Thursday, 21 July 2016

મારું ખમીર ખોવાયું છે, હું ગુજરાત



હું ગુજરાત છું. કૃષ્ણની કર્મભૂમિ અને મા અંબાના ઉતારાવાળું ગુજરાત. ભગવાન શંકર જ્યાં સૌ પહેલાં સાક્ષાત્ થયા એ સોમનાથવાળું ગુજરાત. નવલી નવરાતમાં જ્યાં સાક્ષાત્ જગજ્જનનીના બેસણાં હોય એ ગુજરાત. જ્યાંના ગરવા ગીરમાં સાવજડા સેંજણ પીવે અને દુહા રચાય જાય એ ગુજરાત. જેના નકશામાં વાઘ ગર્જના કરતો દેખાય એ ગુજરાત. આશા ભીલ, વનરાજ ચાવડા અને મૂળરાજ સોલંકીનું ગુજરાત. સિદ્ધરાજ જયસિંહ, મીનળદેવી અને મુંજાલ મહેતાએ ટકાવી રાખેલું ગુજરાત. હેમચંદ્રાચાર્યથી માંડીને બક્ષી, મુનશી અને ગુણવંતરાયનું ગુજરાત. ઉમાશંકર અને કલાપિનું ગુજરાત. ભગવતસિંહજી અને સયાજીરાવ જેવા રાજવીઓનું ગુજરાત. નર્મદનું ગુજરાત, મેઘાણીનું ગુજરાત. જ્યાંના જમણ વિના જિંદગી અધૂરી લાગે એ સુરતવાળું ગુજરાત. પાટણના પટોળા અને જામનગરની બાંધણીવાળું ગુજરાત. જ્યાં સોમનાથની કીર્તિ સાંભળીને ગઝનીનો લૂંટારો પણ આકર્ષાય એવું ગુજરાત. વીર હમીરજી ગોહિલ અને જોધાભા માણેકનું ગુજરાત. સફેદ રણવાળું કચ્છ અને એક સમયના ઇન્ડિયન માન્ચેસ્ટર અમદાવાદવાળું ગુજરાત. ગીર અને કાંકરેજી ગાયોનું ગુજરાત. નાત-જાત પૂછ્યા વિના સદાવ્રત ચલાવનાર ભોજલરામના શિષ્ય સંત જલારામનું ગુજરાત. હરિજનવાસમાં કેદારાના સૂરે ભજન ગાઈને નાત બહાર બેસનારા નરસિંહનું ગુજરાત...

મારી યશોગાથા ખૂબ લાંબી છે. જેટલી વાર મને ભંગાયું, દરેક વખતે હું વધુ નીખરીને, વધારે સબળું થઈને, વિકસ્યું અને વિસ્તર્યું છું. પણ,...


આજે મને થાય છે, મારું ખમીર ખોવાયું છે. મારું તેજ ઓસરી રહ્યું છે. સિંહની ડણક હવે સંભળાતી નથી અને ચારણકન્યાઓની વાર્તા કહેનાર કોઈ બચ્યું નથી. મારું સાર્વભૌમત્વ ટકાવી રાખવા ઇન્દુચાચાઓ હવે આંદોલનમાં નથી ઉતરતા. હરિજનોને પાસે બેસાડનાર ગાંધી અને ઠક્કરબાપા હવે અહીં નથી રહ્યા. મને રાજકીય પ્રયોગશાળા બનાવી નાખ્યું છે. હિન્દુ-મુસ્લિમ અને ‘ખામ’ના નામે વિભાજન કર્યાં પછી હવે દલિત, પાટીદાર અને સવર્ણોના નામે મારાં બાળકોને અંદરોઅંદર લડાવાય છે. ભારતને અખંડ બનાવનારા સરદારના નામે હવે અહીં મતની ભાગબટાઈ કરવામાં આવે છે. ખબર નહીં, મુંજાલ મહેતો ક્યાં મરી પરવાર્યો? મારી સંપદા લૂંટનારા ગઝની ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. રામના નામે નિર્દોષોને જીવતા ભૂંજી દેવાય છે
, બસો સળગાવાય છે અને તેના પર મતોની હોળી સળગાવી, ‘રાજકીય ચા’ પકવાય છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલન તો દૂર ગૌ ભક્તિના નામે ગરીબોનાં ચામડાં ઊતરડી લેવાય છે અને આપઘાતના નમાલાવેડાં કરનાર શહીદ કહેવાય છે. અજાણ્યા ઉતારુને જમાડવો તો દૂર, લોકો એકબીજાનાં લોહીના તરસ્યા બન્યા છે. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેનારા અમૃતલાલ શેઠ, નર્મદ કે સંઘાણી જેવા તંત્રીઓ નથી રહ્યા. વધી છે તો બસ, માત્ર જાહેરાતો પર નભતી બુઠ્ઠી કલમો. જ્યાં ‘ન શમે વેર વેરથી’ અને ‘અહિંસા’ના ઉપદેશ અપાતા, ત્યાં હવે ‘આંખના બદલે આંખ’ અને ચામડાના બદલે ચામડું ઉતરડવા માટે જીભ કચરાય છે.
 
કારણ, મારા એ ખમીરવંતા ગુજરાતીઓ ખોવાયા છે. હું ગુજરાત, મારું ખમીર ખોવાયું છે.


WA : +91 98 98 216 516
Email : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Wednesday, 6 July 2016

કિસ ઑફ લવ- કિસ ઑફ જોય 
થોડા દિવસ પહેલાં એક જાહેર કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાને એક મહિલા કાર્યકરે ગાલ કિસ કરી અને જબરો વિવાદ સર્જાઈ ગયો. ગયા વર્ષે આ જ પ્રકારે એક  જાહેર સમારંભમાં દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ એમના જમાનાની જાણીતી એક્ટ્રેસ અને ગાયક કલાકાર સ્વ. કિશોર કુમારની પત્ની લીના ચંદાવરકરને જાહેરમાં કિસ કરી હતી. એ પહેલાં જેઠમલાણી દાદા તેમના જન્મદિને ઇન્ડિયન હિમેન ધર્મેન્દ્રને પણ લિપ કિસ કરી ચૂક્યા છે.

ઍન્જેલિના જોલી, મેરિલીન મનરો કે કેટરિના કૈફ. આ માનુનીઓનો ચહેરો યાદ કરતાં જ સૌ પહેલા આપણું ધ્યાન તેમના ભરાવદાર અને સ-રસ અધર યાને હોઠ પર જ જાય. અને યાર, નેચરલી જ યુવાનોને ‘જીયરા મચલ મચલ જાયેં’ જેવી ફીલિંગ થઈ આવે અને મગજમાંથી એકસામટાં સેરોટોનિન, ડોપામાઇન અને ઓક્સિટોસીન જેવાં ફીલગુડ કેમિકલ્સ ઝરવાં લાગે. ઍન્ડ ઑફ કોર્સ કેટલીક યુવતીઓને તેમની થોડી ઇર્ષ્યા પણ આવે.


કોઈ પણ સ્ત્રીના ચહેરામાં તેના મારકણાં નયનાક્ષ પછીનું મોસ્ટ અપીલિંગ અંગ હોય છે, તેના રસ ભરપૂર હોઠ. તમને થશે, આ એકાએક મારી દૃષ્ટિ રમણીઓના ‘અધર’ પર કેમ અટકી ગઈ? શું કરે દોસ્તો, ટોપિક જ કંઈક એવો છે. એક્ચ્યુઅલી, છઠ્ઠી જુલાઈ એટલે  ‘આંતરરાષ્ટ્રીય કિસ ડે’, તો સ્વાભાવિક જ માદક ઓષ્ઠનું સ્મરણ થઈ આવ્યું.


પર ક્યા કરે? કિસ યાને ચુંબનનો ઉદ્ભવ ભારતમાં થયો હોવા છતાં ‘કિસ’ કા કિસ્સા સુનાને મેં ભી સંસ્કૃતિ અને સમાજના ઠેકેદારો કી નાક બિચ મેં આ જાતી હૈ. તો છો ને આવતું. અરે સાહેબ, એમને કોણ સમજાવે કે આપણો વાત્સ્યાયન પણ કિસ યાને ચુંબનનો કંઈ જેવો તેવો આશિક નહોતો. અને ઓછું હોય, તો પ્રાચીન શિલ્પકૃતિઓ જોઈ લો. ખાપ પંચાયતોની દખલગીરીવાળા જમાનામાં આજે પણ સમાજનો એક મોટો વર્ગ જાહેરમાં ‘કિસ’ શબ્દ બોલવામાં પણ છોછ અનુભવે છે. જોકે, મોરલ પોલિસિંગની સામે કિસ જિહાદીઓ ‘કિસ ઑફ લવ’ના નામે મેદાને પડીને જેલમાં પણ જાય છે. સવાલ જ નથી ને, ભારતમાં જાહેરમાં કિસ કરવી એ અપરાધ જ છે ને? 1980માં પદ્મિની કોલ્હાપુરે પ્રિન્સ ચાર્લ્સને ગાલ પર કિસ કરે, તો વિશ્વના અખબારોમાં ભારત વૈચારિક રીતે ઉદાર બની રહ્યાનું છપાઈ છે, પણ 1993માં શબાના આઝમી નેલ્સન મંડેલાને ગાલ પર ચુંબન આપે, તો ભારતમાં તેની ટીકા થાય છે. કેવો વિરોધાભાસ?!


આજે બોલિવૂડની ફિલ્મોમાં ભલે કિસિંગ સીન સામાન્ય હોય, પરંતુ થર્ટીસના જમાનામાં જ્યારે સ્ત્રીઓ ફિલ્મમાં કામ કરે એ પણ હીણપતભર્યું ગણાતું, ત્યારે શ્યામા, નીના અને નાદિયા જેવી અદાકારાઓ બિનધાસ્ત કિસિંગ સીન આપતી. અરે હિમાંશુ રાય અને દેવિકારાણીએ 1933માં આવેલી ફિલ્મ ‘કર્મ’માં આપેલા લિપલોકને હિન્દી સિનેમાની સૌથી લાંબી અને કામોત્તેજક કિસ માનવામાં આવે છે. વિશ્વના રસિક યુવાનો મેરેથોન જેવી ‘કિસેથોન’ પણ યોજે છે. બે વર્ષ પહેલાં યોજાયેલી આવી જ એક કિસેથોનમાં બેંગકોકના યુગલે 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડની લાંબી કિસ કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો.


અમેરિકામાં કરવામાં આવેલા ‘કિસ એન્ડ ટેલ’ સર્વેમાં 22 ટકા લોકોએ એકરાર કર્યો કે તેઓ 13-14 વર્ષની ઉંમરે જ પ્રથમ કિસ કરી ચૂક્યા છે. 10 ટકા અમેરિકનો તો કિસમાં પણ વેરાયટી ઝંખે છે. બીજી તરફ, આફ્રિકાના સુદાનના લોકો કિસને વર્જ્ય ગણે છે. હવે તો કિસ પર અભ્યાસ કરનારો ‘ફિલેમેટોલોજિસ્ટ’ નામે વિજ્ઞાનીઓનો અલગ વર્ગ પણ ઊભો થયો છે. સંશોધનો મુજબ સરેરાશ વ્યક્તિ જિંદગીની 20 હજાર મિનિટ ચુંબન કરવા પાછળ ખર્ચે છે અને કિસ કરવાથી બ્લડ પ્રેશર, દાંતના રોગ, હાઈ કેલરી, હાર્ટ પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે. ચહેરો ખીલેલો રહે છે અને ઇમ્યુનિટી પાવર પણ વધે છે.


જોકે, કિસનો મતલબ માત્ર સ્ત્રી-પુરુષ યુગલ વચ્ચે થતી તસતસતી ફ્રેન્ચ કિસ એવો જરા પણ નહીં. એકબીજાંનાં નાક અડકાવીને થતી એસ્કિમો કિસ, ચહેરો પાસપાસે લાવીને માત્ર હવાના માધ્યમથી અપાતી વેક્યુમ કિસ કે પ્રિય પાત્ર સામે આંખો પટપટાવીને અપાતી બટરફ્લાય કિસ પણ કિસ જ છે. શાસ્ત્રોમાં કિસના આવા વિવિધ 16થી પણ વધારે પ્રકાર દર્શાવ્યા છે. પરંતુ સંસ્કારવાદી હોવાનો ડોળ કરતાં આપણા સમાજના જ કેટલાક લોકોએ કિસને અશ્લીલતાની યાદીમાં મૂકી દીધી છે. ખરેખર અશ્લીલતાની વ્યાખ્યા કઈ? પ્રથમ વખત શાળાએથી કે પ્લે હાઉસથી પરત ફરીને માતાના બાહુપાશમાં સમાઇ જતું બાળક એકાએક વર્ષો પછી માતાને ફરીથી મળ્યું હોય એવી લાગણી સાથે માતાને પપ્પી કરે કે માતા તેના કપાળે ચુમ્મી લે, તો એમાં અશ્લીલતા દેખાય કે પ્રેમ?


એનીવે, મુદ્દો એ છે કે માતા દ્વારા બાળકના માથા પર અપાતી ચુમ્મી, પુત્ર દ્વારા માતાના કે પુત્રી દ્વારા પિતાના ગાલ પર અપાતી પપ્પી કે સ્વીટ સિક્સટીનની મુગ્ધાવસ્થામાં પ્રિયપાત્ર સાથે લેવાયેલું પ્રથમ ચુંબન, પ્રકાર કે પરિસ્થિતિ ભલે અલગ અલગ હોય, પરંતુ તેમાંથી પ્રેરિત થતો એકમાત્ર સંદેશો છે પ્રેમ, નિતાંત પ્રેમ. વર્લ્ડકપ વિજેતા ખેલાડી તેની ટ્રોફીને કે એક્ટર તેના એવૉર્ડને ચૂમે એ પણ પ્રેમ જ છે. કિસ એ ઇજન છે પ્રેમ દર્શાવવાનું અને પોતાના પ્રિયને પ્રેમરૂપી ચુંબનોથી નવડાવી દેવાનું.


ખેર, માદક વરસાદી વાતાવરણનો પ્રારંભ થવાની રાહ જોતાં લવી-ડવી પ્રેમપંથીઓને મારી તરફથી એક ફ્લાઇંગ કિસ. ;)


પિંચિંગ થોટ:
અષાઢ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રેમવિરહમાં ઝૂરતો યક્ષ પોતાની પ્રેયસીને વાદળો દ્વારા સંદેશો મોકલે છે. પત્ર દ્વારા પ્રેમની અનુભૂતિ અને ચુંબનો મોકલતો આવો જ એક પત્ર :
વહાલી દેવડી,
હેતભર્યા કાગળો મળ્યા. આપણી ઓસરીમાં ઝરમરતો ચન્દ્રમાં અને તે કરી રાખેલી પથારી એવી નાનકડી વાતમાં પણ હું કવિ છતાં નવીન પ્રાણ નિહાળી રહ્યો છું. પહેલીવાર આપણા લગ્નજીવનમાં કાવ્યની સરવાણી ફૂટતી લાગે છે. તારામાં ઊંડાં ઊંડાં સ્નેહગાન સંઘરાયાં છે. આજે આટલું જ, વહાલી! કાલે વળી લખીશ. તું નિરાંતે નિદ્રા કરજે. એવો કાળ ચાલ્યો આવે છે કે જ્યારે હું અને તું બે જ એકબીજાંના આધાર બનીશું.

‘લિ. ઝવેરચંદનાં ઘણાં ચુંબન.’


WA : +91 98 98 216 516
Email : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Tuesday, 5 July 2016

ઈસ્લામ ઝંખે છે, પ્રહલાદને 

ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. તે ચોસઠ કળાઓના સ્વામી અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન, બધું જ જાણનાર હતા. જીવનમાં આવી સંપૂર્ણતાની પ્રાપ્તિ કોને ન ગમે? પરંતુ બધું જાણ્યા બાદ એ બધું જ જોવું અને જીરવવું કૃષ્ણ માટે કદાચ સૌથી વધુ દુ:ખદાયક હતું. મતબલ, ભયંકર દુ:ખ અને ગ્લાનિ લાવતી સંપૂર્ણતા કરતાં અપૂર્ણતાનો આનંદ અનેરો છે, જે ક્યારેય સંપૂર્ણતામાંથી ન મળે. આવી અપૂર્ણતા જ કંઈક નવું કરવાની પ્રેરણા આપે છે. પૂર્ણતા પામ્યા પછી કરવાનું શું? કંઈ નહીં!
  

એક તરફ, ઇરફાન ખાનનો વિવાદ અને તેની સામેના ફતવાની ચર્ચાઓ શમી નથી, ત્યાં રમઝાન દરમિયાન ઓલેન્ડો, બાંગ્લાદેશ, બગદાદ બાદ હવે એક જ દિવસમાં સઉદી અરબમાં ત્રણ આતંકી હુમલા થાય છે. ઇસ્લામના પ્રસારક પયગંબર સાહેબની મસ્જિદને પણ આતંકીઓ છોડતા નથી. યાદ રહે, આ તમામ શહેરો મુસ્લિમ વસ્તીવાળા છે. તેમાંય મદિના તો મક્કા પછીનું બીજા ક્રમનું સૌથી મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે.

અલબત્ત, આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી, પણ આ બધું થાય છે, જિહાદના નામે. અને તેથી જ આ આતંકીઓ જિહાદ અને મુજાહીદ્દીન શબ્દોના વાસ્તવિક અર્થનું અવમૂલ્યન કરી રહ્યા છે, તેને બદનામ કરી રહ્યા છે, પણ શું ખરેખર ઇસ્લામ આત્મઘાતની છૂટ આપે છે? હુમલાખોરો કદાચ નહીં જાણતા હોય કે આવા આત્મઘાતને કુરાનમાં પાપ ગણવામાં આવ્યું છે અને તેનાથી જન્નત નથી મળતી, પરંતુ અતિધર્માંધતામાં ગળાડૂબ આતંકીઓ જિહાદ અને મુજાહીદ્દીન જેવા પાક શબ્દોને પણ અપવિત્રતાનું ગ્રહણ લગાડી રહ્યા છે. છતાં, ઇરફાનને ઠમઠોરનારાઓનાં લોહી જાણે ઠંડા પડી ગયાં છે!


વિશ્વ સમસ્તમાં જિહાદના નામે નીકળી પડેલા આતંકીઓ પોતાને મુજાહીદ્દીન ગણાવી રહ્યા છે, પરંતુ તેમનો મૂળ હેતુ તો વિશ્વ સમસ્તમાં ‘પોતાની’ ઇસ્લામિક સંપૂર્ણતા સ્થાપિત કરવાનો જ છે. સ્વાભાવિક વાત છે કે દિવસમાં એક વખતના પરમાત્માના અનુષ્ઠાન કરતાં પાંચ વખતનું અનુષ્ઠાન અતિધાર્મિકતાનું પ્રેરક બની શકે અને તેમાંય જો અંધશ્રદ્ધા ભળે, તો એ કટ્ટરતાનું કારક બની શકે છે. (અલબત્ત, આતંકીઓ  તો અલ્લાહનું નામ વટાવી જાણે, પ્રાર્થના તો શાયદ તેમના માટે દૂરની વાત ગણાય!) 


મૂળ અરેબિક શબ્દ જ’હાદ, જે પાછળથી જિહાદ તરીકે ઓળખાયો, તેનો કુરાનમાં અર્થ કરવામાં આવ્યો છે, ‘Striving with one's self and one's money, in cause of God.' મતલબ, ‘ઈશ્વરીય કાર્ય માટે જાતનું અને ખુદનાં નાણાંનું સમર્પણ.’ આવી જિહાદ કરનાર વ્યક્તિ એટલે મુજાહીદ્દીન. આનો અર્થ એવો જરા પણ નહીં કે, આત્મહત્યા કરવી કે બીજાઓનો ભોગ લેવો.


કુરાનની અયાતોમાં કુલ 164 વખત જિહાદનો મર્મ સમજાવાયો છે. 11મી સદીમાં લખાયેલા ‘હિસ્ટ્રી ઑફ બગદાદ’ નામના ગ્રંથમાં અલ-ખતિબ-અલ-બગદાદી જિહાદના બે પ્રકાર ગણાવે છે. અલ-જિહાદ-અલ-અસગર એટલે કે ધર્મ અને અન્યાય માટે લડવું અને બીજું, અલ-જિહાદ-અલ-અકબર એટલે કે, ખુદની અંદર રહેલા સેતાનને મારવો. તેમાંય અલ-જિહાદ-અલ-અકબરને વધુ મહત્ત્વ અપાયું છે.


ઇસ્લામિક વિદ્વાન મજિદ ખદ્દુરીના મતે આંતરિક સેતાન પર કાબૂ કરવા ઉપરાંત સત્ય બોલવું (જિહાદ બિલ લિસન), સત્કર્મ કરવાં (જિહાદ બિલ યદ) અને ઇશ્વરની રાહ પર ચાલવું (જિહાદ બિલ સૈફ) સાચા અર્થમાં જિહાદ છે. આ ઉપરાંત, અભ્યાસ માટે જિહાદ-અલ-તરબિયાહ અને જિહાદ-અલ-દાવા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ જિહાદ પણ વાસ્તવિક અર્થમાં જિહાદ જ છે.


પરંતુ અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવાં આતંકી સંગઠનોના ઉદય બાદ જિહાદનો અર્થ બદલાઈ ગયો છે અને પરિણામે હવે જિહાદ-અલ-નિકાહ અને લવ જિહાદ જેવાં જિહાદનાં વરવાં રૂપો અસ્તિત્વમાં આવ્યાં છે. આઈએસના અાતંકીઓના દૈહિક મનોરંજન માટે ઑગસ્ટ, 2014માં ત્રણ પશ્ચિમી છોકરીઓ જિહાદ-અલ-નિકાહના નામે ગઈ હતી.


આજે મોટા ભાગનાં મુસ્લિમરાષ્ટ્રોમાં અરાજકતા વ્યાપેલી છે. જેનું ઉદાહરણ અફઘાનિસ્તાનમાં આખી દુનિયાએ જોયું અને હવે આર્થિકસ્રોત જેવા સઉદી અરબને આતંકીઓ ધ્રુજાવી રહ્યા છે. અમેરિકા અને રશિયાએ પોષેલા આતંકીઓ તેમની જ સામે બાંયો ચઢાવે છે અને નવાં નવાં આતંકી સંગઠનો ફૂટી રહ્યાં છે. માત્ર પાકિસ્તાનમાં જ આવાં 12 સ્થાનિક, 48 આંતરરાષ્ટ્રીય સહિતનાં આતંકી સંગઠનોએ રાફડો બનાવ્યો છે અને ઊધઈની જેમ તેને અંદરથી કોરી રહ્યાં છે. ‘ભારતમાં જિહાદ’ માટે પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના નુમાઇન્દાઓ ખુલ્લેઆમ ઉઘરાણાં કરી રહ્યા છે.


...હવે, ધારો કે જે જિહાદના નામે વિશ્વસમસ્તમાં ઇસ્લામની સત્તા સ્થાપવા આ આતંકીઓ નીકળી પડ્યા છે, એ સત્તા સ્થપાઈ ગઈ પછી શું? માની લઈએ કે સમગ્ર વિશ્વમાં ‘આતંકીઓનો ઇસ્લામ’, રિપીટ, ‘આતંકીઓનો ઇસ્લામ’ સ્થપાઈ ગયો, પછી..?


પછી તેમાં ધાર્મિક સત્તા મેળવવાની હોડ જામે, નેતા બનવાની હરીફાઈ થાય. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં એક મુદ્દો ‘અસ્તિત્વ માટેના જીવનસંઘર્ષ’નો છે. વિશ્વ સમસ્તની સત્તા કોને ન ગમે? મધ્યકાલીન યુરોપમાં થયેલાં ક્રુસેડ્સ યાને ધર્મયુદ્ધો આંતરિક જ હતાં. શાયદ અહીં પણ આંતરિક વિગ્રહો ફાટી નીકળે...


પછી પરિણામ..?


ઇતિહાસ સાક્ષી છે કે સત્તા માટે થયેલાં ભીષણ યુદ્ધો ભયંકર વિનાશ વેરનારાં હોય છે અને આવા યુદ્ધ પછીની શાંતિ હૃદયને કોરી ખાનારી હોય છે. મહાભારતથી માંડી કલિંગ સુધીનાં યુદ્ધો અને અર્જુનથી માંડી અશોક કે સિકંદર સુધીના સમ્રાટોના દાખલા આપણી સામે છે. તેમણે હાંસલ કરેલી જીતનો આનંદ વહેંચવા માટે તેમનાં પોતીકાં પણ ઘણાં દૂર રહી ગયાં હોય છે.


આ સિવાયની એક અન્ય શક્યતા...


અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 12 વર્ષ યુદ્ધ કર્યું. તાલિબાન હજી પણ છે. ઊલટાં, ઇસ્લામિક સંગઠન અને જમાત-ઉદ-દાવા કે તહેરિક-એ-ઇસ્લામ જેવાં અનેક આતંકી સંગઠનો ફૂટી નીકળ્યાં છે. પ્રહલાદ હંમેશાં દાનવકુળમાં જ જન્મ્યો છે. આવા વૈચારિક પ્રહલાદોની આજે ઇસ્લામને પણ જરૂર છે. હા, વૈચારિક એટલા માટે કે તે અલ્લાહના પ્રત્યેક બંદાના મનમાં જન્મે. આવા પ્રહલાદો જ આતંકરૂપી હિરણ્યકશ્યપને નાથવા માટે કારણભૂત બની શકે તેમ છે. અને જો ખુદ ઇસ્લામ અને મુસ્લિમો આતંકવાદરૂપી આ દાનવ સામે જિહાદ નહીં ચલાવે, તો બીજા કોઈની તેને ડામવાની તાકાત પણ નથી જ નથી...


પિંચિંગ થૉટ : આત્મહત્યા કરનારે કુદરતી ક્રમ કરતાં વહેલી જિંદગી ટૂંકાવી નાખી ગણાય, તેથી હું (અલ્લાહ) તેના જન્નતમાં પ્રવેશ પર પાબંદી લગાવું છું.
(Sahih Bukhari, vol-2, book-23, Hadith-445)


WA : +91 98 98 216 516
E-mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia

Monday, 4 July 2016

મન સે રાવણ જો નિકાલે, રામ તેરે મન મેં હૈ


રામ-રાવણ વચ્ચેનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું. રાવણની નાભિમાં તીર લાગ્યું. તેની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યારે રામે લક્ષ્મણને રાવણ પાસે જઈને રાજનીતિનું જ્ઞાન લેવા કહ્યું. મહાપંડિત રાવણના જ્ઞાનથી અજાણ લક્ષ્મણે રાવણના માથા પાસે બેસીને તેને નીતિ શીખવવા કહ્યું. બીજી જ ક્ષણે રામ આવ્યા અને રાવણના પગ પાસે બેસી તેને વંદન કરીને નીતિશાસ્ત્રની શિક્ષા આપવા વિનંતી કરી. રાવણે એક વાક્યમાં કહ્યું કે, ‘સામ-દામ-ભેદ-દંડ, નીતિનાં આ ચાર પાસાંનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરનાર જ સાચો રાજનીતિજ્ઞ.’ આટલું કહીને લક્ષ્મણને શિખામણ આપી કે જ્ઞાન મેળવવું હોય, તો ગુરુનાં ચરણોમાં બેસીને યાચના કરવી જોઈએ, માથા પર બેસીને જ્ઞાન ન મેળવાય!



તમે ક્યારેય બ્રહ્માંડ જોયું છે? અંતરીક્ષ? જ્યાં કંઈ નથી, સિવાય કે અંધારું. ઑકે... શાંતિથી સૂઈ જાઓ, આંખો બંધ કરી દો. હવે, માની લો કે તમારી આસપાસ ચોમેર અંધારું છે. માત્ર કાળું, ઘાટું, ઘેરું, ગાઢ, કોલસાની કાળી મેશ જેવું અંધારું. જ્યાં કંઈ દેખાતું નથી. માત્ર ને માત્ર અંધકાર છે. તમે ઊંડે ને ઊંડે ધકેલાતા જાઓ છો, અફાટ પાતાળના ઊંડાણમાં, જ્યાં સૂર્યનું એક કિરણ પણ પહોંચી શકે તેમ નથી. તમે હાથ ફેલાવતા પણ ડરો છો કે ક્યાંક તમારો હાથ કોઈ મજબૂત દીવાલ સાથે અથડાઈ ન જાય. એ નક્કી તમારા માટે મુશ્કેલ છે કે તમે હવામાં અધ્ધર લટકો છો, કે ક્યાંક પુરાયેલા છો. તમારો શ્વાસ રૂંધાય છે. તમારી સામે બે જ વસ્તુઓ છે, કાળુંડિબાંગ અંધારુ અને બીજો છે ડર.


******

છેલ્લા થોડા દિવસથી રાજકોટવાસીઓ માટે ભયનો પર્યાય બનેલો પથ્થરમાર ખૂની આખરે ઝડપાઈ ગયો. મૃતકો સાથે, કે મૃતદેહો સાથે તેણે પોતાની શારીરિક વિકૃતિ સંતોષી હોવાની વાત જાહેર છે. હવે, થોડા દિવસ તેના પર ચર્ચા ચાલશે. ‘સ્ટોનમેન મર્ડર્સ’ ફિલ્મની વાતો થશે. તેની માનસિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે, વગેરે... વગેરે...

આપણા મતે દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. સારા અથવા ખરાબ, સજ્જન અથવા દુર્જન, કાં તેનામાં દૈવત હોય, કાં દાનવત્વ. કાં તેનામાં રામ હોય કે રાવણ હોય. અને સારા-ખરાબ, સજ્જન-દુર્જન, દેવ-દાનવ વચ્ચેનું આ યુદ્ધ સતત ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે...

પણ ક્યાં? પૃથ્વી પર? આકાશમાં? ઇહલોકમાં? પરલોકમાં? ચૂંટણીના રાજકીય મંચ પર? સંસદગૃહમાં? તમારા ઘરમાં? ઑફિસમાં? કે પછી તમારા મનમાં?

એક સામાન્ય દાખલો લો. તમારા કાર્યસ્થળે તમારો સહકર્મચારી બૉસની ચાપલૂસી કરીને કે તમારી ખોટી કૂથલી કરીને તમારા કરતાં આગળ નીકળી જાય, તમને ઑફિસ પોલિટિક્સનો શિકાર બનાવે, ભ્રષ્ટાચાર કરે છે, તો તમને તેના પર ગુસ્સો આવે કે નહીં? જોર જોરથી ચીસો નાખીને તેની વાસ્તવિકતા બધાની સામે લાવવાની મરજી થાય છે કે નહીં? અને ક્યારેક તેનું ગળું દબાવી દેવાની ઇચ્છા જોર કરી આવે છે કે નહીં? છતાં તમે એવું નથી કરી શકતા, એનો પણ ગુસ્સો હોય. તો તમે એની જેમ નથી વર્તી શકતા, એની ઇર્ષા પણ હોય. અને પરિણામ આવે છે, સારા-ખરાબ, રામ-રાવણ વચ્ચેના દ્વંદ્વમાં. તમારા મનમાં આંતરવિગ્રહ ફાટી નીકળે છે. તમારી પાસે બે જ વિકલ્પ છે, જેવા સાથે તેવા થવાનું કે પછી દુશ્મનને સજા આપવાનું કામ ભગવાન પર છોડી દેવાનું!

જીસને પાપ ના કિયા હો, વો પહલા પથ્થર મારે

નિર્લેપ અને નિષ્કામ એવા પૂર્ણ પુરુષોત્તમ સિવાય ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે, જે રાગ-દ્વેષ જેવી ભાવનાઓથી અલિપ્ત રહી શકી હોય. બાય ધ વે, તમે કેવા છો? તમારા મનમાં કોણ વસે છે? રામ કે રાવણ? ઓબ્વિયસલી, તમારો જવાબ હશે, રામ! કારણ? આપણે રામાયણને હંમેશાં રામના દૃષ્ટિકોણથી મૂલવીએ છીએ. મહાભારતનો દુર્યોધન હંમેશાં આપણા માટે વિલન છે, પોતાના પિતા સમાન ધૃતરાષ્ટ્રને ‘અંધ’ કહીને મશ્કરી કરનાર દ્રૌપદી કે પત્નીને જુગારમાં મૂકનાર યુધિષ્ઠિરને આપણે નિષ્પક્ષતાથી મૂલવી નથી શકતા. અને એટલે જ આપણને સત્ય હંમેશાં આપણા પક્ષે લાગે છે અને સામેની વ્યક્તિ જ દોષિત લાગે છે.

પણ, શું તમે રાવણને ઓળખો છો? તમે ક્યારેય દુર્યોધનને ઓળખ્યો? કે શકુનિ? કે પછી ખુદ રામને ઓળખો છો?

રામ અને રાવણ : અવિભાજિત વ્યક્તિત્વ

ખરેખર સત્ય શું છે? બે ભાઈઓની લડાઈમાં દગાથી એકનો વધ કરવો યોગ્ય હતો? પત્નીને ભૌતિક વસ્તુ ગણવી અને તેની અગ્નિપરીક્ષા લેવી એ આદર્શ ગણાશે? એક વ્યક્તિએ ઉપજાવી કાઢેલી વાત માટે થઈને સગર્ભા પત્નીનો ત્યાગ કરવો કેટલી હદે ઉચિત છે? શું તમે ક્યારેય કોઈનું બૂરું નથી વિચાર્યું? ખરેખર તો, રામ અને રાવણ આપણા જ મનમાં છે અને બંનેનું અસ્તિત્વ એકબીજા પર જ આધારિત છે. રાવણ વિના રામનું મહત્ત્વ જ ન આંકી શકાય. રાવણ આપણને સારું જોતા અટકાવે છે, જ્યારે રામ તમને સત્કર્મ તરફ દોરી જાય છે. ભગવાન શિવની અપ્રતીમ ભક્તિ કરવી અને શિવતાંડવની રચના કરવી એ રાવણમાં રહેલું ‘રામત્વ’ ગણીએ, તો દગો કરવો કે સગર્ભા પત્નીનો ત્યાગ કરવો એને શું કહેશો?!

અને, જ્યારે તમારા મનમાં રહેલો આ રાવણ તમારા પર હાવી થઈ જાય, ત્યારે તમે પાપની ઊંડી ગર્તામાં ધકેલાઈ જાઓ છો. પણ, ખરેખર પાપ શું છે? કૃષ્ણ ગીતામાં નિષ્કામ કર્મની વાત કરે છે પણ, આપણે નક્કામી અને ક્ષુલ્લક વાતોને બીજા હાથે મૂકેલી અગત્યની વસ્તુની જેમ ભૂલી શકતા નથી. એને વાગોળી વાગોળીને કર્મ બનાવીએ છીએ અને અહમ્ અને મદને વશ થઈ તેને પાપમાં પરિવર્તિત કરીએ છીએ. વિષયકામનાની મનોવિકૃતિ માણસને બળાત્કારી અને ખૂની બનાવે છે. રાજકોટનો સ્ટોન કિલર કદાચ આવી જ કોઈ મનોવિકૃતિનો શિકાર હોય શકે. એ મનોચિકિત્સકો માટે શોધનો વિષય ગણાય.

રાવણને રામ મળે, તો રામાયણ રચાઈ જાય

તો આનો ઉપાય શું? શું આમ જ ગોળ-ગોળ વાતો અને ચર્ચા કર્યે રાખવાનાં? શૂન્યમાંથી શરૂ કરી શૂન્યમાં જ સમાવી દેવાનું?
કદાચ રમણ પાસે આનો ઉપાય છે. તે નઘરોળ હત્યારો છે, જઘન્યતાપૂર્વક કોઈનું કાસળ કાઢવું તેના માટે રમત વાત છે, ફૂલ જેવા કુમળા બાળકનું માથું છૂંદી નાખતા એ અચકાતો નથી કે તેનું હૃદય થડકારો નથી અનુભવતું. સદંતર લાગણીશૂન્ય છે એ. શું તે મનોરોગી છે? કદાચ હા. પણ, તેને તો રાઘવ પ્રત્યે પ્રેમ છે, અગાધ પ્રેમ. જેને પામવા એ તલપાપડ છે. રાઘવના પાપ પોતે સ્વીકારે છે. છતાં, તે નિષ્કામ છે. એને ખબર છે, એ શું કરે છે? સમાજ જેને દુષ્કૃત્ય કહે છે, એેને તે કુદરતનો ન્યાય ગણાવે છે. ધર્મ કહો કે પ્રેમ, એની ફિલસૂફી  વધુ ઉદાત્ત છે. આ છે રમણની નિર્લેપતા, કે પાષણતા?! પોતાનું સત્ય તે રાઘવને પણ સમજાવવા મથે છે અને શરૂ થાય છે, વધુ એક ખૂની ખેલ!


******

હવે, ફરીથી અંધકારની મૂળ વાત પર પાછા ફરીએ. આટલી વિષમ પરિસ્થિતિમાં પણ ધ્યાનથી જુઓ, તો અગાઢ સમુદ્રના એ પેટાળમાં દેખાતા સૂર્યકિરણ જેવો, અંતરીક્ષના અંધકારમાં દૂર ટમટમતા નાના તારલા જેવો, સાવ ઝીણો એક પ્રકાશ ઝબકતો રહે છે. આ પ્રકાશ શેનો છે? ન સમજ્યા? આ તમારો ખુદનો પ્રકાશ છે, તમારા અંતરનો પ્રકાશ, તમારી ખુદની ઑરા. જે સતત તમારું દિશાદર્શન કરે છે. જે આ પ્રકાશને ઓળખી લે છે એ નિષ્કામ સંત બની જાય છે અને નથી ઓળખી શકતા એ બની જાય છે, રાઘવ.

મન સે રાવણ જો નિકાલે, રામ તેરે મન મેં હૈ.

રામ કહો કે રાવણ, બંને તમારા જ મનમાં છે. જેમના વચ્ચેનો દ્વંદ્વ સતત ચાલતો જ રહે છે અને નિરંતર ચાલતો જ રહેશે.

પિચિંગ થૉટ : રાવણને જો રામ મળી જાય, તો રામાયણ રચાઈ જાય અને રાઘવ પર જો રમણ હાવી થઈ જાય તો બની જાય, રમન રાઘવ-2.0.
©અમિત રાડિયા
------------------------------------------------------------------------------
WA: +91 98 98 216 516
E-mail: amit.radia99@gmail.com
Twitter: Amit_Radia

(ઑફ કોર્સ, આ 'રમણ રાઘવ' ફિલ્મનો રિવ્યૂ નથી, પણ ફિલ્મ જોયા પછીના પ્રથમ વિચારો છે.)