Monday, 26 December 2016

ભૂતકાળ હંમેશાં ભવ્ય હોય છે,
પણ ઇતિહાસ દુઃખદાયક હોય છે

 કટ્ટર ધર્મસહિષ્ણુ ધર્મનંદન ધર્માધિકારી ‘સૈફીના કા બેટા તૈમૂર’ વિષય પર એક ટીવી ચેનલના ડિબેટ શૉમાંથી ઘરે આવીને સીધા જ વહાલસોયી દીકરી સુકૃતિ પાસે પહોંચ્યા. જોયું તો સુકૃતિ પોતાના લગભગ રૂઝાતા ગૂમડાને પંપાળી રહી હતી. તેને મીઠી ખંજવાળ આવતી હતી. ધર્મનંદને તેને સમજાવ્યું કે ગૂમડું રૂઝાવા આવે, ત્યારે તેમાં મીઠી ખંજવાળ આવે. તું એને ખંજવાળીશ, તો એ ફરી પાકશે અને કદાચ નાસૂર પણ બની જાય. દીકરીને સમજાવીને તેઓ ‘સૈફીના કા બેટા તૈમૂર’વાળા ટીવી શૉમાં પોતે તૈમૂર નામ રાખવા માટે સૈફીનાને કેવાં ઝાટક્યાં, એ જોવા બેસી ગયા. 
******

મિલેનિયમ યર-2000ના છેલ્લા બે દાયકામાં જન્મેલી પેઢી એવા સંક્રાન્તિ કાળની સાક્ષી છે અને રહેશે, જે ટીવીવાળા અને વગરના, કમ્પ્યૂટરવાળા અને વગરના, એસીવાળા અને વગરના, લાઇટવાળા અને દીવાવાળા બંને વાતાવરણને નજરે જોનારા લોકો સાથે રહી હશે, તેમના અનુભવો સાંભળ્યા હશે, કદાચ અનુભવ્યા પણ હશે. અને એટલે જ ભારત દેશના ઇતિહાસથી અમુક અંશે વાકેફ પણ હશે કે તૈમૂર લંગ કોણ હતો અને તૈમૂર અલી ખાન પટૌડી કોણ છે? કે હશે.

કદાચ, સૈફીનાપુત્ર તૈમૂરનું નામ સાંભળ્યા પહેલાં ઘણા લોકો તૈમૂર લંગને નામ સિવાય ઓળખતા પણ નહીં હોય. તે કોણ હતો, ક્યાંથી ભારત આવ્યો હતો કે મૂળ મુસ્લિમ હતો કે નહીં, કે પછી બાબર તેનો જ કોઈ વંશજ હતો. (થૅન્ક્સ ટુ ગૂગલ ઍન્ડ વિકિપિડિયા) આ અને આવી અનેક બાબતોથી આજે પણ ખૂબ ઓછા અંશે વાકેફ છીએ.

ભૂતકાળ ભલે ભવ્ય હોય, પરંતુ ઇતિહાસ દુઃખદાયક પણ હોય, કારણ કે ઇતિહાસમાં તમારી સફળતાઓની સાથે નિષ્ફળતાઓ પણ અંકિત થયેલી હોય છે. કહેવાય છે કે, કોઈ પણ પ્રજાનું આત્મગૌરવ હણવા માટે તેનો ઇતિહાસ ભૂલવી દો. ભારત પર ગ્રીક, હૂણ, શક, કુષાણ જેવી બર્બર જાતિઓનાં અનેક આક્રમણો થયાં છે અને તેનો નક્કર મુકાબલો પણ થયો છે. શાલીવાહન પણ આ જ ભૂમિમાં જન્મ્યો, જેણે માટીને પૂતળાંની સેના બનાવીને લડાઈ કરી અને પૃથ્વીરાજ પણ અહીં જ જન્મ્યો, જેણે મહમ્મદ ઘોરીને જીવતદાન આપ્યું. પણ, તેનું પોતાનું શું પરિણામ આવ્યું? વિદેશીઓ સામે ભારતની હાર થવાનું એકમાત્ર કારણ તેમની શક્તિ નહીં, પણ જયચંદોની પરંપરા છે. અંગત હિત માટે વિદેશી દુશ્મન સાથે પથારીભેગા થઈ જવાની નિર્માલ્યતા. માત્ર ભૂતકાળના ભવ્ય વારસાના ગૂમડાને પંપાળવાથી તે નાસૂર જ બને. એટલે ઇતિહાસની ભૂલો પણ યાદ રાખવી જોઈએ.

અલબત્ત, તમામ વિદેશી આક્રમણકર્તાઓ અહીંના થઈને વસી ગયા છે, માત્ર એક જાતિને બાદ કરતાં. કે કદાચ એમને અહીંનું બનીને રહેવું નથી કે અહીંના બનવા નથી દેવાતા?! મુસલમાન (મુસલ્લમ ઇમાન-જેમનું ઇમાન કાયમ છે એ) તો ઇસ્લામની સ્થાપના પહેલાં પણ હતા જ, પરંતુ મોહમ્મદે તેમને પોતાનું ઇમાન કાયમ કરવાને માર્ગ બતાવ્યો. વધુમાં વધુ 20 વર્ષ પહેલાં મોટા ભાગની મુસ્લિમ સ્ત્રીઓ બુરખો નહીં, ગુજરાતી સાડી પહેરવામાં ગૌરવ અનુભવતી અને મુસ્લિમ પુરુષો ક્લીન શૅવ્ડ રહેતા, પણ આજે તેમનો પહેરવેશ બદલાયો છે અને તેમની વતનપરસ્તી સામે સવાલો થઈ રહ્યા છે.

ખેર, મૂળ વાત આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’માં નવાઝુદ્દીનના પાત્રનું નામ હતું, તૈમૂર. તે એક પગે લંગડો હતો. આ અંગે આમિરે એવું કહ્યું હતું કે આ પાત્ર ઐતિહાસિક શખ્સિયત તૈમૂર લંગથી પ્રેરિત છે. ત્યારે કદાચ એટલે આપણને ફરક નહોતો પડતો, કારણ કે તૈમૂર એક નકારાત્મક પાત્ર હતું, જેનો અંજામ નક્કી હતો. પણ, સૈફ આપણો હીરો છે અને કરીના હિરોઇન. તેઓ કેવી રીતે તેમના બાળકનું નામ તૈમૂર રાખી શકે?! એ તો ક્રૂર મુસ્લિમ શાસક હતો.!

ટ્વિટર પર કોઈએ લખ્યું હતું કે એક તૈમૂરે ભારત પર આક્રમણ કર્યું હતું અને 20-25 વર્ષ પછી ભારતની યુવતીઓ બીજા તૈમૂરમાં પોતાનો ‘હીરો’ શોધતી હશે. પણ, તે ભારતીય ઇતિહાસ કે સમાજશાસ્ત્રનો પ્રાધ્યાપક બન્યો અથવા અણુ વૈજ્ઞાનિક, તો? (અલબત્ત, આવું શક્ય તો નથી લાગતું.)

આજે મને ફરક નથી પડતો કે સૈફીના પોતાના પુત્રને શું નામ આપે છે? હા, જો ભારતની ચલણી નોટ પર ક્રૂર ઇસ્લામી શાસક તૈમૂર લંગ કે તેના જ વંશજ મનાતા ઔરંગઝેબનો ફોટો આવે, તો મને ચોક્કસ ફરક પડશે.

ફરી મિલેનિયમ પેઢીની વાત કરીએ, તો આજથી 25 વર્ષ પછીની પેઢીને કોઈ કહેનારું નહીં હોય કે લાઇટ, ટીવી, એસી કે ક્મ્પ્યૂટર વિનાનું વિશ્વ કેવું હતું. કદાચ, એક તૈમૂર લંગ એ હતો, જેણે ભારત પર આક્રમણ કરીને અહીંના હિન્દુ-મુસ્લિમોની કતલ કરાવી હતી એવું કહેનાર પણ કોઈ નહીં હોય. તેમની પાસે હશે માત્ર ગૂગલ કે વિકિપિડિયાનો તૈમૂર લંગ. જે ત્યાં સુધીમાં તારણહાર બની ચૂક્યો હશે, નવો ડિજિટાઇઝ્ડ ઇતિહાસ લખાઈ ચૂક્યો હશે.

અને જો આવું થશે, તો મને ચોક્કસ ફરક પડશે, કારણ કે હું ભવ્ય ભૂતકાળની સાથે ઇતિહાસબોધ પણ રાખવામાં માનું છું.

તમને કેટલો ફરક પડશે?

પિંચિંગ થૉટઃ મારા પાડોશી દંપતીને ઘણાં વર્ષે બાબો આવ્યાનો મને પણ આનંદ હતો, જ્યાં સુધી તેનું નામ તેમણે ‘ઔરંગઝેબ’ નહોતું રાખ્યું.

E-mail: amit.radia99@gmail.com
WA: +91 98 98 216 516

Thursday, 21 July 2016

મારું ખમીર ખોવાયું છે, હું ગુજરાત



હું ગુજરાત છું. કૃષ્ણની કર્મભૂમિ અને મા અંબાના ઉતારાવાળું ગુજરાત. ભગવાન શંકર જ્યાં સૌ પહેલાં સાક્ષાત્ થયા એ સોમનાથવાળું ગુજરાત. નવલી નવરાતમાં જ્યાં સાક્ષાત્ જગજ્જનનીના બેસણાં હોય એ ગુજરાત. જ્યાંના ગરવા ગીરમાં સાવજડા સેંજણ પીવે અને દુહા રચાય જાય એ ગુજરાત. જેના નકશામાં વાઘ ગર્જના કરતો દેખાય એ ગુજરાત. આશા ભીલ, વનરાજ ચાવડા અને મૂળરાજ સોલંકીનું ગુજરાત. સિદ્ધરાજ જયસિંહ, મીનળદેવી અને મુંજાલ મહેતાએ ટકાવી રાખેલું ગુજરાત. હેમચંદ્રાચાર્યથી માંડીને બક્ષી, મુનશી અને ગુણવંતરાયનું ગુજરાત. ઉમાશંકર અને કલાપિનું ગુજરાત. ભગવતસિંહજી અને સયાજીરાવ જેવા રાજવીઓનું ગુજરાત. નર્મદનું ગુજરાત, મેઘાણીનું ગુજરાત. જ્યાંના જમણ વિના જિંદગી અધૂરી લાગે એ સુરતવાળું ગુજરાત. પાટણના પટોળા અને જામનગરની બાંધણીવાળું ગુજરાત. જ્યાં સોમનાથની કીર્તિ સાંભળીને ગઝનીનો લૂંટારો પણ આકર્ષાય એવું ગુજરાત. વીર હમીરજી ગોહિલ અને જોધાભા માણેકનું ગુજરાત. સફેદ રણવાળું કચ્છ અને એક સમયના ઇન્ડિયન માન્ચેસ્ટર અમદાવાદવાળું ગુજરાત. ગીર અને કાંકરેજી ગાયોનું ગુજરાત. નાત-જાત પૂછ્યા વિના સદાવ્રત ચલાવનાર ભોજલરામના શિષ્ય સંત જલારામનું ગુજરાત. હરિજનવાસમાં કેદારાના સૂરે ભજન ગાઈને નાત બહાર બેસનારા નરસિંહનું ગુજરાત...

મારી યશોગાથા ખૂબ લાંબી છે. જેટલી વાર મને ભંગાયું, દરેક વખતે હું વધુ નીખરીને, વધારે સબળું થઈને, વિકસ્યું અને વિસ્તર્યું છું. પણ,...


આજે મને થાય છે, મારું ખમીર ખોવાયું છે. મારું તેજ ઓસરી રહ્યું છે. સિંહની ડણક હવે સંભળાતી નથી અને ચારણકન્યાઓની વાર્તા કહેનાર કોઈ બચ્યું નથી. મારું સાર્વભૌમત્વ ટકાવી રાખવા ઇન્દુચાચાઓ હવે આંદોલનમાં નથી ઉતરતા. હરિજનોને પાસે બેસાડનાર ગાંધી અને ઠક્કરબાપા હવે અહીં નથી રહ્યા. મને રાજકીય પ્રયોગશાળા બનાવી નાખ્યું છે. હિન્દુ-મુસ્લિમ અને ‘ખામ’ના નામે વિભાજન કર્યાં પછી હવે દલિત, પાટીદાર અને સવર્ણોના નામે મારાં બાળકોને અંદરોઅંદર લડાવાય છે. ભારતને અખંડ બનાવનારા સરદારના નામે હવે અહીં મતની ભાગબટાઈ કરવામાં આવે છે. ખબર નહીં, મુંજાલ મહેતો ક્યાં મરી પરવાર્યો? મારી સંપદા લૂંટનારા ગઝની ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. રામના નામે નિર્દોષોને જીવતા ભૂંજી દેવાય છે
, બસો સળગાવાય છે અને તેના પર મતોની હોળી સળગાવી, ‘રાજકીય ચા’ પકવાય છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલન તો દૂર ગૌ ભક્તિના નામે ગરીબોનાં ચામડાં ઊતરડી લેવાય છે અને આપઘાતના નમાલાવેડાં કરનાર શહીદ કહેવાય છે. અજાણ્યા ઉતારુને જમાડવો તો દૂર, લોકો એકબીજાનાં લોહીના તરસ્યા બન્યા છે. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેનારા અમૃતલાલ શેઠ, નર્મદ કે સંઘાણી જેવા તંત્રીઓ નથી રહ્યા. વધી છે તો બસ, માત્ર જાહેરાતો પર નભતી બુઠ્ઠી કલમો. જ્યાં ‘ન શમે વેર વેરથી’ અને ‘અહિંસા’ના ઉપદેશ અપાતા, ત્યાં હવે ‘આંખના બદલે આંખ’ અને ચામડાના બદલે ચામડું ઉતરડવા માટે જીભ કચરાય છે.
 
કારણ, મારા એ ખમીરવંતા ગુજરાતીઓ ખોવાયા છે. હું ગુજરાત, મારું ખમીર ખોવાયું છે.


WA : +91 98 98 216 516
Email : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Wednesday, 6 July 2016

કિસ ઑફ લવ- કિસ ઑફ જોય 
થોડા દિવસ પહેલાં એક જાહેર કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાને એક મહિલા કાર્યકરે ગાલ કિસ કરી અને જબરો વિવાદ સર્જાઈ ગયો. ગયા વર્ષે આ જ પ્રકારે એક  જાહેર સમારંભમાં દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ એમના જમાનાની જાણીતી એક્ટ્રેસ અને ગાયક કલાકાર સ્વ. કિશોર કુમારની પત્ની લીના ચંદાવરકરને જાહેરમાં કિસ કરી હતી. એ પહેલાં જેઠમલાણી દાદા તેમના જન્મદિને ઇન્ડિયન હિમેન ધર્મેન્દ્રને પણ લિપ કિસ કરી ચૂક્યા છે.

ઍન્જેલિના જોલી, મેરિલીન મનરો કે કેટરિના કૈફ. આ માનુનીઓનો ચહેરો યાદ કરતાં જ સૌ પહેલા આપણું ધ્યાન તેમના ભરાવદાર અને સ-રસ અધર યાને હોઠ પર જ જાય. અને યાર, નેચરલી જ યુવાનોને ‘જીયરા મચલ મચલ જાયેં’ જેવી ફીલિંગ થઈ આવે અને મગજમાંથી એકસામટાં સેરોટોનિન, ડોપામાઇન અને ઓક્સિટોસીન જેવાં ફીલગુડ કેમિકલ્સ ઝરવાં લાગે. ઍન્ડ ઑફ કોર્સ કેટલીક યુવતીઓને તેમની થોડી ઇર્ષ્યા પણ આવે.


કોઈ પણ સ્ત્રીના ચહેરામાં તેના મારકણાં નયનાક્ષ પછીનું મોસ્ટ અપીલિંગ અંગ હોય છે, તેના રસ ભરપૂર હોઠ. તમને થશે, આ એકાએક મારી દૃષ્ટિ રમણીઓના ‘અધર’ પર કેમ અટકી ગઈ? શું કરે દોસ્તો, ટોપિક જ કંઈક એવો છે. એક્ચ્યુઅલી, છઠ્ઠી જુલાઈ એટલે  ‘આંતરરાષ્ટ્રીય કિસ ડે’, તો સ્વાભાવિક જ માદક ઓષ્ઠનું સ્મરણ થઈ આવ્યું.


પર ક્યા કરે? કિસ યાને ચુંબનનો ઉદ્ભવ ભારતમાં થયો હોવા છતાં ‘કિસ’ કા કિસ્સા સુનાને મેં ભી સંસ્કૃતિ અને સમાજના ઠેકેદારો કી નાક બિચ મેં આ જાતી હૈ. તો છો ને આવતું. અરે સાહેબ, એમને કોણ સમજાવે કે આપણો વાત્સ્યાયન પણ કિસ યાને ચુંબનનો કંઈ જેવો તેવો આશિક નહોતો. અને ઓછું હોય, તો પ્રાચીન શિલ્પકૃતિઓ જોઈ લો. ખાપ પંચાયતોની દખલગીરીવાળા જમાનામાં આજે પણ સમાજનો એક મોટો વર્ગ જાહેરમાં ‘કિસ’ શબ્દ બોલવામાં પણ છોછ અનુભવે છે. જોકે, મોરલ પોલિસિંગની સામે કિસ જિહાદીઓ ‘કિસ ઑફ લવ’ના નામે મેદાને પડીને જેલમાં પણ જાય છે. સવાલ જ નથી ને, ભારતમાં જાહેરમાં કિસ કરવી એ અપરાધ જ છે ને? 1980માં પદ્મિની કોલ્હાપુરે પ્રિન્સ ચાર્લ્સને ગાલ પર કિસ કરે, તો વિશ્વના અખબારોમાં ભારત વૈચારિક રીતે ઉદાર બની રહ્યાનું છપાઈ છે, પણ 1993માં શબાના આઝમી નેલ્સન મંડેલાને ગાલ પર ચુંબન આપે, તો ભારતમાં તેની ટીકા થાય છે. કેવો વિરોધાભાસ?!


આજે બોલિવૂડની ફિલ્મોમાં ભલે કિસિંગ સીન સામાન્ય હોય, પરંતુ થર્ટીસના જમાનામાં જ્યારે સ્ત્રીઓ ફિલ્મમાં કામ કરે એ પણ હીણપતભર્યું ગણાતું, ત્યારે શ્યામા, નીના અને નાદિયા જેવી અદાકારાઓ બિનધાસ્ત કિસિંગ સીન આપતી. અરે હિમાંશુ રાય અને દેવિકારાણીએ 1933માં આવેલી ફિલ્મ ‘કર્મ’માં આપેલા લિપલોકને હિન્દી સિનેમાની સૌથી લાંબી અને કામોત્તેજક કિસ માનવામાં આવે છે. વિશ્વના રસિક યુવાનો મેરેથોન જેવી ‘કિસેથોન’ પણ યોજે છે. બે વર્ષ પહેલાં યોજાયેલી આવી જ એક કિસેથોનમાં બેંગકોકના યુગલે 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડની લાંબી કિસ કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો.


અમેરિકામાં કરવામાં આવેલા ‘કિસ એન્ડ ટેલ’ સર્વેમાં 22 ટકા લોકોએ એકરાર કર્યો કે તેઓ 13-14 વર્ષની ઉંમરે જ પ્રથમ કિસ કરી ચૂક્યા છે. 10 ટકા અમેરિકનો તો કિસમાં પણ વેરાયટી ઝંખે છે. બીજી તરફ, આફ્રિકાના સુદાનના લોકો કિસને વર્જ્ય ગણે છે. હવે તો કિસ પર અભ્યાસ કરનારો ‘ફિલેમેટોલોજિસ્ટ’ નામે વિજ્ઞાનીઓનો અલગ વર્ગ પણ ઊભો થયો છે. સંશોધનો મુજબ સરેરાશ વ્યક્તિ જિંદગીની 20 હજાર મિનિટ ચુંબન કરવા પાછળ ખર્ચે છે અને કિસ કરવાથી બ્લડ પ્રેશર, દાંતના રોગ, હાઈ કેલરી, હાર્ટ પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે. ચહેરો ખીલેલો રહે છે અને ઇમ્યુનિટી પાવર પણ વધે છે.


જોકે, કિસનો મતલબ માત્ર સ્ત્રી-પુરુષ યુગલ વચ્ચે થતી તસતસતી ફ્રેન્ચ કિસ એવો જરા પણ નહીં. એકબીજાંનાં નાક અડકાવીને થતી એસ્કિમો કિસ, ચહેરો પાસપાસે લાવીને માત્ર હવાના માધ્યમથી અપાતી વેક્યુમ કિસ કે પ્રિય પાત્ર સામે આંખો પટપટાવીને અપાતી બટરફ્લાય કિસ પણ કિસ જ છે. શાસ્ત્રોમાં કિસના આવા વિવિધ 16થી પણ વધારે પ્રકાર દર્શાવ્યા છે. પરંતુ સંસ્કારવાદી હોવાનો ડોળ કરતાં આપણા સમાજના જ કેટલાક લોકોએ કિસને અશ્લીલતાની યાદીમાં મૂકી દીધી છે. ખરેખર અશ્લીલતાની વ્યાખ્યા કઈ? પ્રથમ વખત શાળાએથી કે પ્લે હાઉસથી પરત ફરીને માતાના બાહુપાશમાં સમાઇ જતું બાળક એકાએક વર્ષો પછી માતાને ફરીથી મળ્યું હોય એવી લાગણી સાથે માતાને પપ્પી કરે કે માતા તેના કપાળે ચુમ્મી લે, તો એમાં અશ્લીલતા દેખાય કે પ્રેમ?


એનીવે, મુદ્દો એ છે કે માતા દ્વારા બાળકના માથા પર અપાતી ચુમ્મી, પુત્ર દ્વારા માતાના કે પુત્રી દ્વારા પિતાના ગાલ પર અપાતી પપ્પી કે સ્વીટ સિક્સટીનની મુગ્ધાવસ્થામાં પ્રિયપાત્ર સાથે લેવાયેલું પ્રથમ ચુંબન, પ્રકાર કે પરિસ્થિતિ ભલે અલગ અલગ હોય, પરંતુ તેમાંથી પ્રેરિત થતો એકમાત્ર સંદેશો છે પ્રેમ, નિતાંત પ્રેમ. વર્લ્ડકપ વિજેતા ખેલાડી તેની ટ્રોફીને કે એક્ટર તેના એવૉર્ડને ચૂમે એ પણ પ્રેમ જ છે. કિસ એ ઇજન છે પ્રેમ દર્શાવવાનું અને પોતાના પ્રિયને પ્રેમરૂપી ચુંબનોથી નવડાવી દેવાનું.


ખેર, માદક વરસાદી વાતાવરણનો પ્રારંભ થવાની રાહ જોતાં લવી-ડવી પ્રેમપંથીઓને મારી તરફથી એક ફ્લાઇંગ કિસ. ;)


પિંચિંગ થોટ:
અષાઢ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રેમવિરહમાં ઝૂરતો યક્ષ પોતાની પ્રેયસીને વાદળો દ્વારા સંદેશો મોકલે છે. પત્ર દ્વારા પ્રેમની અનુભૂતિ અને ચુંબનો મોકલતો આવો જ એક પત્ર :
વહાલી દેવડી,
હેતભર્યા કાગળો મળ્યા. આપણી ઓસરીમાં ઝરમરતો ચન્દ્રમાં અને તે કરી રાખેલી પથારી એવી નાનકડી વાતમાં પણ હું કવિ છતાં નવીન પ્રાણ નિહાળી રહ્યો છું. પહેલીવાર આપણા લગ્નજીવનમાં કાવ્યની સરવાણી ફૂટતી લાગે છે. તારામાં ઊંડાં ઊંડાં સ્નેહગાન સંઘરાયાં છે. આજે આટલું જ, વહાલી! કાલે વળી લખીશ. તું નિરાંતે નિદ્રા કરજે. એવો કાળ ચાલ્યો આવે છે કે જ્યારે હું અને તું બે જ એકબીજાંના આધાર બનીશું.

‘લિ. ઝવેરચંદનાં ઘણાં ચુંબન.’


WA : +91 98 98 216 516
Email : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Tuesday, 5 July 2016

ઈસ્લામ ઝંખે છે, પ્રહલાદને 

ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. તે ચોસઠ કળાઓના સ્વામી અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન, બધું જ જાણનાર હતા. જીવનમાં આવી સંપૂર્ણતાની પ્રાપ્તિ કોને ન ગમે? પરંતુ બધું જાણ્યા બાદ એ બધું જ જોવું અને જીરવવું કૃષ્ણ માટે કદાચ સૌથી વધુ દુ:ખદાયક હતું. મતબલ, ભયંકર દુ:ખ અને ગ્લાનિ લાવતી સંપૂર્ણતા કરતાં અપૂર્ણતાનો આનંદ અનેરો છે, જે ક્યારેય સંપૂર્ણતામાંથી ન મળે. આવી અપૂર્ણતા જ કંઈક નવું કરવાની પ્રેરણા આપે છે. પૂર્ણતા પામ્યા પછી કરવાનું શું? કંઈ નહીં!
  

એક તરફ, ઇરફાન ખાનનો વિવાદ અને તેની સામેના ફતવાની ચર્ચાઓ શમી નથી, ત્યાં રમઝાન દરમિયાન ઓલેન્ડો, બાંગ્લાદેશ, બગદાદ બાદ હવે એક જ દિવસમાં સઉદી અરબમાં ત્રણ આતંકી હુમલા થાય છે. ઇસ્લામના પ્રસારક પયગંબર સાહેબની મસ્જિદને પણ આતંકીઓ છોડતા નથી. યાદ રહે, આ તમામ શહેરો મુસ્લિમ વસ્તીવાળા છે. તેમાંય મદિના તો મક્કા પછીનું બીજા ક્રમનું સૌથી મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે.

અલબત્ત, આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી, પણ આ બધું થાય છે, જિહાદના નામે. અને તેથી જ આ આતંકીઓ જિહાદ અને મુજાહીદ્દીન શબ્દોના વાસ્તવિક અર્થનું અવમૂલ્યન કરી રહ્યા છે, તેને બદનામ કરી રહ્યા છે, પણ શું ખરેખર ઇસ્લામ આત્મઘાતની છૂટ આપે છે? હુમલાખોરો કદાચ નહીં જાણતા હોય કે આવા આત્મઘાતને કુરાનમાં પાપ ગણવામાં આવ્યું છે અને તેનાથી જન્નત નથી મળતી, પરંતુ અતિધર્માંધતામાં ગળાડૂબ આતંકીઓ જિહાદ અને મુજાહીદ્દીન જેવા પાક શબ્દોને પણ અપવિત્રતાનું ગ્રહણ લગાડી રહ્યા છે. છતાં, ઇરફાનને ઠમઠોરનારાઓનાં લોહી જાણે ઠંડા પડી ગયાં છે!


વિશ્વ સમસ્તમાં જિહાદના નામે નીકળી પડેલા આતંકીઓ પોતાને મુજાહીદ્દીન ગણાવી રહ્યા છે, પરંતુ તેમનો મૂળ હેતુ તો વિશ્વ સમસ્તમાં ‘પોતાની’ ઇસ્લામિક સંપૂર્ણતા સ્થાપિત કરવાનો જ છે. સ્વાભાવિક વાત છે કે દિવસમાં એક વખતના પરમાત્માના અનુષ્ઠાન કરતાં પાંચ વખતનું અનુષ્ઠાન અતિધાર્મિકતાનું પ્રેરક બની શકે અને તેમાંય જો અંધશ્રદ્ધા ભળે, તો એ કટ્ટરતાનું કારક બની શકે છે. (અલબત્ત, આતંકીઓ  તો અલ્લાહનું નામ વટાવી જાણે, પ્રાર્થના તો શાયદ તેમના માટે દૂરની વાત ગણાય!) 


મૂળ અરેબિક શબ્દ જ’હાદ, જે પાછળથી જિહાદ તરીકે ઓળખાયો, તેનો કુરાનમાં અર્થ કરવામાં આવ્યો છે, ‘Striving with one's self and one's money, in cause of God.' મતલબ, ‘ઈશ્વરીય કાર્ય માટે જાતનું અને ખુદનાં નાણાંનું સમર્પણ.’ આવી જિહાદ કરનાર વ્યક્તિ એટલે મુજાહીદ્દીન. આનો અર્થ એવો જરા પણ નહીં કે, આત્મહત્યા કરવી કે બીજાઓનો ભોગ લેવો.


કુરાનની અયાતોમાં કુલ 164 વખત જિહાદનો મર્મ સમજાવાયો છે. 11મી સદીમાં લખાયેલા ‘હિસ્ટ્રી ઑફ બગદાદ’ નામના ગ્રંથમાં અલ-ખતિબ-અલ-બગદાદી જિહાદના બે પ્રકાર ગણાવે છે. અલ-જિહાદ-અલ-અસગર એટલે કે ધર્મ અને અન્યાય માટે લડવું અને બીજું, અલ-જિહાદ-અલ-અકબર એટલે કે, ખુદની અંદર રહેલા સેતાનને મારવો. તેમાંય અલ-જિહાદ-અલ-અકબરને વધુ મહત્ત્વ અપાયું છે.


ઇસ્લામિક વિદ્વાન મજિદ ખદ્દુરીના મતે આંતરિક સેતાન પર કાબૂ કરવા ઉપરાંત સત્ય બોલવું (જિહાદ બિલ લિસન), સત્કર્મ કરવાં (જિહાદ બિલ યદ) અને ઇશ્વરની રાહ પર ચાલવું (જિહાદ બિલ સૈફ) સાચા અર્થમાં જિહાદ છે. આ ઉપરાંત, અભ્યાસ માટે જિહાદ-અલ-તરબિયાહ અને જિહાદ-અલ-દાવા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ જિહાદ પણ વાસ્તવિક અર્થમાં જિહાદ જ છે.


પરંતુ અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવાં આતંકી સંગઠનોના ઉદય બાદ જિહાદનો અર્થ બદલાઈ ગયો છે અને પરિણામે હવે જિહાદ-અલ-નિકાહ અને લવ જિહાદ જેવાં જિહાદનાં વરવાં રૂપો અસ્તિત્વમાં આવ્યાં છે. આઈએસના અાતંકીઓના દૈહિક મનોરંજન માટે ઑગસ્ટ, 2014માં ત્રણ પશ્ચિમી છોકરીઓ જિહાદ-અલ-નિકાહના નામે ગઈ હતી.


આજે મોટા ભાગનાં મુસ્લિમરાષ્ટ્રોમાં અરાજકતા વ્યાપેલી છે. જેનું ઉદાહરણ અફઘાનિસ્તાનમાં આખી દુનિયાએ જોયું અને હવે આર્થિકસ્રોત જેવા સઉદી અરબને આતંકીઓ ધ્રુજાવી રહ્યા છે. અમેરિકા અને રશિયાએ પોષેલા આતંકીઓ તેમની જ સામે બાંયો ચઢાવે છે અને નવાં નવાં આતંકી સંગઠનો ફૂટી રહ્યાં છે. માત્ર પાકિસ્તાનમાં જ આવાં 12 સ્થાનિક, 48 આંતરરાષ્ટ્રીય સહિતનાં આતંકી સંગઠનોએ રાફડો બનાવ્યો છે અને ઊધઈની જેમ તેને અંદરથી કોરી રહ્યાં છે. ‘ભારતમાં જિહાદ’ માટે પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના નુમાઇન્દાઓ ખુલ્લેઆમ ઉઘરાણાં કરી રહ્યા છે.


...હવે, ધારો કે જે જિહાદના નામે વિશ્વસમસ્તમાં ઇસ્લામની સત્તા સ્થાપવા આ આતંકીઓ નીકળી પડ્યા છે, એ સત્તા સ્થપાઈ ગઈ પછી શું? માની લઈએ કે સમગ્ર વિશ્વમાં ‘આતંકીઓનો ઇસ્લામ’, રિપીટ, ‘આતંકીઓનો ઇસ્લામ’ સ્થપાઈ ગયો, પછી..?


પછી તેમાં ધાર્મિક સત્તા મેળવવાની હોડ જામે, નેતા બનવાની હરીફાઈ થાય. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં એક મુદ્દો ‘અસ્તિત્વ માટેના જીવનસંઘર્ષ’નો છે. વિશ્વ સમસ્તની સત્તા કોને ન ગમે? મધ્યકાલીન યુરોપમાં થયેલાં ક્રુસેડ્સ યાને ધર્મયુદ્ધો આંતરિક જ હતાં. શાયદ અહીં પણ આંતરિક વિગ્રહો ફાટી નીકળે...


પછી પરિણામ..?


ઇતિહાસ સાક્ષી છે કે સત્તા માટે થયેલાં ભીષણ યુદ્ધો ભયંકર વિનાશ વેરનારાં હોય છે અને આવા યુદ્ધ પછીની શાંતિ હૃદયને કોરી ખાનારી હોય છે. મહાભારતથી માંડી કલિંગ સુધીનાં યુદ્ધો અને અર્જુનથી માંડી અશોક કે સિકંદર સુધીના સમ્રાટોના દાખલા આપણી સામે છે. તેમણે હાંસલ કરેલી જીતનો આનંદ વહેંચવા માટે તેમનાં પોતીકાં પણ ઘણાં દૂર રહી ગયાં હોય છે.


આ સિવાયની એક અન્ય શક્યતા...


અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 12 વર્ષ યુદ્ધ કર્યું. તાલિબાન હજી પણ છે. ઊલટાં, ઇસ્લામિક સંગઠન અને જમાત-ઉદ-દાવા કે તહેરિક-એ-ઇસ્લામ જેવાં અનેક આતંકી સંગઠનો ફૂટી નીકળ્યાં છે. પ્રહલાદ હંમેશાં દાનવકુળમાં જ જન્મ્યો છે. આવા વૈચારિક પ્રહલાદોની આજે ઇસ્લામને પણ જરૂર છે. હા, વૈચારિક એટલા માટે કે તે અલ્લાહના પ્રત્યેક બંદાના મનમાં જન્મે. આવા પ્રહલાદો જ આતંકરૂપી હિરણ્યકશ્યપને નાથવા માટે કારણભૂત બની શકે તેમ છે. અને જો ખુદ ઇસ્લામ અને મુસ્લિમો આતંકવાદરૂપી આ દાનવ સામે જિહાદ નહીં ચલાવે, તો બીજા કોઈની તેને ડામવાની તાકાત પણ નથી જ નથી...


પિંચિંગ થૉટ : આત્મહત્યા કરનારે કુદરતી ક્રમ કરતાં વહેલી જિંદગી ટૂંકાવી નાખી ગણાય, તેથી હું (અલ્લાહ) તેના જન્નતમાં પ્રવેશ પર પાબંદી લગાવું છું.
(Sahih Bukhari, vol-2, book-23, Hadith-445)


WA : +91 98 98 216 516
E-mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Monday, 4 July 2016

મન સે રાવણ જો નિકાલે, રામ તેરે મન મેં હૈ


રામ-રાવણ વચ્ચેનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું. રાવણની નાભિમાં તીર લાગ્યું. તેની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યારે રામે લક્ષ્મણને રાવણ પાસે જઈને રાજનીતિનું જ્ઞાન લેવા કહ્યું. મહાપંડિત રાવણના જ્ઞાનથી અજાણ લક્ષ્મણે રાવણના માથા પાસે બેસીને તેને નીતિ શીખવવા કહ્યું. બીજી જ ક્ષણે રામ આવ્યા અને રાવણના પગ પાસે બેસી તેને વંદન કરીને નીતિશાસ્ત્રની શિક્ષા આપવા વિનંતી કરી. રાવણે એક વાક્યમાં કહ્યું કે, ‘સામ-દામ-ભેદ-દંડ, નીતિનાં આ ચાર પાસાંનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરનાર જ સાચો રાજનીતિજ્ઞ.’ આટલું કહીને લક્ષ્મણને શિખામણ આપી કે જ્ઞાન મેળવવું હોય, તો ગુરુનાં ચરણોમાં બેસીને યાચના કરવી જોઈએ, માથા પર બેસીને જ્ઞાન ન મેળવાય!



તમે ક્યારેય બ્રહ્માંડ જોયું છે? અંતરીક્ષ? જ્યાં કંઈ નથી, સિવાય કે અંધારું. ઑકે... શાંતિથી સૂઈ જાઓ, આંખો બંધ કરી દો. હવે, માની લો કે તમારી આસપાસ ચોમેર અંધારું છે. માત્ર કાળું, ઘાટું, ઘેરું, ગાઢ, કોલસાની કાળી મેશ જેવું અંધારું. જ્યાં કંઈ દેખાતું નથી. માત્ર ને માત્ર અંધકાર છે. તમે ઊંડે ને ઊંડે ધકેલાતા જાઓ છો, અફાટ પાતાળના ઊંડાણમાં, જ્યાં સૂર્યનું એક કિરણ પણ પહોંચી શકે તેમ નથી. તમે હાથ ફેલાવતા પણ ડરો છો કે ક્યાંક તમારો હાથ કોઈ મજબૂત દીવાલ સાથે અથડાઈ ન જાય. એ નક્કી તમારા માટે મુશ્કેલ છે કે તમે હવામાં અધ્ધર લટકો છો, કે ક્યાંક પુરાયેલા છો. તમારો શ્વાસ રૂંધાય છે. તમારી સામે બે જ વસ્તુઓ છે, કાળુંડિબાંગ અંધારુ અને બીજો છે ડર.


******

છેલ્લા થોડા દિવસથી રાજકોટવાસીઓ માટે ભયનો પર્યાય બનેલો પથ્થરમાર ખૂની આખરે ઝડપાઈ ગયો. મૃતકો સાથે, કે મૃતદેહો સાથે તેણે પોતાની શારીરિક વિકૃતિ સંતોષી હોવાની વાત જાહેર છે. હવે, થોડા દિવસ તેના પર ચર્ચા ચાલશે. ‘સ્ટોનમેન મર્ડર્સ’ ફિલ્મની વાતો થશે. તેની માનસિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે, વગેરે... વગેરે...

આપણા મતે દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. સારા અથવા ખરાબ, સજ્જન અથવા દુર્જન, કાં તેનામાં દૈવત હોય, કાં દાનવત્વ. કાં તેનામાં રામ હોય કે રાવણ હોય. અને સારા-ખરાબ, સજ્જન-દુર્જન, દેવ-દાનવ વચ્ચેનું આ યુદ્ધ સતત ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે...

પણ ક્યાં? પૃથ્વી પર? આકાશમાં? ઇહલોકમાં? પરલોકમાં? ચૂંટણીના રાજકીય મંચ પર? સંસદગૃહમાં? તમારા ઘરમાં? ઑફિસમાં? કે પછી તમારા મનમાં?

એક સામાન્ય દાખલો લો. તમારા કાર્યસ્થળે તમારો સહકર્મચારી બૉસની ચાપલૂસી કરીને કે તમારી ખોટી કૂથલી કરીને તમારા કરતાં આગળ નીકળી જાય, તમને ઑફિસ પોલિટિક્સનો શિકાર બનાવે, ભ્રષ્ટાચાર કરે છે, તો તમને તેના પર ગુસ્સો આવે કે નહીં? જોર જોરથી ચીસો નાખીને તેની વાસ્તવિકતા બધાની સામે લાવવાની મરજી થાય છે કે નહીં? અને ક્યારેક તેનું ગળું દબાવી દેવાની ઇચ્છા જોર કરી આવે છે કે નહીં? છતાં તમે એવું નથી કરી શકતા, એનો પણ ગુસ્સો હોય. તો તમે એની જેમ નથી વર્તી શકતા, એની ઇર્ષા પણ હોય. અને પરિણામ આવે છે, સારા-ખરાબ, રામ-રાવણ વચ્ચેના દ્વંદ્વમાં. તમારા મનમાં આંતરવિગ્રહ ફાટી નીકળે છે. તમારી પાસે બે જ વિકલ્પ છે, જેવા સાથે તેવા થવાનું કે પછી દુશ્મનને સજા આપવાનું કામ ભગવાન પર છોડી દેવાનું!

જીસને પાપ ના કિયા હો, વો પહલા પથ્થર મારે

નિર્લેપ અને નિષ્કામ એવા પૂર્ણ પુરુષોત્તમ સિવાય ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે, જે રાગ-દ્વેષ જેવી ભાવનાઓથી અલિપ્ત રહી શકી હોય. બાય ધ વે, તમે કેવા છો? તમારા મનમાં કોણ વસે છે? રામ કે રાવણ? ઓબ્વિયસલી, તમારો જવાબ હશે, રામ! કારણ? આપણે રામાયણને હંમેશાં રામના દૃષ્ટિકોણથી મૂલવીએ છીએ. મહાભારતનો દુર્યોધન હંમેશાં આપણા માટે વિલન છે, પોતાના પિતા સમાન ધૃતરાષ્ટ્રને ‘અંધ’ કહીને મશ્કરી કરનાર દ્રૌપદી કે પત્નીને જુગારમાં મૂકનાર યુધિષ્ઠિરને આપણે નિષ્પક્ષતાથી મૂલવી નથી શકતા. અને એટલે જ આપણને સત્ય હંમેશાં આપણા પક્ષે લાગે છે અને સામેની વ્યક્તિ જ દોષિત લાગે છે.

પણ, શું તમે રાવણને ઓળખો છો? તમે ક્યારેય દુર્યોધનને ઓળખ્યો? કે શકુનિ? કે પછી ખુદ રામને ઓળખો છો?

રામ અને રાવણ : અવિભાજિત વ્યક્તિત્વ

ખરેખર સત્ય શું છે? બે ભાઈઓની લડાઈમાં દગાથી એકનો વધ કરવો યોગ્ય હતો? પત્નીને ભૌતિક વસ્તુ ગણવી અને તેની અગ્નિપરીક્ષા લેવી એ આદર્શ ગણાશે? એક વ્યક્તિએ ઉપજાવી કાઢેલી વાત માટે થઈને સગર્ભા પત્નીનો ત્યાગ કરવો કેટલી હદે ઉચિત છે? શું તમે ક્યારેય કોઈનું બૂરું નથી વિચાર્યું? ખરેખર તો, રામ અને રાવણ આપણા જ મનમાં છે અને બંનેનું અસ્તિત્વ એકબીજા પર જ આધારિત છે. રાવણ વિના રામનું મહત્ત્વ જ ન આંકી શકાય. રાવણ આપણને સારું જોતા અટકાવે છે, જ્યારે રામ તમને સત્કર્મ તરફ દોરી જાય છે. ભગવાન શિવની અપ્રતીમ ભક્તિ કરવી અને શિવતાંડવની રચના કરવી એ રાવણમાં રહેલું ‘રામત્વ’ ગણીએ, તો દગો કરવો કે સગર્ભા પત્નીનો ત્યાગ કરવો એને શું કહેશો?!

અને, જ્યારે તમારા મનમાં રહેલો આ રાવણ તમારા પર હાવી થઈ જાય, ત્યારે તમે પાપની ઊંડી ગર્તામાં ધકેલાઈ જાઓ છો. પણ, ખરેખર પાપ શું છે? કૃષ્ણ ગીતામાં નિષ્કામ કર્મની વાત કરે છે પણ, આપણે નક્કામી અને ક્ષુલ્લક વાતોને બીજા હાથે મૂકેલી અગત્યની વસ્તુની જેમ ભૂલી શકતા નથી. એને વાગોળી વાગોળીને કર્મ બનાવીએ છીએ અને અહમ્ અને મદને વશ થઈ તેને પાપમાં પરિવર્તિત કરીએ છીએ. વિષયકામનાની મનોવિકૃતિ માણસને બળાત્કારી અને ખૂની બનાવે છે. રાજકોટનો સ્ટોન કિલર કદાચ આવી જ કોઈ મનોવિકૃતિનો શિકાર હોય શકે. એ મનોચિકિત્સકો માટે શોધનો વિષય ગણાય.

રાવણને રામ મળે, તો રામાયણ રચાઈ જાય

તો આનો ઉપાય શું? શું આમ જ ગોળ-ગોળ વાતો અને ચર્ચા કર્યે રાખવાનાં? શૂન્યમાંથી શરૂ કરી શૂન્યમાં જ સમાવી દેવાનું?
કદાચ રમણ પાસે આનો ઉપાય છે. તે નઘરોળ હત્યારો છે, જઘન્યતાપૂર્વક કોઈનું કાસળ કાઢવું તેના માટે રમત વાત છે, ફૂલ જેવા કુમળા બાળકનું માથું છૂંદી નાખતા એ અચકાતો નથી કે તેનું હૃદય થડકારો નથી અનુભવતું. સદંતર લાગણીશૂન્ય છે એ. શું તે મનોરોગી છે? કદાચ હા. પણ, તેને તો રાઘવ પ્રત્યે પ્રેમ છે, અગાધ પ્રેમ. જેને પામવા એ તલપાપડ છે. રાઘવના પાપ પોતે સ્વીકારે છે. છતાં, તે નિષ્કામ છે. એને ખબર છે, એ શું કરે છે? સમાજ જેને દુષ્કૃત્ય કહે છે, એેને તે કુદરતનો ન્યાય ગણાવે છે. ધર્મ કહો કે પ્રેમ, એની ફિલસૂફી  વધુ ઉદાત્ત છે. આ છે રમણની નિર્લેપતા, કે પાષણતા?! પોતાનું સત્ય તે રાઘવને પણ સમજાવવા મથે છે અને શરૂ થાય છે, વધુ એક ખૂની ખેલ!


******

હવે, ફરીથી અંધકારની મૂળ વાત પર પાછા ફરીએ. આટલી વિષમ પરિસ્થિતિમાં પણ ધ્યાનથી જુઓ, તો અગાઢ સમુદ્રના એ પેટાળમાં દેખાતા સૂર્યકિરણ જેવો, અંતરીક્ષના અંધકારમાં દૂર ટમટમતા નાના તારલા જેવો, સાવ ઝીણો એક પ્રકાશ ઝબકતો રહે છે. આ પ્રકાશ શેનો છે? ન સમજ્યા? આ તમારો ખુદનો પ્રકાશ છે, તમારા અંતરનો પ્રકાશ, તમારી ખુદની ઑરા. જે સતત તમારું દિશાદર્શન કરે છે. જે આ પ્રકાશને ઓળખી લે છે એ નિષ્કામ સંત બની જાય છે અને નથી ઓળખી શકતા એ બની જાય છે, રાઘવ.

મન સે રાવણ જો નિકાલે, રામ તેરે મન મેં હૈ.

રામ કહો કે રાવણ, બંને તમારા જ મનમાં છે. જેમના વચ્ચેનો દ્વંદ્વ સતત ચાલતો જ રહે છે અને નિરંતર ચાલતો જ રહેશે.

પિચિંગ થૉટ : રાવણને જો રામ મળી જાય, તો રામાયણ રચાઈ જાય અને રાઘવ પર જો રમણ હાવી થઈ જાય તો બની જાય, રમન રાઘવ-2.0.
©અમિત રાડિયા
------------------------------------------------------------------------------
WA: +91 98 98 216 516
E-mail: amit.radia99@gmail.com
Twitter: Amit_Radia

(ઑફ કોર્સ, આ 'રમણ રાઘવ' ફિલ્મનો રિવ્યૂ નથી, પણ ફિલ્મ જોયા પછીના પ્રથમ વિચારો છે.)

Saturday, 11 June 2016

‘વ’ વાંચનનો ‘વ’

(ખાસ નોંધ : સ્વજોખમે જ વાંચવું..!)

‘અચ્છા, તો તમે લખવા માંગો છો? ઓકે... ઓકે... મતલબ, લખો છો? મતલબ, તમે તો ઘણું વાંચ્યું હશે, નહીં?

 

તમે બક્ષીને વાંચ્યા છે? અશ્વિની ભટ્ટને? કે હરકિસન મહેતાને? મન્ટોને? કે પછી અમૃતા પ્રીતમ? અરુંધતી રોય? ઓપ્રા વિન્ફ્રે? ઇસ્મત ચુગતઈને તો વાંચ્યા જ હશે? નહીં?! તો શેક્સપિયર? એલેક્ઝાન્ડર ડૂમા? ટોલ્સટોય? મેક્સિમ ગોર્કી? એ પણ નહીં? ભગવતીકુમાર શર્મા? દેવદત્ત પટનાઇક? રમેશ પારેખ કે ઉમાશંકર જોશીનાં કાવ્યો? કે રમેશ તેન્ડુલકર? પ્રેમચંદ અને મન્ટોને તો વાંચ્યા જ હશે? અચ્છા, તમે આજકાલના નવા લેખકો ચેતન ભગત, અમીષ ત્રિપાઠી, દુર્જોય દત્તા, અશ્વિન સાંઘીને વાંચતા હશો? શું વાત કરો છો? આમાંથી એક પણ નહીં?! તો તમને લખવામાં શું ખબર પડે? એમ કહોને કે, તમને લખતા જ ન આવડે. અરે સાહેબ, લખવા માટે તમારે દુનિયાભરનાં પુસ્તકો અને લેખકોને વાંચ્યા હોવા જોઈએ.


મૂળાક્ષરોની શરૂઆત ભલે ‘અ’થી થતી હોય, પણ વાંચનની શરૂઆત કયા લેખક-કવિ કે પુસ્તકથી કરવી જોઈએ? એ કદાચ સાર્વત્રિક પ્રશ્ન છે. આર્ટ્સ કૉલેજમાં પ્રવેશતાં જ એવું કહેવામાં આવે કે તમારે બક્ષીને વાંચવા જોઈઅે, કલાપિના કાવ્યોનું રસપાન કરવું જોઈએ કે ઉમાશંકર અથવા ર.પા., કે પછી મુનશી અને મેઘાણી, પન્નાલાલ અથવા પેટલીકર કે ગૌરીશંકર અને બ્રોકરના સાહિત્યને ઘોળીને પી જવું જોઈએ. અરે! નર્મદ કે ગો.મા. ત્રિપાઠીને ભુલાય જ કેમ? તો તમને ખ્યાલ આવે કે, સાહિત્ય સર્જન કોને કહેવાય? (કાલિદાસ, ભવભૂતિ અને ભાસને તો ભૂલી જ જાઓ!) :P

અલબત્ત, લખતાં પહેલાં કયા પ્રકારનું લખાણ અને આપણું ખુદનું લખાણ સાહિત્યની કક્ષાની છેલ્લી હરોળમાં પણ મૂકી શકાય એમ છે કે નહીં, એટલીસ્ટ એ જાણવા માટે પણ આ બધા નામી સાહિત્યસર્જકોને વાંચવા તો જોઈએ જ. પણ, પછી એકાએક ઊંડે ઊંડે કેદારાનો સાદ આવે અને નરશીના પ્રભાતિયાંના તારે તારે કબીર-રહીમ કે અખો જાગે અને કહે કે અમે ક્યાં કોઈ કૉલેજમાં ગયા હતા? અમે ક્યાં કોઈ સાહિત્યકારો કે કવિઓને વાંચ્યા હતા? એક બાજુ સિલાઈકામ કરતાં કરતાં ‘ગની’ કહે કે મેંય કે’દી ગાલિબ, રુસ્વા કે મીરને વાંચ્યા? અને પાછું મન મૂંઝાય કે વાંચવું કે ન વાંચવું? અને વાંચવા, તો કોને વાંચવા?

આમ તો શુદ્ધ-પ્રબુદ્ધ ગુજરાતી સાહિત્યમાં લેખકો-કવિઓની સંખ્યા મર્યાદિત હતી, પણ ‘મુખપુસ્તક’ની ‘ઇજાદગી’ પછી તો બિલાડીના ટોપની જેમ શિખાઉ સર્જકોની ભરતી આવી છે અને આ લખ‘વા’પીડિતો જે મન ફાવે તે ઘસડે જાય છે. એ ન્યાયે તો ફેસબુક પરની દરેક બીજી વ્યક્તિ વિચારક, ત્રીજી વ્યક્તિ વિશ્લેષક અને ચોથો વિવેચક જ હોય છે. બાકી રહ્યો પ્રથમ પુરુષ હું, તો એ તો સર્જનકર્તા પોતે જ છે. જેનાં કાવ્યો કાં તો જોડકણાં જેવાં હોય કે લખાણનો બે તૃતીયાંશ ભાગ વિકિપિડિયા કે ગૂગલ અથવા અગાઉનાં સર્જનોના ઉતારા જેવો હોય, તોય આવા કૂકડા લેખકોના દમામ પણ કંઈ ઓછા નહીં, હો! (લાગુ ન પડતું હોય ઈ છેકી નાખવું.!) :P

અલબત્ત, નામી લેખકોને વાંચ્યા પછીય કાં તો બધાને બક્ષી બનવાની ઇચ્છા થાય ને કાં ‘ગલગલિયા’ લેખક! કાં ચિંતક બનવું હોય અને કાં વિવેચક, તો આપણું પોતાનું સર્જન શું? પોતાની ફ્લેવર કઈ? પાકશાસ્ત્રમાં પોતાનો વઘાર કેવો? આ રસથાળમાં મેં ઉમેરેલો રસાસ્વાદ કયો?

ખેર, લેખકો તો આજેય ઘણા છે. કલમવીરથી માંડી કલમઘસુઓ પણ છે. કંઈકનાં તો નામ બોલવામાંય જીભના લોચા વળે! ને ઘણાને વાંચવાની મજાય આવે. ચર્ચા લાંબી છે, લખવું મારેય છે, સમય ઓછો છે અને સર્જવાનું ઘણું છે, પણ વાંચવું શું? અને વાંચવું કોનું? એ જ તો સવાલ છે.

તમારો શું જવાબ છે?

પિંચિંગ થૉટ : ‘So many Books, So little Time.’ - Frank Zappa.

(તા.ક. અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી. ‘સાલસ-નિખાલસ’ સૂચનો આવકાર્ય છે.)
WA : +91 98 98 216 516
Mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia 

Friday, 15 April 2016

ધ જંગલ બુક : વર્ચ્યુઅલ પંચતંત્ર

વગડે વગડે વાત ચાલી છે...

સદીઓ પહેલાંની આ વાત છે (ઇ.સ. પૂર્વે આશરે ત્રીજીથી બારમી સદી લગભગ). મગધની રાજધાની પાટલીપુત્રના રાજા સત્યવ્રતને તેમના ત્રણ તોફાની રાજકુમારોના શિક્ષણની ચિંતા થઈ આવી. અનેક આચાર્યો-પંડિતો પછી આ જવાબદારી આચાર્ય વિષ્ણુ શર્માએ ઉઠાવી લીધી. તેઓ રાજકુમારોને પોતાના આશ્રમમાં લઈ ગયા, જ્યાં જંગલનાં પ્રાણીઓની વાર્તાઓ કહીને નીતિમત્તા અને બુદ્ધિચાતુર્યની તાલીમ આપી.



હવે તો દાદા-દાદી કે નાના-નાનીની વાર્તાઓનો યુગ લગભગ ઓસરી ગયો છે, આમ છતાં જ્યારે આવી કોઈ વાર્તા સાંભળીએ એટલે તરત મનસ્વી કલ્પનાઓના ઘોડા જોજનો દૂર, નદીઓની પેલે પાર, જંગલમાં વસતાં પ્રાણીઓ વચ્ચે પહોંચી જાય અને ઘડી-બે ઘડી તેમની સાથે વાતો કરી આવે, રમતો રમી આવે. વર્ચ્યુઅલ રિયાલિટીની ટેક્નિક ભલે હમણાં હમણાં ઇજાદ થઈ હોય, પણ વિષ્ણુ શર્મા અને રુડયાર્ડ કિપ્લિંગે તો આવી કોઈ તકનિક વિના જ અદ્ભુત ઇમેજિનેશન કરી આપ્યું છે.

આમ તો 1942થી માંડીને 1967માં વૉલ્ટ ડિઝનીએ બનાવેલી એનિમેટેડ ફિલ્મ કે રશિયનોનું સર્જન ‘ઍડવેન્ચર્સ ઑફ મોગલી’ કે પછી નેવુંના દાયકામાં દર રવિવારે (માત્ર અડધો કલાક માટે જ) ગુલઝાર અને વિશાલ ભારદ્વાજે બનાવેલા ‘જંગલ જંગલ બાત ચલી હૈ...’ સૉન્ગવાળી જે ‘જંગલ બુક’ સિરીઝ જોતા એ મૂળ જાપાનીઝ એનિમેશન સહિત ડઝનેક એડોપ્શન્સ પર કામ થયું છે, પર ઇસ બાર કી ‘જંગલબુક’ મેં કુછ નયા હૈ.

યસ્સ્સ, આ વખતની જંગલબુક બની છે, વીએફએક્સ કરતાં પણ આગળની ટેક્નોલૉજી સીજીઆઈ યાને કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજિનરી ટેક્નિકની મદદથી. જંગલના દેડકા, ફ્લાઇંગ સ્ક્વિરલ, શાહુડી, જરખ, સમડી, મોર, હરણ, વાંદરા બધાં જ પ્રાણીઓ, હવામાં ફરફરતા તેમના વાળ કે આંખોનાં આંસુ, બધું જ કોમ્પ્યુટરની કમાલ હોવા છતાં, એટલા જ આબેહૂબ અને જીવંત લાગે. આ બધાની વચ્ચે ઘર ઘર કા પ્યારા, રાજદુલારા મોગલી યાને નીલ સેઠી પોતાના અજબ-ગજબ એક્સ્પ્રેશન્સથી તમારું દિલ ન જીતી લે, તો કહેજો. ઓમ પુરીના ખરજઘૂંટ્યા અવાજમાં થતું સ્ટોરીટેલિંગ, લુચ્ચાઈ અને ખંધાઈની ચરમસીમા સમાન શેરખાનને ન્યાય આપતા નાના પાટેકર, પ્રિયંકાનો મોહક અવાજ જ અજગરની આંખો કરતાં જલદી હિપ્નોટાઇઝ કરી લે એવો અસરકારક છે. તો બીજી તરફ, મયુર પુરીએ લખેલા મોગલીના ‘બચ્ચે કી જાન લોગે ક્યા’થી માંડીને બલ્લૂ ધ બેઅરના ‘જો વાદા નહીં કિયા, વો નિભાના પડેગા’ જેવા રિફ્રેશલ ડાયલોગ્ઝમાં ઇરફાનનો પંજાબી લહેકો જબરો ફિટ બેસે છે. (અલબત્ત, મૂળ સ્ટોરીનાં કેટલાંક પાત્રોની ખોટ તો વર્તાય જ છે.)

ગુરુ-શિષ્ય જેવા બઘીરા અને મોગલીની એન્ટ્રીથી શરૂ થતી વાર્તામાં વરૂઓના ઝૂંડનું સંગઠન, માતા-પુત્ર જેવા રક્ષા અને મોગલી, દુષ્કાળના સમયમાં જંગલના કાનૂન મુજબ શિકાર અને શિકારી સાથે ઊભીને પાણી પી શકે એવી ખેલદિલી, આળસુ અને એદી પ્રકૃતિનું રૂપક બલ્લુ, લુચ્ચાઈમાં પણ માણસનો પૂર્વજ કિંગ લુઈ, દગાખોરીના પ્રતીક સમો શેરખાન અને પરોપકારી જીવ જેવા મહાકાય હાથીઓ. જંગલનાં પ્રાણીઓની સમજ અને ખાસિયતો સાથે માનવીની વિવિધ પ્રકૃત્તિને પણ એક તાંતણે બાંધી દીધી છે. નીતિમત્તાને નેવે મૂકનારો શેરખાન પણ જંગલના કાનૂનનો આદર કરવાનો દેખાડો કરી જાણે છે. બધું કર્યું કારવ્યું ધૂણ-ધાણી કરવા એક નાનો તિખારો પણ કાફી છે, એવા સંદેશા સાથે બધાં જ જીવો પ્રકૃતિનાં સંતાન હોવાની શીખ પણ અહીં છે. ઇન શોર્ટ, આખેઆખું પંચતંત્ર જ જાણે વર્ચ્યુઅલ સ્વરૂપે ઊભું થઈ જાય છે, એ પણ હસતાં રમતાં અને ઉપદેશના ભાર વિના જ.

એક્ચ્યુઅલી, પુત્રી જોસેફાઇન માટે કિપ્લિંગે ઇ.સ. 1894માં ‘ધ જંગલ બુક’ની વાર્તાઓ લખી હતી અને તેના માટે રુડયાર્ડના પિતા જ્હોન લોકવૂડે ઇલસ્ટ્રેશન દોરી આપ્યાં હતાં. પહેલી નજરે મનોરંજનનું માધ્યમ લાગતી આ વાર્તાઓ માનવીય મૂલ્યોની ગજબની તાલીમ આપી જાય છે. અરેરેરે! તમને થશે, આ ક્યા શિખામણ આપવાનું શરૂ કર્યું? તો ફટાફટ, ટૂંકમાં, મધમાં ઝબોળેલી મિલ્કી-સિલ્કી ચોકલેટ જેવી ‘ધ જંગલબુક’ની મારી વાત અહીં પૂરી ઔર ‘આપ કા જંગલબુક દેખને જાને કા સમય શુરુ હોતા હૈ અબ...’

(તા.ક. ફિલ્મની એક બહુચર્ચિત ખામી ‘જંગલ જંગલ બાત ચલી હૈ...’ સૉન્ગની ગેરહાજરી ટોકિઝવાળાએ પૂરી દીધી. ફિલ્મની શરૂઆતમાં જ એ આખું સૉન્ગ અલગથી બતાવીને...) (લખ્યા તા.11/4/16)
WA : +91 98 98 216 516
Mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Tuesday, 23 February 2016

ચાલો રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ રમીએ...

છેલ્લા થોડાક દિવસથી (એમ જ સમજોને કે જેએનયુ કાંડ પછીથી) દેશમાં ચોમેર રાષ્ટ્રભક્તિનો માહોલ છે.  લોકોના હૈયામાં, એટલે કે બૌદ્ધિકો(!), પત્રકારો, ન્યૂઝ ઍન્કરો, મુખપુસ્તકિયાઓ અને સોશિયલ નેટવર્કિયાઓના રુંવેરુંવામાં દેશભક્તિની જ્વાળાઓ સળગી ઊઠી છે. કોઈ રેસ હોય એમ બધા પોતાની દેશભક્તિને જાણે શ્રેષ્ઠ સાબિત કરવા મથી રહ્યા હોય એવો તાસીરો સર્જાયો છે. જાણે કેમ રાષ્ટ્રભક્તિનો કોઈ અણુવિસ્ફોટ થયો હોય ને બધાના રોમેરોમમાં, નસેનસમાં દેશપ્રેમના વાયરસ ફૂટી નીકળ્યા હોય. સાલ્લુ, મનેય થયું, આ તો વહેતી ગંગા કે’વાય, લાવને હું ય હાથ સાફ કરી લઉં. જે પાંચ-પંદર લાઇકો મળી એ નફામાં. તો પેશ-એ-ખિદમત છે, અફીણ કે આલ્કોહોલ જેવાં ઉત્તેજક કેમિકલોથી ભરપૂર આવો જે એક વિચારબોમ્બ... ઢેન...ટેણેણેણેન...


એનીવે, મજાક-મસ્તી બહુ થઈ, હવે ગંભીર વાત. આપણી ભારતીય ભાષાઓ એટલી સમૃદ્ધ છે કે તેમાં દરેક લાગણીને વ્યક્ત કરવા માટે અલગ અલગ શબ્દ છે. આવી જ એક પરિકલ્પના એટલે દેશ, રાજ્ય અને રાષ્ટ્ર.

આ એક સીધોસાદો વિચાર છે. દેશ એટલે એવો ભૂ-ભાગ, જ્યાં લોકો વસતા હોય, જેની સીમાઓ અક્ષાંશ અને રેખાંશ વડે વ્યાખ્યાયિત કરાઈ હોય અને જેને એક ચોક્કસ નામ અપાયું હોય. રાજ્ય એટલે કે શાસનવ્યવસ્થા અથવા સત્તામાળખું. અને રાષ્ટ્ર એટલે જે ધરતી પર વસો છો, જે દેશના નાગરિક છો, તેની સંસ્કૃતિ, સામાજિક રીતરિવાજો, તેનુ માન-મહત્ત્વ-મરતબો જાળવવા અને તેના માટે તમારા હૃદયમાં રહેલી લાગણી. આવી લાગણીઓના સમૂહથી સર્જન થાય છે એક રાષ્ટ્રનું.

જેએનયુકાંડ પછીથી સમગ્ર દેશમાં શરૂ થયેલી દેશદ્રોહ અને દેશભક્તિની વિચિત્ર લડાઈને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જોડાવાથી હવા મળી છે અને સમગ્ર ચર્ચા રાષ્ટ્રકારણથી રાજકારણ તરફ ફંટાયેલી જ હતી, તેવામાં હવે હિન્દી અને અંગ્રેજી મીડિયાનું નવું છોગું ઉમેરાયું છે. બકબકીયા પત્રકાર આલમ એકબીજાને ઊણા દર્શાવવા મચી પડી છે. રાડિયા ટેપ કે 2-જી કાંડમાં કાળી ટીલી લગાડી ચૂકેલા પત્રકારો હવે પોતાની દેશભક્તિ સાબિત કરવાના ફાંફા મારે છે અને પરિણામે પ્રેસિટ્યુશન તરફ ગતિ કરી રહ્યા છે. આપણી શાસનપ્રણાલીમાં એક સીધોસાદો શિરસ્તો રહ્યો છે કે જે પક્ષ સત્તા પર હોય, એ રાષ્ટ્રવાદી કે દેશભક્ત કે સેક્યુલર કે બિનસાંપ્રદાયિક હોય છે અને જાણે તેના એકલાના જ હૈયે આ હિત વસેલું હોય અને તેમના શીરે જ આ જવાબદારી જાળવી રાખવાનું હરક્યુલસીય કાર્ય હોય એવું દર્શાવવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવે છે.

જેએનયુકાંડનો મુખ્ય આરોપી કન્હૈયા ખરેખર કેટલો દોષી છે એ પછીનો મુદ્દો છે, પરંતુ પહેલો મુદ્દો એ છે કે વિરોધી પક્ષના વિદ્યાર્થી સંગઠનનો છે અને એ ન્યાયે જ તેના પર કોર્ટ પરિસરમાં પણ હુમલા થાય છે. એક તરફ, આપણે મહાસત્તા બનવાનાં સપનાં જોવાં છે, પણ બીજી તરફ દેશવાસીઓમાં સાચી દેશભક્તિ પ્રગટાવવામાં પણ નિષ્ફળ ગયા છીએ. શું દેશભક્ત કે દેશપ્રેમી હોવું એ મારા ધર્મ, મારી જાતિ, મારી કોમ, મારી કૉલેજ, મારા વિસ્તાર, હું કેવાં પુસ્તકો વાંચું છું, મને ક્યા નેતા કે લેખકના વિચારો ગમે છે કે નથી ગમતા એ તમામ બાબતો પર આધારિત છે? મારે વારેવારે જાહેરમાં એવું કહેવું જરૂરી છે કે મારા હૃદયમાં ઠાંસી-ઠાંસીને દેશપ્રેમ ભરેલો છે અને આ માટે હું ગાયનું માંસ નથી ખાતો, દાદરીકાંડને યોગ્ય (કે અયોગ્ય) માનું છું, હૈદરાબાદના વિદ્યાર્થીના આપઘાતને યોગ્ય માનું છું કે આરએસએસના સ્વયંસેવકની હત્યાને વખોડું છું, અન્ય ધર્મીઓને ગાળો ભાંડું છું, કન્હૈયા મારો દુશ્મન છે, એ ન્યૂઝ ઍન્કર જે અર્થોપાર્જન માટે પોતાના ડેસ્ક પરથી બરાડી બરાડીને માત્ર પોતાનો જ મત વ્યક્ત કરે છે અને જાણે દેશને યોગ્ય દિશામાં દોરવાની જવાબદારી માત્ર એના શીરે છે એવું સાબિત કરવા મથે છે, એ મારો દુશ્મન છે. એ તમામ લોકો મારા માટે આદરણીય છે જેઓ ઘરના એક ખૂણામાં બેઠાં બેઠાં ભગતસિંહ, શિવાજી કે ગુરુ ગોવિંદસિંહનાં નામની દુહાઈઓ આપીને ચાર-છ રાષ્ટ્રભક્તિના શૅર બોલે છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. મારી રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે મારે આવું બધું બોલવું કે સ્વીકારવું પડે અને આ બધી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવાનું?!

અને... આ બધું કહ્યું અને કર્યું એટલે રસ્તા પર ટ્રાફિક રુલ તોડવા છતાં હું દેશપ્રેમી જ રહું છું, આ માટે મને રોકનાર પોલીસમેનને પચાસ કે સોની નોટ પકડાવવી કે તેના પર ધૌંસ જમાવવી એ મારો રાષ્ટ્રધર્મ છે, સરકારી કચેરીમાં નાણાં વેરીને મારું કામ કરાવવું, રાજકીય સત્તાધીશો સાથે સંબંધો વિકસાવી તેનો દુરુપયોગ કરવો, કોઈની જમીન પચાવી પાડવી, પાડોશીને અકારણ પરેશાન કરવો, સરકારી વેરો ન ભરવો, ગેરકાયદે દારૂ પીવો, પોલીસકર્મી તરીકે જનતાને મદદરૂપ થવાના બદલે તેમના પર રોફ-રુઆબ જમાવવો, સરકારી અધિકારી તરીકે ટેબલ નીચેથી ભરપૂર કમાણી કરવા છતાં ગાંધીની તસવીર સામે જોઈને કે ગીતા-કુરાન-બાઇબલ પર હાથ મૂકીને પ્રામાણિક હોવાનો દાવો રજૂ કરી શકું છું, સત્તાધારી પક્ષમાં હોવાના નાતે લાગતાં-વળગતાંનાં સાચાં-ખોટાં કામ કરાવડાવું છું, વગેરે વગેરે... (આ યાદી ખૂબ લાંબી થઈ શકે તેમ છે) આમ છતાં માત્ર મારા ઘર કે કાર્યસ્થળની છત પર તિરંગો લહેરાવીને હું દેશપ્રેમી બની શકું છું!

એક્ચ્યુઅલી, આપણો ધર્મ, આપણી સહિષ્ણુતા, આપણો દેશપ્રેમ, રાષ્ટ્રવાદ બધું... બધું જ ટાઇમ બિઇંગ બની ગયું છે. જેમાં સમયાંતરે ઊભરો આવતો રહે છે. બૌદ્ધિક તરીકે ભાષણોમાં, લેખોમાં, યુવાનો કે વિદ્યાર્થીઓ તરીકે આંદોલનોમાં, નિર્ભયાકાંડ કે દાદરીકાંડ સમયે સમી સાંજે જલાવાતી મીણબત્તીઓ સ્વરૂપે, ક્યારેક શિવાજી કે વિવેકાનંદના નામે, તો ક્યારેય નિદા કે મુનવ્વરના શૅર તરીકે. સરહદ પર પાકિસ્તાન, ચીન કે પછી કોઈ ઘુસણખોર આતંકવાદીની ગોળીથી સૈનિક વિંધાય, તેનો જવાબ આપણને પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચમાં ભારતની જીત તરીકે જોવામાં સવાયું પૌરુષ દેખાય છે.

રાજકીય પક્ષોના સેટલમેન્ટ કૉલેજોમાં અને યુનિવર્સિટીઓમાં થાય છે. ભાજપ સંલગ્ન એબીવીપી, કૉંગ્રેસ પ્રેરિત એનએસયુઆઈ કે ડાબેરીઓનું વિદ્યાર્થી સંગઠન કોઈ પણ હોય, સત્તા મેળવવા માટે વિદ્યાર્થી અવસ્થાથી જ રાજકારણનાં બીજ તેમનાં મનમાં રોપવામાં આવે છે અને એટલે જ કોઈ પણ રીતે સત્તાનો વિરોધ નોંધાવવા માટે અફઝલ ગુરુનો શહીદ દિન ઉજવાય છે અથવા પાકિસ્તાન ઝિંદાબાદનાં સૂત્રો પોકારાય છે. પછી ભલે અફઝલ ખુદ પોતાનો ગુનો કબૂલતો હોય કે પાકિસ્તાની ટટ્ટુ હાફિઝ સઇદ બરાડા પાડીને રાષ્ટ્રવિરોધીઓની પીઠ થાબડતો હોય. નિશાન એમનું છે, હથિયાર પણ આપણાં છે અને તેને ચલાવનારા હાથ પણ આપણા જ છે.

વાણી કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત હક્ક એવી છૂટ પણ નથી આપતો, કે તમારી માતૃભૂમિને ગાળો ભાંડો. આના કરતાં તો વધારે રાષ્ટ્રભક્તિ એ સફાઈ કામદારમાં છે, જે નિષ્ઠાપૂર્વક ગટર કે રસ્તાની સફાઈ કરે છે. હાર્દિક હજી જેલમાં છે અને કન્હૈયાના કેસમાં તારીખો પડી રહી છે. હરિયાણામાં જાટ ફાવી ગયા અને હવે રાજસ્થાનમાં પગ પહોળા કરે છે. ઓમર ખાલિદ મેળાવડાઓ યોજે છે અને નમાલાઓ તાલીઓ વગાડે છે.

તો ઉપાય શું?
ઉપાય માત્ર બે જ છે, કાં વિરોધીઓને ગોળીએ દેવા અથવા બાળપણથી જ એવા સંસ્કારો આપવા કે તે આદર્શ નાગરિક બને. પહેલો ઉપાય સરળ અને તાત્કાલિક પરિણામ અપાવનારો છે, જ્યારે બીજો વિચાર લાંબાગાળાનો પણ નક્કર છે. કદાચ આ વિચાર આઝાદી સમયે કરવામાં આવ્યો હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત. નક્સલવાદને ડામવાના ઉપાયો કરનારા ક્યારેય નક્સલવાદનાં મૂળમાં ઉતરી તેની સફાઈ કરવાના પ્રયત્નો નથી કરતા. પણ આજે નિર્ણય આપણે કરવાનો છે, વિચાર આપણે કરવાનો છે, કે આપણે કેવા દેશનું નિર્માણ કરવું છે? ઓવર ટુ યૂ...
(લખ્યા તા.19-2-2016)

Saturday, 13 February 2016

લોચા, લબાચા અને જિંદગીની ઝોલઝાલ એટલે... ‘પોલમપોલ’

હમણાં હમણાં ‘સુલેખા’ નામની બિઝનેસ વેબસાઇટની ‘ચલતા હૂં સુખ બાંટ બાંટ...’ સૉન્ગવાળી એક ‘જુગાડુ’ એડ ખૂબ જાણીતી થઈ છે. એમ-80 જેવા એક સ્કૂટરની પાછળ સોફા પર ચાર મહિલાઓને સવારી કરાવવી, એરકૂલરની હવાના ટ્રાઉઝર વડે બે ભાગ કરવા, પાણીની તૂટેલી ડોલનો શાવર બનાવવો કે મોટર સાયકલની બેટરી પર ઘરની લાઇટો ચલાવવી! (યાદ આવી ને એડ?) જિંદગી પણ આવી ઝોલઝાલથી જ ભરેલી છે. આપણે પણ જિંદગીમાં ક્યારેક તો કોઈ જુગાડ કર્યો જ હોય. ક્યારેક કરિયર માટે, ક્યારેક પૈસો કે પ્રેમ મેળવવા કે પછી ક્યારેક મિત્રતા માટે. એનીવે, વાત કરીએ આવી જ બધી ઝોલઝાલથી ભરેલી ગુજ્જુ ફિલ્મ ‘પોલમપોલ’ની.

ગોલમાલ હૈ ભઈ, સબ ગોલમાલ હૈ...

વાત છે, ડુગ્ગી (જિમિત ત્રિવેદી) અને મોન્ટુ (ઓજસ રાવલ) નામના બે ‘ચડ્ડી-બડ્ડી’ની. ડ્રામાના ફિલ્ડમાં બંને સ્ટ્રગલર્સ છે. મોન્ટુ કામ પ્રત્યે ગંભીર છે, પણ ડુગ્ગીની ફ્લર્ટ કરવાની આદતના કારણે તેમણે દરેક વખતે હાથમાં આવતી બાજી ગુમાવવી પડે છે. એકાએક તેમની જિંદગીમાં એન્ટ્રી થાય છે, બે વર્ષ પહેલાં યુ.એસ. ચાલી ગયેલી તેમની પાક્કમપાક્કી ફ્રેન્ડ અંજલિ (જિનલ બેલાણી)ની. જેને વર્ષોથી બંને મિત્રો મનોમન ચાહે છે. પણ આ જ કારણથી બંનેની દોસ્તીમાં તિરાડ પડે છે અને અંજલિની ઇચ્છા જાણ્યા વિના જ બંને ઇનામની ટ્રોફીની જેમ તેને મેળવવાની શરત લગાડી બેસે છે.
જોગાનુજોગ, બંનેને બીજા બે ભાઈઓ મળી જાય છે, ભીખુ (પ્રેમ ગઢવી) અને માંગી (જયેશ મોરે). ગામડેથી હિરોઇન સાથે લગ્ન કરવા આવેલા અને પસ્તીનો ધંધો કરતાં ભીખુ-માંગીને નસીબજોગે 20 કરોડની લોટરી લાગે છે. લોટરી તો લાગી, પણ છોકરીનું શું? બંનેનું સપનું પૂરું કરવાની જવાબદારી દોસ્તમાંથી દુશ્મન બનેલા ડિરેક્ટર્સ, ડુગ્ગી અને મોન્ટુ ઉઠાવે છે, પણ એવી હિરોઇન લાવવી ક્યાંથી જે તેમની સાથે લગ્ન કરે? બંને મિત્રોની ડૂબતી કરિયરને સંભાળવા માટે અંજલિ, ભીખુની ફિલ્મ અને માંગીના નાટકની હિરોઇન બનવા તૈયાર થઈ જાય છે. એટલે કે બંને સાથે લગ્ન કરવાનો કોન્ટ્રાક્ટ સ્વીકારી લે છે, જેના કારણે બંને ભાઈઓ વચ્ચે પણ દુશ્મનાવટ ઊભી થાય છે. તો ખરેખર અંજલિ કોની સાથે પરણશે? એ જ તો સાચા અર્થમાં પોલમપોલ...


જિંદગી હૈ ખેલ, કોઈ પાસ કોઈ ફેલ

ગુજરાતી ફિલ્મોને કૉલેજિયન ફિલ્મ સાથે મળેલા હાઈ સ્પીડ ટૅક ઑફ પછી દર્શક તરીકે આપણી અપેક્ષાઓ ઘણી વધી છે અને ખાસ તો ગયા મહિને કોમ્પ્લિકેટેડ રોમાન્ટિક મૂવિ જોયા પછી તેજસ જેવા ડિરેક્ટર પાસેથી એક સારી ફિલ્મની આશા હતી, જે ‘પોલમપોલ’માં ઘણેઅંશે ફળતી દેખાય છે. ટાઇટલ પછીના મુહૂર્તના પહેલા જ સીનમાં સ્ટેજ કર્ટેઇનની ઉપરથી લેવાયેલો ટોપ શોટ રુટિન ગુજરાતી ફિલ્મ કરતાં અલગ ભાત પાડે છે. આવો જ બીજો સીન નાટકમાં ઘોડા પર જાન લઈને જતી હિરોઇનની એન્ટ્રીનો છે. નાટક અને ફિલ્મ વિશેનો ભેદ તેજસ પડિયા સારી રીતે જાણે છે, એટલે ફિલ્મનાં અનેક મુખ્ય પાત્રો બેઝિકલી નાટકના કલાકારો હોવા છતાં તેમના ટોનમાં કે એક્સપ્રેશન્સમાં સહેજ પણ લાઉડનેસ જોવા નથી મળતી. ફિલ્મમાં ‘અમો-તમો’ કે ‘કોફી ક્વૉરલ’ જેવી લોકજીભે રમતી થઈ જાય તેવી સિક્વન્સ ન હોવા છતાં ‘સ્ટેપલર’ અને ‘લાલા’ જેવાં પાત્રો અને ‘કરવા ચોથ’ કે એએમટીએસની બસમાંથી લેવાયેલો ‘ડીડીએલજે’નો રિવર્સ સીન મોસ્ટ એન્ટરટેઇનિંગ છે. ‘રીંગણ કે દહીંનું જ્યૂસ’, પિપરમિન્ટ, રિવર્સિબલ, આર્ગ્યુમેન્ટ જેવા શબ્દો અને અમુક સીન્સ તો પેટ પકડીને હસવા મજબૂર કરી દે છે. એ જ રીતે ગ્લિસરીનના ઓવરડોઝ વિના જ સ્ત્રી સશક્તિકરણ અને છોકરા-છોકરીની હેલ્ધી ફ્રેન્ડશિપના મેસેજીસ પણ હસતાં રમતાં આપી દેવાયા છે.

સપનાઓ સાચાં થશે...

ફિલ્મ દરમિયાન ગીતના નામે માત્ર બે રોમેન્ટિક સૉન્ગ્સ છે, જે પણ માત્ર સાત મિનિટમાં પૂરાં થઈ જાય છે. એટલે ફિલ્મનો સમય બિનજરૂરી કપાતો નથી અને ત્રીજું, ટાઇટલ સૉન્ગ એવું એક પાર્ટી સૉન્ગ છે. જે પણ ફિલ્મના અંતે આવે છે. ગુજરાતી ફિલ્મમાં કદાચ આ પ્રકારના ગીતનો પ્રથમ પ્રયોગ છે, જે કાબિલેદાદ કહેવાય. ઓવરઑલ મ્યુઝિક ઇસ નાઇસ. અલબત્ત, ‘સપનાઓ સાચાં થશે...’ ગીતમાં સિંઘ ઇઝ કિંગ’ના ‘તેરી ઓર...’ની ઝલક કે ભીખુ-માંગીના કેરેક્ટરમાં કદાચ વેલકમના ઉદય-મજનુની છાંટ લાગે, છતાં નકલના નામે ક્યાંય નાકનું ટીચકું ચડાવવાની તક મળે એવું નથી. અલબત્ત, સ્ટોરીની વેરાયટીના કારણે આ પોઇન્ટ અવોઇડેબલ છે. બીજું કે હિરોઇનના ઘરથી માંડીને ભીખુ-માંગીના ફાર્મહાઉસ સહિત ફિલ્મનાં લોકેશન્સમાં થોડું વેરિયેશન લાવી શકાયું હોત અને અમુક જગ્યાએ એક્ટર્સની આસપાસ ઘુમતા કેમેરાને થોડી ફ્રીડમ અાપી હોત, તો રિઅલિસ્ટિક સેન્સ વધુ સારી રીતે ક્રિએટ કરી શકાઈ હોત, છતાં ઓવરઑલ કેમેરા સ્મૂધલી હેન્ડલ થયો છે.

ફિલ્મનાં કેરેક્ટર્સમાં પણ અગાઉની ફિલ્મમાં ચંબૂ જેવો લાગતો બકુલ બુચ, ફ્લર્ટ ડુગ્ગીના કેરેક્ટરમાં એકદમ ફિટ બેસે છે, તેની સામે શરૂઆતમાં સીધું સાદું અને થોડું દબાયેલું લાગતું ઓજસનું કેરેક્ટર ઇન્ટરવલ સુધીમાં પ્રોપર હાઇપ મેળવી લે છે. અંજલિના ભાગે એવરેજ એક્ટિંગ આવી હોવા છતાં જિનલ ક્યૂટ લાગે છે, પણ મેરેજવાળા સીનમાં ‘શી કેન ડુ સ્લાઇટ બેટર’. ભીખુના કેરેક્ટરમાં પ્રેમ ઇઝ ટૂ ગુડ, એઝ વેલ એઝ જયેશ મોરે ટૂ. આ સિવાય સુનિલ વિસરાણી, ગેસ્ટ અપિયરન્સમાં સનત વ્યાસ સાથેનો તેજસનો કેમિયો અને ભીખુ-માંગીના માતાજીની એન્ટ્રી ફિલ્મને મજેદાર બનાવે છે. ઓવરઑલ, થોડા સ્લો લાગતા ફર્સ્ટ હાફને બાદ કરતાં ફિલ્મ સ્મૂધલી ચાલે છે અને કન્ટિન્યૂટી જળવાયેલી રહે છે. મીન્સ, બનતા બનતા ફિલ્મ બની જ જાય છે.
એનીવે, બેઠી થતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘પોલમપોલ’ એક પગલું આગળ અને રિમાર્કેબલ કહી શકાય. ચોક્કસ જોવાલાયક ફિલ્મ.
ઓવરઑલ ફિલ્મ રેટિંગ 3.5 સ્ટાર (+ 0.5 સ્ટાર ઇન સપોર્ટ ઑફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી)
***
*તા. ક. :- અગેઇન, ફિલ્મ ક્રિટિસાઇઝિંગ મારો વિષય નથી, છતાં ફિલ્મ જોયા પછી સૌ પ્રથમ જે લાગ્યું એ લખ્યું છે. એનીબડી કેન ડિફર ફ્રોમ માય વ્યૂઝ. :)
For more Articles and Views, Regularly be in touch at: http://amitradia.blogspot.in/

Tuesday, 19 January 2016


‘કિરદાર લિખ ચૂકા હૂં, મેરે કલમ સે નિકલ ચૂકે હૈ,

 જાતે ક્યૂં નહીં, મેરા પિછા ક્યૂં નહીં છોડતે?’

 

આજે પણ દાદરીમાં કોઈ નિર્દોષ હણાય, ત્યારે મારી લાગણીઓ ઝણઝણી ઊઠે છે. નિર્ભયાકાંડ થાય, ત્યારે મને પણ કમકમાં છૂટી જાય છે. મને એમાં મારી સકીના દેખાય છે. ઠંડા પડી ગયેલા માંસ જેવો એ ઇશરસિંહ ભલે મરી પરવાર્યો, પણ ઘાટણની એ છોકરીની બૂ આજે પણ મહેસૂસ કરી શકું છું. હું અંદર ને અંદર વલોવાય રહ્યો છું. અંતરના કોઈ ખૂણેથી સતત અવાજ આવે છે, મારાં રચેલાં પાત્રો મને બોલાવે છે, એ મારો પીછો છોડવા તૈયાર નથી. મને સતત નવું સર્જન કરવા કહે છે, નવાં પાત્રો રચવા ઇજન આપે છે.

 

 

હે મુંબઈગરાઓ, હે હિન્દુસ્તાનીઓ, હે પાકિસ્તાનીઓ,

 

શું વિશેષણ બાંધું? એ મને સમજાતું નથી.

કહેવાય છે કે માણસની કદર મર્યાં પછી જ થાય છે, હું પણ કદાચ તેમાંનો જ એક છું. જીવતે જીવ મને અનેક ઇલકાબો મળ્યા. અલબત્ત, મહદંશે નકારાત્મક હતા. કોઈને મારી વાર્તાઓમાં અશ્લીલતા દેખાશે, તો કોઈને તેમાં બગાવતની બૂ પણ આવે, કોઈ તેને સ્વતંત્ર વિચારધારા કહેશે, તો કોઈએ મને બદનામ ગણાવશે. તો વળી, મારી વાર્તાઓની નાયિકાઓની ઊભરેલી છાતીઓ અને પુષ્ટ કુલ્હાઓમાં કોઈને નગ્નતા દેખાશે. પણ, હું શું કરું તેમાં? શુષ્ક લખવું મને ક્યારેય ગમ્યું નથી. મારી વાત ઉઘાડેછોગ કહેવાનો હું બંધાણી છું. મારું સ્વતંત્ર ભાવવિશ્વ છે. હા, પણ કોઈનાં ચામડા ઉતરડી લેવા હું સક્ષમ નહોતો એટલે મેં મારાં પાત્રો પાસે એ કરાવ્યું છે. ફિલ્મકારોનાં નકાબ ચિરવામાં કદાચ મને આનંદ આવતો.
 
આજે પણ દાદરીમાં કોઈ નિર્દોષ હણાય, ત્યારે મારી લાગણીઓ ઝણઝણી ઊઠે છે. નિર્ભયાકાંડ થાય, ત્યારે મને પણ કમકમાં છૂટી જાય છે. મને એમાં મારી સકીના દેખાય છે. ઠંડા પડી ગયેલા માંસ જેવો એ ઇશરસિંહ ભલે મરી પરવાર્યો, પણ ઘાટણની એ છોકરીની બૂ આજે પણ મહેસૂસ કરી શકું છું. હું અંદર ને અંદર વલોવાય રહ્યો છું. અંતરના કોઈ ખૂણેથી સતત અવાજ આવે છે, મારાં રચેલાં પાત્રો મને બોલાવે છે, એ મારો પીછો છોડવા તૈયાર નથી. મને સતત નવું સર્જન કરવા કહે છે, નવાં પાત્રો રચવા ઇજન આપે છે. આજે મારા મૃત્યુનાં 61 વર્ષ પછી હું ક્યાં વધારે વંચાઉં છું, હિન્દુસ્તાનમાં કે પાકિસ્તાનમાં? ક્યાં મને વધારે યાદ કરવામાં આવે છે, એ મને ખબર નથી, મને એની પરવા પણ નથી. કદાચ બેમાંથી કોઈ એને લાયક નથી, મારું ટોબા ટેકસિંહ તો બંને મુલ્કોની વચ્ચે છે.
 
આજે પણ હું માનું છું કે જ્યારે સંવેદનાઓ આહત થાય છે, ત્યારે જ કલમ ઉપડે છે. હું સંવેદનશીલ હતો અને છું. પણ ખબર નહીં કેમ, શું લખવું, એ ખબર નથી પડતી. શું હું રાઇટર્સ બ્લોકનો શિકાર થયો છું? મારી કલમ સાથ આપવા તૈયાર નથી કે શું? કદાચ નિવૃત્તિનું-62મું વર્ષ શરૂ થયું એટલે? પણ, ના. ખરેખર તો મને એમાં ડર લાગે છે. ક્યાંક મારી હાલત પણ એ ઉદારમતવાદીઓ જેવી કરવામાં ન આવે, એનો ડર. મારે પણ સહિષ્ણુતા-અસહિષ્ણુતાના વિવાદમાં ન ઢસડાવું પડે, તેનો ડર. મારો નિશાન-એ-ઈમ્તિયાઝનો ખિતાબ પાછો આપવો પડશે? આમ પણ, મારે કોના માટે લખવું? સેક્યુલરવાદીઓને એમાં અશ્લીલતા દેખાશે, સેન્સરને એમાં ઉઘાડાપણું લાગશે. સંસ્કૃતિના ઠેકેદારોનું નાક મચકોડાશે, શું ખબર મારા નામનો ફતવો બહાર પડી જાય! ચોક્કસ મને ડર લાગે છે. મારી કલમની, મારા લોહીની ગર્મજોશી મરી પરવારી છે, કદાચ મારી અંદરનો મંટો ખરેખર મરી પરવાર્યો છે.

(સઆદત હસન મંટો: 11 મે, 1912-18 જાન્યુઆરી, 1955)
( લખ્યા તા. 18-1-16)