ પૅ ઍન્ડ યુઝના બારણે જઈને ટહુકો કરતાં આવો, આઈ જ્યોઓઓઓ…


સળી-સંચો: અને હા, ફિલ્લમમાં કોઈ વારેવારે ખરચુ કરીને હાથ ન ધોઈ તો નાકનું ટીચકું નહીં ચઢાવવાનું, એ તો પ્રેમનું પ્રેશર હતું એમ સમજી લેવાનું.

E-mail: amit.radia99@gmail.com
WA: +91 98 98 216 516
Twitter: @Amit_Radia

Thursday, 16 March 2017

ફટ્ છે તમારી આંધળી આસ્તિકતાને


ધર્મ એ ભારતીય પ્રજાની તાસીર છે અને ધર્મ વિરુદ્ધ બોલવામાં બધાને ડર લાગે છે. ક્યાંક કોઈ દેવતાને ખોટું લાગી જાય, તો ધનોતપનોત કાઢી નાખે! દેશની બહુમત પ્રજાની આ ધારણા છે અને તે સ્વીકારે પણ છે.
 
પણ, આ ખોટું છે. સદંતર જુઠ્ઠાણું. ખરેખર તો, હિન્દુસ્તાની પ્રજાનો પ્રાદુર્ભાવ સંસ્કૃતિમાંથી થયો છે, નહીં કે કોઈ ચોક્કસ ધર્મ કે માત્ર પૂજાવિધિના પરિપાકરૂપે. અહીં દરેક ધાર્મિકવિધિની પાછળ પણ વિજ્ઞાન છે, ગણિત છે, ખગોળ છે, આરોગ્ય છે. અને એથીય ખાસ તો તર્ક છે, નક્કર તર્ક. એ ખરું કે સમયાંતરે આ તર્કો નબળા પડતા જાય છે અને તેના પર (ગેર)માન્યતાઓ અને લાગણીઓનો (દુષ્)પ્રભાવ વધતો જાય છે. એના કારણે જ ફળાહાર ફરાળ (સાબુદાણા-બટાકાની) બની જાય છે.

શાસ્ત્રોમાં અવતારની વાત કરવામાં આવી છે કે વિશ્વને પાપ અને દુ:ખોની ગર્તામાંથી બચાવવા માટે કોઈ યુગપુરુષ આવે છે. અલબત્ત, સમયાંતરે આવા યુગપુરુષો જન્મ્યા પણ છે કે પછી આવી ઉપદેશાત્મક વાર્તાઓ ઘડી કાઢવામાં આવી હશે! પિતૃસત્તાક સમાજમાં બહુપત્નીત્વ સામે એકપત્નીત્વનું ઉદાહરણ રામ હોય, ગોપાલકો અને ગાયોનાં સંવર્ધક ગોવર્ધન કૃષ્ણ હોય કે પછી પરતંત્રીય પ્રજાને સ્વતંત્ર કરવાનું મહાત્માકાર્ય કરનાર ગાંધી હોય, આ બધા યુગપુરુષો જ છે. આવાં જ ઉદાહરણમાં આવે બાઇબલને અનુસરનારા ખ્રિસ્તીઓ, કુરાનને અનુસરતા મુસ્લિમો, જૈનો, બૌદ્ધો, વૈષ્ણવો, શૈવો, હરિભક્તો.

સમયાંતરે આ મહાપુરુષોના અનુયાયીઓ વધવા લાગે છે. આપણી આંધળુકિયા પ્રજા મહાન લોકોના વારસોને પણ તેમના જેવા જ મહાન ગણીને અછોઅછોવાનાં કરે છે, તેમનાં ચરણામૃતનું પાન કરે, સાંષ્ટાંગ કરે કે તેમની સામે ચત્તા પણ સૂઈ જાય. કારણ કે આપણે આજીવન ત્રસ્ત પ્રજા જ છીએ અને હંમેશાં તારણહારો માટે તલસતા જ રહીએ છીએ. આજે વૈષ્ણવ, કાલે શૈવ, પછી હરિભક્તિ કે સાંઈબાબા. તેનાથીય કામ ન ચાલ્યું, તો સત્ય સાંઈબાબા જિંદાબાદ.

પણ કહેવાય છે ને કે, દીવા તળે અંધારું જ હોવાનું. રામના વંશમાં બીજો મર્યાદાપુરુષોત્તમ, કૃષ્ણના કુળમાં બીજો દ્વારિકાધીશ, ગાંધીનો બીજો મહાત્મા વારસ હજી સુધી જન્મ્યા નથી અને કદાચ એ ક્યારેય જન્મવાના પણ નથી અને એટલે જ આ યુગપુરુષો મહાન છે. કોઈ પણ કુળના આદિપુરુષ જેવું દૈવત તેના વારસદારમાં નહીં જ હોવાનું અથવા ઉત્તરોતર ઘટતું જ જવાનું. તેમનામાં બદીઓનો પ્રવેશ થતો જવાનો. અને કોઈ પણ પંથ સંપ્રદાયના આદિપુરુષો આ બાબતથી સુપેરે માહિતગાર હશે જ, એટલે જ તેમણે પોતે સ્થાપેલા પંથ-સંપ્રદાયનું આયુષ્ય પણ નક્કી કરી આપ્યું હોય! કદાચ એટલે જ તત્ત્વપૂજાને શ્રેષ્ઠ માનવામાં આવી છે અને પરમાત્માની કલ્પના પણ નિરાકાર, નિર્ગુણ તરીકે જ કરવામાં આવી છે.

એક બૂટલેગરનો ધંધો ન ચાલે કે પોલીસનો ડર લાગે અને તે સંત બની જાય, તો જાગતા મૂતરનારાઓ (જી હા, જાગતા મૂતરનારાઓ) તેને પણ ફૂલડે વધાવી લે છે. સાત વર્ષના બાળક કે બાળકીને શું ખબર હોય કે વૈરાગ-સંન્યાસ શું હોય, એ તો ચૌદ વર્ષે જ સમજાવાની શરૂઆત થાય કે સંસાર કેવો હોય?! બેરોજગારીના કારણે સંત કે સ્વામી બની જવાનું અને સુંવાળી પીઠ પર આશીર્વાદના નામે હાથ ફેરવવા કે તેને તાકવાની.

ફટ્ છે તમારી ધર્મભક્તિને.

પિચિંગ થૉટ: આરએસએસની શરૂઆતથી એક પ્રણાલી હતી કે પ્રચારક બનનારે સાંસારિક સુખોનો ત્યાગ કરીને આજીવન નિર્વિવાહિત સંઘકાર્ય કરવાનું. આજે અમુક વર્ષોના સંઘકાર્ય પછી જેને સંસારમાં પરત જવું હોય તેમને છૂટ છે. સ્વામિનારાયણ સંપ્રદાયે પણ આ પ્રણાલી અપનાવવી જોઈએ.

WA: +91 98 98 216 516
Email: amit.radia99@gmail.com
Teitter: @Amit_Radia

Saturday, 18 February 2017

‘નરસૈંયો...’ અને ‘ગાંધીઃ માય ફાધર’એ
જિંદગી બદલી નાખી : દર્શન જરીવાલા


ખૂબ ઓછા ગુજરાતી કલાકારો એવા છે, જેમણે રાષ્ટ્રીય ફલકથી આગળ વધીને બ્રિટન અમેરિકા અને હોલિવૂડમાં પણ અભિનયનાં ઓજસ પાથર્યાં છે. ‘ગાંધીઃ માય ફાધર’ સહિતની ફિલ્મોમાં યાદગાર પાત્રો નિભાવનારા આવા જ કલાકાર છે, દર્શન જરીવાલા- Darshan V. Jariwalla. આ અઠવાડિયે તેમના અને Supriya Pathak તેમજ Avani Modiના અભિનયવાળી Vipul Mehta દિગ્દર્શિત ‘કૅરી ઑન કેસર’ Carry On Kesar ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે દર્શનભાઈ સાથેની સાથેની વાતચીતઃ

*(સ્થળમર્યાદાના કારણે પૂર્તિમાં અમુક સવાલો નહોતા સમાવી શકાયા, આખો આર્ટિકલ અહીં વાંચી શકાશે.)




અભિનયની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતાં હોવાના કારણે સ્વતંત્ર ઓળખ ઊભી કરવા માટે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો?
 $ મારાં મમ્મી લીલા જરીવાલાએ ગુજરાતી અભિનયક્ષેત્રે ખાસ્સું કામ કર્યું છે, એટલે સ્વાભાવિક છે કે અભિનયજગતની ત્રણ-ચાર પેઢીઓ સાથે ઘરોબો હોવાનો અને તેમને નજીકથી ઓળખવાનો લાભ મને મળ્યો છે. મમ્મીની ગુડવિલ અને અભિનયકળાનો વારસો તો હોવાનો જ. આમ છતાં, જ્યારે મેં અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારે તેઓ ફુલફ્લેજ્ડ કામથી પરવારી ચૂક્યાં હતાં એટલે તેમની પ્રતિભાનો ફાયદો મેળવવાની તો વાત જ ન રહી. બીજી તરફ, મારા થિયેટરના કામ થકી જ હિન્દી ફિલ્મોમાં મને ઓફર મળી હતી. એટલે સ્ટ્રગલ તો નથી કરી, પણ મેં જેમની સાથે પણ કામ કર્યું છે, તેમાંથી જ ઘણું શીખતો કહ્યો છું.

તમે હોલિવૂડમાં પણ કામ કર્યું છે અને બોલિવૂડમાં પણ, નાટકો પણ કર્યાં છે. શું ફરક લાગે છે, બંને કલ્ચરમાં?
$ મેં ગુજરાતી, હિન્દી અને અંગ્રંજી ત્રણેય નાટકો અને ફિલ્મો કર્યાં છે, પણ અંગ્રેજી ફિલ્મકારોનો અપ્રોચ મને વધુ પ્રોફેશનલ લાગ્યો. ત્યાંના એક્ટર્સ-ડાયરેક્ટર્સ વધુ મિલનસાર છે. તેઓ દરેક કલાકારને એકસરખું જ માન આપે છે. એવું નહીં કે ડાયરેક્ટરનો અહમ્ પહેલાં સંતોષવાનો, પછી સ્ટાર્સ, કેરેક્ટર આર્ટિસ્ટ અને છેલ્લે ટેક્નિશિયન્સ. ત્યાં બધા સરખા છે. જ્યારે આપણે ત્યાં આવાં ધોરણો કદાચ આપણી સામાજિક પરિકલ્પનાના કારણે ઊભા થયાં હશે. અલબત્ત, હમણાંથી આપણે ત્યાં પણ હકારાત્મક સુધારો જોવા મળી રહ્યો છે, જે ખરેખર આવકારદાયક છે.


‘ગાંધીઃ માય ફાધર’ અને ‘કેરી ઑન કેસર’ના શામજી પટેલ બંને પિતાની ભાવનાઓમાં શું ફરક જુઓ છો. તમારી દૃષ્ટિએ આદર્શ પિતા કેવો હોવો જોઈએ?
$ આ ત્રણેય પાત્રોના શેડ્સ અલગ અલગ છે. ગાંધીજી અને હરિલાલના કિસ્સામાં એવું છે કે તેમના મતે સિદ્ધાંતો સૌથી પહેલાં આવે છે અને તેમના અપેક્ષાઓ પણ પુત્ર પાસે એ જ હોવાની અને ત્યાં જ એમના જીવનની કરુણતા છે. આદર્શ પિતા અને આદર્શ વ્યક્તિ બે અલગ અલગ બાબત છે. જ્યારે 55 વર્ષના શામજી પટેલ તો જમાના સાથે કે કદાચ તેનાથી પણ આગળ ચાલે છે. પણ, વ્યક્તિગત ધોરણે હું ખુદને આદર્શ પિતા માનતો નથી એટલે એ વિશે હું કંઈ નહીં કહું.

શું તમે ગાંધીને આજે પણ એટલા જ રિલેવન્ટ માનો છો?
$ જી હા, ગાંધી કોઈ પણ યુગમાં એટલા જ રિલેવન્ટ છે, પણ આપણે તેમને એટલા જ સ્વીકારીએ છીએ, જેટલા આપણે તેમને પચાવી શકીએ છીએ. સમગ્ર ગાંધીને પચાવવાની આપણી તાકાત નથી. આજે સ્વચ્છ ભારત કે મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશ આપણે ચલાવીએ છીએ, આ જ વાત તો સ્વચ્છતા અને સ્વદેશીના માધ્યમથી ગાંધીએ પણ કરી છે.

તમને સૌથી વધુ કયા જોનરમાં કામ કરવું ગમશે?
$ તમે એમ કહી શકો કે દરેક કેરેક્ટર મારા માટે ડ્રીમ કેરેક્ટર જ છે. જ્યાં પાત્રનો પ્રવાહ અને પ્રવાસ કૃતિની સાથે જોઈ શકાય, જેમાંથી જીવન વિશેની મારી સમજ વધુ દૃઢ બને અને જાણે ઉત્ક્રાંતિનો અનુભવ થાય એ પાત્ર નિભાવવાની સૌથી વધુ મજા આવે. આમ છતાં, નેગેટિવ પાત્રમાં મને અલગ આનંદ મળે છે, કારણ કે તેમાં એ માણસના ચરિત્રનાં વિવિધ પાસાં સમજવાની તક મળે છે.

આટલી બધી ગુજરાતી ફિલ્મો વચ્ચે જૂજ ફિલ્મો જ સફળ થાય છે. શું ખૂટતું લાગે છે?
$ સારું માટલું જોઈતું હોય ને તો એને ધીમી આંચ પર પાકવા દેવું પડે. માત્ર વૉટ્સએપના જૉક કે દીવાલો ભીની કરતા છોકરાઓ બતાવીને જાણે રોકડીયા પાક ઉતારવા જેવી કૉમેડી દ્વારા દર્શકને આકર્ષી ન શકાય. અત્યારે રોટલા શેકવાની ઉતાવળમાં કાંકરા પણ રહી ગયા છે, જે જમવામાં વચ્ચે આવે, તો દાંત તૂટે પણ ખરા. ખરેખર તો આપણે પ્રેક્ષકની વિવેકશક્તિને માન આપવું જોઈએ અને સારી વાર્તા શોધીને તે થિયેટર તરફ આકર્ષાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જો યોગ્ય ગુણવત્તા નહીં હોય, તો દર્શકો શુક્રવારે તેમનો ફેંસલો સંભળાવી દેશે. ટૂંકમાં, તમને શું ન કરવું એ ખબર હોય, તો શું કરવું એ આપોઆપ સમજાઈ જશે.

પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રવેશ અંગે તમે શું માનો છો?
$ હા, આપણે ત્યાં અવારનવાર દેશપ્રેમના નામે આવી ચર્ચાઓ ચાલતી રહે છે, પરંતુ ખરેખર તો દેશપ્રેમ એ હાથમાં પારો પકડી રાખવા જેવું કામ છે, કારણ કે દરેક વકતે તે નવા નામે સામે આવે છે. જ્યાં 51 માણસો કહે તેની સામે બાકીના 49 લોકો આંગળી પણ ન ચીંધી શકે એ સ્થિતિ નથી ગમતી. આવા વિરોધની પાછળ અનેક વખત અંગત હિત વધુ પ્રમાણમાં સંકળાયોલાં હોય છે.

તાજેતરમાં અમદાવાદના બૂટલેગરના જીવન પર આધારિત ‘રઈસ’ ફિલ્મ આવી. તમે શું માનો છો કે ગુજરાતનાં યુવાનો આમાંથી શું પ્રેરણા લેશે?
$ થોડા દિવસ પહેલાં ‘એ દિલ હૈ મુશ્કિલ’ વખતે કરણ જોહર પર દબાણ કરાયાની વાત જગજાહેર છે, જેના કારણે તેણે ઝૂકી જવું પડ્યું. આમાં પણ અમુક વર્ગમાં વિરોધ ન થાય એ હેતુથી બૂટલેગરનાં સારાં પાસાં દર્શાવવાનો પ્રયત્ન કરાયો હોય એવું બને. પણ, હું એમ કહીશ કે વાર્તા સારી છે કે ખરાબ એ પછીની વાત છે, પરંતુ એક સફળ એક્ટર તરીકે સમાજ તમને અનુસરે છે. કાંકરીચાળો તો રસ્તે ચાલતો માણસ પણ કરે, પણ લોકો જેમને ફોલો કરતા હોય તેમણે પણ પોતાનો વિવેક જાળવી રાખવો જોઈએ.

બોલિવૂડમાં અનેક ગુજરાતી કલાકારો હોવા છતાં લીડ કેરેક્ટર્સમાં ખૂબ ઓછા લોકો જોવા મળે છે?
$ એવું નથી, અમુક ગુજરાતી કલાકારો છે, પ્રાચી દેસાઈ, અમીષા પટેલ, પરવીન બાબી કે સંજીવ કુમાર જેવા કલાકારો હતા અને છે, પણ અત્યારના સમયમાં અમારા જેવા કેરેક્ટર આર્ટિસ્ટને બાદ કરતાં ગુજરાતી નાયકો જોવા મળતા નથી. આના માટે ખરેખર તો લાંબી સ્ટ્રગલ કરવા પડે અને જે અઘરું છે અને ગુજરાતીઓ લાંબો રિયાઝ કરવામાં નથી માનતા. ગાતા આવડતું હોય અને લોકો ઓળખતા થાય એટલે તરત નવરાત્રિમાં કે જાહેર કાર્યક્રમોમાં દેખાવા લાગવાના અભરખાના કારણે આપણા ગાયકો ઝડપથી માઇક પકડી લે છે. સાધના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સિવાય ઇન્ડસ્ટ્રીમાં બંગાળી અને પંજાબી કલાકારોનો ફાળો મોટો રહ્યો છે, તો એમનું પ્રભુત્વ હજી પણ ક્યાંક જોવા મળે છે.

જીવનની મહત્ત્વની કોઈ ઘટના વિશે જણાવશો?
$ મારા જીવનમાં આમ તો કોઈ એવી ઘટના નથી બની, જે ટર્નિંગ પોઇન્ટ કહી શકાય. પણ હા, 90-91ના ગાળામાં રજૂ થતી ‘નરસૈંયોઃ ભક્ત હરિનો’ અને ‘ગાંધીઃ માય ફાધર’ એ બંનેએ મારા જીવનને બદલવામાં કહેતાં નિખરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે, એમ કહી શકો.

WA: +91 98 98 216 516
E-mail: amit.radia99@gmail.com

Twitter: @Amit_Radia