Showing posts with label #amit #radia #અમિતરાડિયા #RamanRaghav2.0 #Ram #Ravan #Ramayan #Stonkiller. Show all posts
Showing posts with label #amit #radia #અમિતરાડિયા #RamanRaghav2.0 #Ram #Ravan #Ramayan #Stonkiller. Show all posts

Monday, 4 July 2016

મન સે રાવણ જો નિકાલે, રામ તેરે મન મેં હૈ


રામ-રાવણ વચ્ચેનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું. રાવણની નાભિમાં તીર લાગ્યું. તેની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યારે રામે લક્ષ્મણને રાવણ પાસે જઈને રાજનીતિનું જ્ઞાન લેવા કહ્યું. મહાપંડિત રાવણના જ્ઞાનથી અજાણ લક્ષ્મણે રાવણના માથા પાસે બેસીને તેને નીતિ શીખવવા કહ્યું. બીજી જ ક્ષણે રામ આવ્યા અને રાવણના પગ પાસે બેસી તેને વંદન કરીને નીતિશાસ્ત્રની શિક્ષા આપવા વિનંતી કરી. રાવણે એક વાક્યમાં કહ્યું કે, ‘સામ-દામ-ભેદ-દંડ, નીતિનાં આ ચાર પાસાંનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરનાર જ સાચો રાજનીતિજ્ઞ.’ આટલું કહીને લક્ષ્મણને શિખામણ આપી કે જ્ઞાન મેળવવું હોય, તો ગુરુનાં ચરણોમાં બેસીને યાચના કરવી જોઈએ, માથા પર બેસીને જ્ઞાન ન મેળવાય!



તમે ક્યારેય બ્રહ્માંડ જોયું છે? અંતરીક્ષ? જ્યાં કંઈ નથી, સિવાય કે અંધારું. ઑકે... શાંતિથી સૂઈ જાઓ, આંખો બંધ કરી દો. હવે, માની લો કે તમારી આસપાસ ચોમેર અંધારું છે. માત્ર કાળું, ઘાટું, ઘેરું, ગાઢ, કોલસાની કાળી મેશ જેવું અંધારું. જ્યાં કંઈ દેખાતું નથી. માત્ર ને માત્ર અંધકાર છે. તમે ઊંડે ને ઊંડે ધકેલાતા જાઓ છો, અફાટ પાતાળના ઊંડાણમાં, જ્યાં સૂર્યનું એક કિરણ પણ પહોંચી શકે તેમ નથી. તમે હાથ ફેલાવતા પણ ડરો છો કે ક્યાંક તમારો હાથ કોઈ મજબૂત દીવાલ સાથે અથડાઈ ન જાય. એ નક્કી તમારા માટે મુશ્કેલ છે કે તમે હવામાં અધ્ધર લટકો છો, કે ક્યાંક પુરાયેલા છો. તમારો શ્વાસ રૂંધાય છે. તમારી સામે બે જ વસ્તુઓ છે, કાળુંડિબાંગ અંધારુ અને બીજો છે ડર.


******

છેલ્લા થોડા દિવસથી રાજકોટવાસીઓ માટે ભયનો પર્યાય બનેલો પથ્થરમાર ખૂની આખરે ઝડપાઈ ગયો. મૃતકો સાથે, કે મૃતદેહો સાથે તેણે પોતાની શારીરિક વિકૃતિ સંતોષી હોવાની વાત જાહેર છે. હવે, થોડા દિવસ તેના પર ચર્ચા ચાલશે. ‘સ્ટોનમેન મર્ડર્સ’ ફિલ્મની વાતો થશે. તેની માનસિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે, વગેરે... વગેરે...

આપણા મતે દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. સારા અથવા ખરાબ, સજ્જન અથવા દુર્જન, કાં તેનામાં દૈવત હોય, કાં દાનવત્વ. કાં તેનામાં રામ હોય કે રાવણ હોય. અને સારા-ખરાબ, સજ્જન-દુર્જન, દેવ-દાનવ વચ્ચેનું આ યુદ્ધ સતત ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે...

પણ ક્યાં? પૃથ્વી પર? આકાશમાં? ઇહલોકમાં? પરલોકમાં? ચૂંટણીના રાજકીય મંચ પર? સંસદગૃહમાં? તમારા ઘરમાં? ઑફિસમાં? કે પછી તમારા મનમાં?

એક સામાન્ય દાખલો લો. તમારા કાર્યસ્થળે તમારો સહકર્મચારી બૉસની ચાપલૂસી કરીને કે તમારી ખોટી કૂથલી કરીને તમારા કરતાં આગળ નીકળી જાય, તમને ઑફિસ પોલિટિક્સનો શિકાર બનાવે, ભ્રષ્ટાચાર કરે છે, તો તમને તેના પર ગુસ્સો આવે કે નહીં? જોર જોરથી ચીસો નાખીને તેની વાસ્તવિકતા બધાની સામે લાવવાની મરજી થાય છે કે નહીં? અને ક્યારેક તેનું ગળું દબાવી દેવાની ઇચ્છા જોર કરી આવે છે કે નહીં? છતાં તમે એવું નથી કરી શકતા, એનો પણ ગુસ્સો હોય. તો તમે એની જેમ નથી વર્તી શકતા, એની ઇર્ષા પણ હોય. અને પરિણામ આવે છે, સારા-ખરાબ, રામ-રાવણ વચ્ચેના દ્વંદ્વમાં. તમારા મનમાં આંતરવિગ્રહ ફાટી નીકળે છે. તમારી પાસે બે જ વિકલ્પ છે, જેવા સાથે તેવા થવાનું કે પછી દુશ્મનને સજા આપવાનું કામ ભગવાન પર છોડી દેવાનું!

જીસને પાપ ના કિયા હો, વો પહલા પથ્થર મારે

નિર્લેપ અને નિષ્કામ એવા પૂર્ણ પુરુષોત્તમ સિવાય ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે, જે રાગ-દ્વેષ જેવી ભાવનાઓથી અલિપ્ત રહી શકી હોય. બાય ધ વે, તમે કેવા છો? તમારા મનમાં કોણ વસે છે? રામ કે રાવણ? ઓબ્વિયસલી, તમારો જવાબ હશે, રામ! કારણ? આપણે રામાયણને હંમેશાં રામના દૃષ્ટિકોણથી મૂલવીએ છીએ. મહાભારતનો દુર્યોધન હંમેશાં આપણા માટે વિલન છે, પોતાના પિતા સમાન ધૃતરાષ્ટ્રને ‘અંધ’ કહીને મશ્કરી કરનાર દ્રૌપદી કે પત્નીને જુગારમાં મૂકનાર યુધિષ્ઠિરને આપણે નિષ્પક્ષતાથી મૂલવી નથી શકતા. અને એટલે જ આપણને સત્ય હંમેશાં આપણા પક્ષે લાગે છે અને સામેની વ્યક્તિ જ દોષિત લાગે છે.

પણ, શું તમે રાવણને ઓળખો છો? તમે ક્યારેય દુર્યોધનને ઓળખ્યો? કે શકુનિ? કે પછી ખુદ રામને ઓળખો છો?

રામ અને રાવણ : અવિભાજિત વ્યક્તિત્વ

ખરેખર સત્ય શું છે? બે ભાઈઓની લડાઈમાં દગાથી એકનો વધ કરવો યોગ્ય હતો? પત્નીને ભૌતિક વસ્તુ ગણવી અને તેની અગ્નિપરીક્ષા લેવી એ આદર્શ ગણાશે? એક વ્યક્તિએ ઉપજાવી કાઢેલી વાત માટે થઈને સગર્ભા પત્નીનો ત્યાગ કરવો કેટલી હદે ઉચિત છે? શું તમે ક્યારેય કોઈનું બૂરું નથી વિચાર્યું? ખરેખર તો, રામ અને રાવણ આપણા જ મનમાં છે અને બંનેનું અસ્તિત્વ એકબીજા પર જ આધારિત છે. રાવણ વિના રામનું મહત્ત્વ જ ન આંકી શકાય. રાવણ આપણને સારું જોતા અટકાવે છે, જ્યારે રામ તમને સત્કર્મ તરફ દોરી જાય છે. ભગવાન શિવની અપ્રતીમ ભક્તિ કરવી અને શિવતાંડવની રચના કરવી એ રાવણમાં રહેલું ‘રામત્વ’ ગણીએ, તો દગો કરવો કે સગર્ભા પત્નીનો ત્યાગ કરવો એને શું કહેશો?!

અને, જ્યારે તમારા મનમાં રહેલો આ રાવણ તમારા પર હાવી થઈ જાય, ત્યારે તમે પાપની ઊંડી ગર્તામાં ધકેલાઈ જાઓ છો. પણ, ખરેખર પાપ શું છે? કૃષ્ણ ગીતામાં નિષ્કામ કર્મની વાત કરે છે પણ, આપણે નક્કામી અને ક્ષુલ્લક વાતોને બીજા હાથે મૂકેલી અગત્યની વસ્તુની જેમ ભૂલી શકતા નથી. એને વાગોળી વાગોળીને કર્મ બનાવીએ છીએ અને અહમ્ અને મદને વશ થઈ તેને પાપમાં પરિવર્તિત કરીએ છીએ. વિષયકામનાની મનોવિકૃતિ માણસને બળાત્કારી અને ખૂની બનાવે છે. રાજકોટનો સ્ટોન કિલર કદાચ આવી જ કોઈ મનોવિકૃતિનો શિકાર હોય શકે. એ મનોચિકિત્સકો માટે શોધનો વિષય ગણાય.

રાવણને રામ મળે, તો રામાયણ રચાઈ જાય

તો આનો ઉપાય શું? શું આમ જ ગોળ-ગોળ વાતો અને ચર્ચા કર્યે રાખવાનાં? શૂન્યમાંથી શરૂ કરી શૂન્યમાં જ સમાવી દેવાનું?
કદાચ રમણ પાસે આનો ઉપાય છે. તે નઘરોળ હત્યારો છે, જઘન્યતાપૂર્વક કોઈનું કાસળ કાઢવું તેના માટે રમત વાત છે, ફૂલ જેવા કુમળા બાળકનું માથું છૂંદી નાખતા એ અચકાતો નથી કે તેનું હૃદય થડકારો નથી અનુભવતું. સદંતર લાગણીશૂન્ય છે એ. શું તે મનોરોગી છે? કદાચ હા. પણ, તેને તો રાઘવ પ્રત્યે પ્રેમ છે, અગાધ પ્રેમ. જેને પામવા એ તલપાપડ છે. રાઘવના પાપ પોતે સ્વીકારે છે. છતાં, તે નિષ્કામ છે. એને ખબર છે, એ શું કરે છે? સમાજ જેને દુષ્કૃત્ય કહે છે, એેને તે કુદરતનો ન્યાય ગણાવે છે. ધર્મ કહો કે પ્રેમ, એની ફિલસૂફી  વધુ ઉદાત્ત છે. આ છે રમણની નિર્લેપતા, કે પાષણતા?! પોતાનું સત્ય તે રાઘવને પણ સમજાવવા મથે છે અને શરૂ થાય છે, વધુ એક ખૂની ખેલ!


******

હવે, ફરીથી અંધકારની મૂળ વાત પર પાછા ફરીએ. આટલી વિષમ પરિસ્થિતિમાં પણ ધ્યાનથી જુઓ, તો અગાઢ સમુદ્રના એ પેટાળમાં દેખાતા સૂર્યકિરણ જેવો, અંતરીક્ષના અંધકારમાં દૂર ટમટમતા નાના તારલા જેવો, સાવ ઝીણો એક પ્રકાશ ઝબકતો રહે છે. આ પ્રકાશ શેનો છે? ન સમજ્યા? આ તમારો ખુદનો પ્રકાશ છે, તમારા અંતરનો પ્રકાશ, તમારી ખુદની ઑરા. જે સતત તમારું દિશાદર્શન કરે છે. જે આ પ્રકાશને ઓળખી લે છે એ નિષ્કામ સંત બની જાય છે અને નથી ઓળખી શકતા એ બની જાય છે, રાઘવ.

મન સે રાવણ જો નિકાલે, રામ તેરે મન મેં હૈ.

રામ કહો કે રાવણ, બંને તમારા જ મનમાં છે. જેમના વચ્ચેનો દ્વંદ્વ સતત ચાલતો જ રહે છે અને નિરંતર ચાલતો જ રહેશે.

પિચિંગ થૉટ : રાવણને જો રામ મળી જાય, તો રામાયણ રચાઈ જાય અને રાઘવ પર જો રમણ હાવી થઈ જાય તો બની જાય, રમન રાઘવ-2.0.
©અમિત રાડિયા
------------------------------------------------------------------------------
WA: +91 98 98 216 516
E-mail: amit.radia99@gmail.com
Twitter: Amit_Radia

(ઑફ કોર્સ, આ 'રમણ રાઘવ' ફિલ્મનો રિવ્યૂ નથી, પણ ફિલ્મ જોયા પછીના પ્રથમ વિચારો છે.)