Sunday, 10 February 2019


ઈર્ષ્યા, દ્વેષ, બદલો અને સનક

‘એનું નામ પાસ્તરનેક, મારો એક્સ-બૉયફ્રેન્ડ.’
‘માફ કરજો, પણ ક્યાંક તમે ગેબ્રિયલ પાસ્તરનેકની તો વાત નથી કરતાં ને?’
‘હા, એ જ.’
‘હું ખરેખર દિલગીર છું, પણ હું એ જ મ્યુઝિક ક્રિટિક છું, જેણે તેના એ અત્યંત બકવાસ મ્યુઝિક થિસીસની સખત ટીકા કરી હતી.’

ફ્લાઇટના બે સહયાત્રીઓ વચ્ચે થતી આ સામાન્ય વાતચીત સાંભળીને આગળની સીટ પર બેઠેલી પ્રૌઢ લેડી કહે છે કે ક્યાંક તેઓ એ જ ગેબ્રિયલ પાસ્તરનેકની તો વાત નથી કરતાં, જે તેનો વિદ્યાર્થી હતો. તેને કાયમ શિક્ષા કરવી પડતી!
ધીમે રહીને ખ્યાલ આવે છે કે ફ્લાઇટનો દરેક પ્રવાસી કોઈ ને કોઈ રીતે પાસ્તરનેકને ઓળખે છે અને તેની સાથે કોઈ નકારાત્મક અનુભવના કારણે સંબંધ તૂટી ગયો છે. આ બધી બબાલ ચાલતી હોય છે, ત્યાં એરોપ્લેનની એટેન્ડન્ટ તેમને માહિતી આપે છે કે પાસ્તરનેક એ ફ્લાઇટનો ચીફ પાયલોટ છે અને તેણે પોતાને કોકપિટમાં બંધ કરી લીધો છે.
ત્યાં જ અત્યંત તેજ ગતિએ ઊડતું પ્લેન એકાએક ઝાટકા સાથે તીવ્ર ઝડપે જમીન તરફ ઢળવા માંડે છે, ફ્લાઇટમાં દોડધામ મચી જાય છે. ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિનો જીવ તાળવે ચોંટી જાય છે અને આ બધાની વચ્ચે એક માણસ જોરજોરથી કોકપિટનો દરવાજો પીટવા માંડે છે અને લગભગ બરાડતો જાય છે, ‘પાસ્તરનેક, આમાં તારી કોઈ ભૂલ નહોતી. આ બધો તારાં માતા-પિતાનો વાંક હતો. સૌથી મોટો પીડિત તું છે.’
આ માણસ પાસ્તરનેકનો મનોચિકિત્સક હતો. જેણે ફી વધાર્યા બાદ પાસ્તરનેકે તેની ટ્રીટમેન્ટ લેવાનું બંધ કરી દીધું હતું.
છેલ્લા દૃશ્યમાં ઘરના આંગણામાં અખબાર વાંચી રહેલાં જૈફ યુગલ(જે હકીકતમાં પાસ્તરનેકનાં માતા-પિતા છે) પર આ પ્લેન ક્રેશ થાય છે અને ફિલ્મનાં નંબરિયા પડે છે...
***
ફિલ્મનું નામ છે, વાઇલ્ડ ટેલ્સ(રેલાટોસ સાલ્વાજેસ-સ્પેનિશ). વર્ષ 2014માં બનેલી આ આર્જેન્ટાઇન-સ્પેનિશ બ્લેક કૉમેડી ડેમિએન ઝિફ્રોને લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મ એક એન્થોલોજી છે, એટલે કે આ જ પ્રકારના વિષયોને લગતી છ વાર્તા તેમાં સમાવાઈ છે. ફિલ્મની દરેક વાર્તા વેરભાવના અને તેના લીધે આચરાતી ક્રૂરતા દર્શાવે છે. જરૂરી નથી કે ક્રૂરતા એટલે લોહી, હત્યા, શારીરિક હાનિ. ક્યારેક ક્રૂરતા માનસિક પણ હોય શકે.

સનકીઓની દુનિયા

મૂળ વાત છે સનકીઓની. આપણે જેને ચસકેલ, હટેલ કે ખોપડી કહીએ છીએ એવા લોકો. દુનિયામાં અમુક લોકો જન્મથી જ સનકી હોય અને અમુક પરિસ્થિતિઓના કારણે સનકી બની જતાં હોય છે. માણસની અંદરની આ સનક કાયમી નથી હોતી. ક્યારેક બદલો લેવા માટેની લાગણી ક્ષણિક સનક પેદા કરે છે. સનકી મનાતા એક્ટર રાજ કુમારના અફેર અને લગ્નની વાત જાહેર કરનાર ગુજરાતી ફોટોગ્રાફર (અને પછીથી એક્ટર બનેલા) અરવિંદ રાઠોડને મારવા માટે તેની પાસે હંમેશાં રિવોલ્વર તૈયાર રહેતી. (આ ઘટના અરવિંદ રાઠોડના મેં લીધેલા ઇન્ટરવ્યૂમાં વિગતવાર લખી છે.) ખેર,...

મૈં ઇન્તેકામ લૂંગા

ઈર્ષ્યા, દ્વેષ, વેર બધું આપણી અંદર ભર્યું છે- ક્યારેક વધારે તો ક્યારેક ઓછું. તમારા પરિવારને બરબાદ કરનાર વ્યક્તિ વર્ષો પછી તમારી સામે આવીને ઊભી રહે, ત્યારે તમે શું કરશો? રસ્તા પર કોઈ આપણી કાર કે બાઇકને ઓવરટેક કરે, તોપણ આપણે તેને કતરાઈને જોઈએ છીએ અને જો કોઈ આપણને ઓવટેક ન કરવા દે, તો તેને ગાળો ભાંડીએ છીએ. ‘નો પાર્કિંગ’ લખ્યું ન હોય, ત્યાં પાર્ક કરેલી તમારી કાર કે બાઇક કોઈ ટૉ કરીને લઈ જાય, તો? લગ્નના દિવસે દુલ્હનને ખબર પડે કે તેનો ભાવિ પતિ તેને ચીટ કરતો રહ્યો છે અને તે લગ્ન અટકાવવાને બદલે એવું કહે કે તે પરણશે પણ ખરી અને આખી જિંદગી પતિની જાણમાં જ તેનો બદલો પણ લેતી રહેશે, તો?!
ઇન શોર્ટ, બદલો લેવાની ફિતરત દરેક વ્યક્તિમાં હોય છે અને તેની આ માનસિકતા તેને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે, તેનો ચકાચક દાખલો એટલે આ ફિલ્મ. તો, ક્યારેક કર્મ કેટલી ઝડપથી કે મોડેથી બદલો વાળે છે તેનાં ઉદાહરણ પણ છે. સાઇકો મૂવિ તો ખૂબ બધી આવી છે, પણ આ થોડી હટકે ફિલ્મ છે. 4 મિલિયન ડૉલરમાં બનેલી 122 મિનિટ લંબાઈની આ ફિલ્મે લગભગ સાત ગણું કલેક્શન કર્યું અને બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મનો બાફટા એવૉર્ડ, સ્પેનનો ગોયા એવૉર્ડ અને બેસ્ટ ડાયરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે સહિત કુલ 32 એવૉર્ડ્ઝ પોતાની સાથે ઢસડી ગઈ. આટલું જ નહીં, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વખત પ્રદર્શિત કરાઈ ત્યારે 10 મિનિટ સુધી લોકોએ ઊભા રહીને તાળીઓથી વધાવી એ નફામાં.
પિંચિંગ થોટ:
અમારે ત્યાં ગામમાં છોટુભાઈ રહેતા. આમ દેખીતી રીતે સનકી નહીં, પણ વહેમી કહી શકાય.
કેવો વહેમ?
છોટુભાઈની સાઇકલનું હેન્ડલ જે તરફ હોય, એ દિશામાં એ જાય. માની લો કે, ઘરે જતી વખતે ગલીના ખૂણે કોઈ મળી જાય અને તેની સાથે વાત કરવા ઊભા રહે, એટલી વારમાં કોઈ તેમની સાઇકલને ઉઠાવીને હેન્ડલની દિશા બદલી નાખે, તો એ ઘરે જવાના બદલે ઊલટી દિશામાં નીકળી પડે!
***
તા.ક.
મનઘડંત જેવો લાગતો આ કિસ્સો વાસ્તવિક છે અને ફિલ્મના ઉપર દર્શાવેલી સ્ટોરી ‘પાસ્તરનેક’ની સ્ટોરી અને ફિલ્મના ટ્રેલરની લિંક આ સાથે શેર કરી છે.
Tweet@Amit_Radia
Insta: amit.radia
Blog: https://amitradia.blogspot.com/


ફિલ્મનું ટ્રેલર: https://www.youtube.com/watch?v=Utq0aDEp084