સાક્ષરોની સોનેરી વાડીનાં માળી: લાડુબા
******
એક સાથે જન્મેલાં બે નવજાત અકસ્માતે બદલાઈ જાય છે. સમાજના ઉચ્ચ ગણાતા પરિવારનું બાળક સમાજના નીચલા મનાતા પરિવારમાં પહોંચી જાય છે, જ્યાં પૈસા નથી માત્ર પ્રેમ અને સંસ્કાર છે. જ્યારે એ ગરીબ પરિવારનું બાળક ઉચ્ચ ગણાતા ઘરે પહોંચી જાય છે, જ્યાં પૈસા સિવાય બીજું કંઈ જ નથી.
વર્ષો પછી પૈસાદાર પરિવારમાં ઉછરીને યુવાન થયેલો એ બાળક કુસંગે ચઢીને અનેક બદીઓનો શિકાર બને છે અને તેનો કેસ એ જ અદાલતમાં આવે છે, જ્યાં ગરીબ પરિવારમાં ઉછરેલો યુવાન અનેક આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરીને ન્યાયાધીશના હોદા પર પહોંચ્યો હોય છે.
મનમોહન દેસાઈની ફિલ્મની સ્ટોરી જેવી આટલી વાર્તા સંભળાવીને વેતાળ વિક્રમને પૂછે છે કે, 'હે રાજન, હવે તું નક્કી કરી કે સારું કોણ અને ખરાબ કોણ? જન્મ કે સંસ્કાર!
******
******
તમને થાય કે સો વરસની કડેધડે જિંદગી માણવી કે નામની પાછળ પિતાના બદલે માતાનું નામ લખવું કે બાળકોને સ્વમાની બનવાની શિખામણ આપવી, એમાં મને શું રસ પડ્યો હશે!
હમ્મ્મ્, તો વાત એમ છે કે થોડા દિવસ પહેલાં એક વ્હોટ્સએપ સ્ટેટસમાં ટેલિફોનિક બેસણાની યાદી જોઈ. જેના મથાળે લખ્યું’તું કે ‘વર્ષ-2015નાં શ્રેષ્ઠ ભારતીય માતા તરીકેના પ્રતિષ્ઠિત માતા પુરસ્કારથી સન્માનિત’. આ વાંચીને એમના વિશે જાણવાની ઉત્કંઠા થઈ. એટલે થોડાં ખાંખાખોળા કર્યાં અને હાથ લાગ્યો વાલ્મીકિના એક જલકમલવત વહાલેશરીએ આરંભેલો સરસ્વતિનો સેવાયજ્ઞ.
એમની ખુમારી કહો, તો ખુમારી અને જિદ્દ કહો, તો જિદ્દ- પોતે અભણ, છતાં એક દીકરાને એન્જિનિયર, બે દીકરાને દાક્તર અને મોટી દીકરીને બનાવી વકીલ. એ પણ ક્યારે? જ્યારે દીકરીયુંને સાપનો ભારો મનાતી અને એનું એક માત્ર કામ વાસીદું કરવાનું મનાતું. વળી પાછો સવાલ આવે કે અભણ હતાં તો સહી કેમનાં કરતાં!
ઑકે,.. એના માટે વિરમગામના સાબાભાઈ વિશે જાણવું પડે.
સો, નાઉ બેક ટુ વિરમગામ ઇન 1920s
વાત છે લગભગ 1930ના દાયકાની. વિરમગામના સાબાભાઈ સાથે લીલાબેનનાં બાળલગ્ન થયાં. 13 વરસે પિતા ગુમાવતા, સાબાભાઈએ વિરમગામ નગરપાલિકામાં કચરાનો એક્કો ખેંચવાનું શરૂ કરવું પડ્યું. પણ, ભણવાનું ન છોડ્યું. એ વખતના નગરપાલિકાના સત્તાધીશો અને ગાંધીવાદીઓના શુભાશયથી સાબાભાઈનું નામ છબીલભાઈ થયું અને અનેક અંતરાયો છતાં ભણીને નગરપાલિકામાં ક્લાર્ક બન્યા, પછી હેડક્લાર્ક બનીને રિટાયર થયા.
નાતે જીવવું, નાતે મરવું, નાતે તરવું અને નાતને તારવવી
પણ, બધાંનાં નસીબ કંઈ સાબાભાઈ જેવા ન હોય. એટલે 'નાતે જીવવું, નાતે મરવું અને નાતે તરવું' એટલું જ નહીં, નાતને તારવવી પણ ખરી એ ન્યાયે વિરમગામના વાલ્મીકિ સમાજની જાગૃતિ અને ઉત્થાન માટે તેમણે એક યજ્ઞ આદર્યો. પ્રખર ક્રાંતિકારી રામજીભાઈ બ્રહ્મક્ષત્રિય સાથે મળીને વાલ્મીકિઓને સમાજના અન્ય સવર્ણોની સાથે હોટલમાં ચા પીવાથી માંડીને, વાળ કપાવવા, આભડછેટ દૂર કરવી, દારૂની બદીમાંથી છોડાવવા સહિતનાં સામાજિક કાર્યો હાથ ધર્યાં. અને તેમાં સાબાભાઈની કરોડરજ્જુ બનીને અડગતા આપવાનું કામ કર્યું, લાડુબાએ.
અત્યાર સુધીમાં સાબાભાઈ(હવેથી છબીલભાઈ) એક વાત સમજી ચૂક્યા હતા કે વાલ્મીકિ સમાજને જો નરકની ગર્તામાંથી ઉગારવો હશે, તો શિક્ષણ જ એકમાત્ર ચાવી છે. આની શરૂઆત ઘરથી જ કરવી પડે અને સમાજ સામે એનું ઉદાહરણ મૂકવાનું. એટલે પોતાનાં બાળકો તો ઠીક એના કરતાં પણ પહેલાં નિરક્ષર પત્નીને અક્ષરજ્ઞાન આપવાથી આદર કર્યો.
‘ક' કડાઈનો અને 'ખ' ખાંડનો
આ અંગે વાત કરતા જીવનના સાડા સાત દાયકા વટાવી ચૂકેલા તેમના પુત્ર ડૉ. નીતીનભાઈ કહે છે કે મને એ તો નથી ખબર કે મારાં માતા-પિતા વચ્ચે શું સમજૂતિ થઈ હતી, પણ મારી માતાને એક વાત હંમેશાં ખૂંચતી કે જાતે સહી કેમ ન કરી શકું? અક્ષરજ્ઞાન એ એના માટે સ્વમાનનો મુદ્દો હતો. અને એટલે જ, પરણીને આવ્યાં પછી એણે માનસિક રીતે નક્કી કર્યું’તું કે ભણવું છે. રાત્રે કામકાજથી પરવારીને મારા પિતા એમને ભણાવતા. એમનાં માટે કક્કો-બારાખડી એટલે રસોડાની જ કોઈ વસ્તુ હતી, 'ક' કડાઈનો અને 'ખ' ખાંડનો હતો.
તેઓ ઉમેરે છે કે એ સમયના ગાંધીવાદીઓ અમારા મહોલ્લામાં આવતા, ત્યાંના બાળકોની સફાઈ કરે, એમને નવડાવે અને ભણાવે. પરીક્ષિતભાઈ અને ઝીણાભાઈ જેવા ગાંધીવાદીઓ સાથે અમારે સારો ઘરોબો, એટલે તેઓ પણ મારી માતાને અક્ષરજ્ઞાન મેળવવામાં મદદરૂપ થયા. એ વખતના વિરમગામની એ વખતની ખાસિયત હતી કે સરકારી ચોપડે બાળકના નામ પાછળ પિતા કે પતિનું નહીં, પણ માતાનું નામ લખાતું, બાળકો માતાના નામથી જ ઓળખાતાં. અને મારી મા ગર્વભેર સહી કરતી 'લાડુ કંકુ'. અખબારનાં મથાળા વાંચી લેવા જેટલું અક્ષરજ્ઞાન તેમણે મેળવી લીધેલું. અને જીવનનાં છેલ્લાં વર્ષો સુધી એ ક્રમ જાળવી'યે રાખ્યો.
જ્યારે એક તુચ્છકાર બન્યો સ્વમાનનો સવાલ
છબીલભાઈએ તો સમાજના ઉત્થાન માટે ભેખ ધરી લીધો'તો. એમાં તેમની સાથે રામજીભાઈ તો હતા જ, ગોવિંદભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલનો સહકાર સાંપડ્યો અને માર્ગદર્શન મળ્યું પરીક્ષિતલાલ મજુમદાર, મામાસહેબ ફડકે અને ઝીણાભાઈ દરજી જેવા સેવાના ભેખધારીઓનું. પણ, આભડછેટની બીમારી એમ કંઈ રાતોરાત તો જાય નહીં. આ બાબત સાથે પોતાના ડૉક્ટર બનવાની કહાણી સાંકળતા નીતીનભાઈ કહે છે કે હું લગભગ 3-4 વર્ષનો હોઈશ, ત્યારે એકવાર બીમાર પડ્યો. એ વખતે ખાનગી તબીબો RMP કહેવાતા. મા મને આરએમપી પાસે લઈ ગયાં. પણ, આભડછેટ એટલી કે એ અમને અંદર પણ ન આવવા દે. તુંકારે પૂછે અને દવા પણ બહાર ઓટલે મૂકે, હાથમાં ન આપે. આ વાત મારી માતાને લાગી આવી અને એણે નક્કી કરી લીધું કે મારાં છોકરાં ડૉક્ટર કેમ ન બને?!
પણ, આના માટે તો પૈસા જોઈએ. એટલે મા રોજ રાત્રે 20 કિલો જેટલા કપાસનાં કાલા ફોલતી, દિવસે નગરપાલિકામાં સફાઈકર્મી તરીકે કામ કરે અને બાકીના સમયમાં રેંટિયો કાંતીને એમાંથી સૂતર બનાવતી. એમાંથી જે આવક થાય એ અમારા ભણતર માટે ખર્ચી નાખતી. એને પોતાને પહેરવા માટે તો માત્ર બે સાડી જ રાખી'તી. બાકી, બીજા કોઈ મોજ-શોખ નહીં, બધું બસ અમારાં-બાળકો માટે. (આ બધી જાહોજલાલી તેમણે ભણી-ગણીને સાક્ષર-સધ્ધર થયેલાં બાળકોના રાજમાં ભોગવી એવું નીતીનભાઈનાં પત્ની કલાબેન જણાવે છે.)
સમયાંતરે વિરમગામમાં મોન્ટેસરી પદ્ધતિની શાળા શરૂ થઈ અને અમે ત્યાં ભણ્યા એટલે ભણવાની બાબત પૂરતી અમારા માટે આભડછેટ ઘટી હતી. હું નવમા ધોરણથી અમદાવાદ સી.એન.માં આવ્યો, ત્યાં સુધીમાં અમે ચાર ભાઈ-બહેન અમદાવાદ આવી ગયાં હતાં. ડૉક્ટર બનવા માટે શું ભણવું એવી કોઈ ગતાગમ એને નહીં, પણ બસ મા એવું કહેતી કે તારે ડૉક્ટર બનવાનું છે. એટલે એ વાત બાળપણથી જ મનમાં હતી કે ગમે તેટલી મહેનત કરીને પણ માની ઈચ્છા પૂરી કરવાની છે. પરિણામે, હું MBBS થયો અને નાનો ભાઈ આયુર્વેદમાં ડૉક્ટર બન્યો. અલબત્ત, આ કંઈ અત્યારે બાળકોને કઈ ફેકલ્ટીમાં જવું એ અગાઉથી નક્કી કરી આપતાં મા-બાપો જેવું નહોતું. બસ, સ્વમાનનો મુદ્દો હતો કે ડૉક્ટર તો ભગવાન ગણાય, એના માટે તો બધા સરખા જ હોવા જોઈએ. આ વાત એમણે અમને સમજણાં થયા પછી કરી હતી.
ગામની પહેલી મહિલા વકીલ
એ પહેલાં, લગભગ 1950ના દાયકાની એક બીજી વાત. એક તરફ, છબીલભાઈ અને લાડુબાનાં છ બાળકોમાંથી સૌથી મોટા માણેકભાઈ ઈજનેરી ભણતા હતા(જે પછીથી રેલવેમાં જોડાવાના હતા). એ વખતે વિરમગામ મોટું જંક્શન અને પૈસેટકે સધ્ધર લોકોનું ગામ ખરું, પણ ગામમાં કૉલેજ એકેય નહીં. એના માટે અમદાવાદ જવું પડે અને ગામમાં ઉચ્ચ વર્ગના ગણાતા લોકો પણ દીકરીને ભણવા અમદાવાદ ન મોકલે. જાણે દીકરીએ ઘરનું વાસીદુ કરવા જ 12 ધોરણ ભણવાનું! આવા સમયે લાડુબાએ દીકરી કમલાને જાતથી અળગી કરવાની હિંમત બતાવી. પિતા છબીલભાઈ અને હિતેચ્છુ રામજીભાઈએ એના માટે અમદાવાદમાં રહેવા-ભણવાની વ્યવસ્થા કરી. એ દીકરી એલ.એલ.બી.ની પરીક્ષા આપીને વિરમગામની પહેલી મહિલા વકીલ તરીકેની ડિગ્રી
મેળવી અને ઇન્કમટેક્સ વિભાગમાં ઉચ્ચ હોદા સુધી પહોંચીને વર્ષો સુધી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનાં ચેરપર્સન તરીકે સેવા આપી.
શિક્ષણ અને સત્યાગ્રહની સોનેરી વાડી
લાડુબાની સોનેરી વાડી વિશે વાત કરતા નીતીનભાઈ કહે છે કે ગાંધીજીના અંતેવાસી પરીક્ષિતલાલ મજમુદારનો અમારા પરિવાર પર ખાસ્સો પ્રભાવ. તેમના નામ પરથી જ મોટાભાઈની પુત્રીનું નામ પરીક્ષિતા રાખ્યું. જે ગુજરાત પોલીસમાં પ્રથમ મહિલા ડીવાયએસપી બની અને તાજેતરમાં જ ડીઆઈજીના પદ પર તેમની નિયુક્તિ થઈ છે. તેમની બંને પુત્રીઓ પણ મેડિકલમાં જ છે. નીતીનભાઈનો પુત્ર અભિષેક કેન્સર રિસર્ચ હોસ્પિટલમાં ભણ્યો છે અને હાલ સરકારી ડૉક્ટર છે અને પુત્રી પણ ગેઝેટેડ ઑફિસર છે, (એ પણ કોઈ પ્રકારની રિઝર્વેશનનો લાભ લીધા વિના!). સૌથી નાના સુરેશભાઈનો એક પુત્ર એન્જિનિયર છે, જ્યારે બીજો પુત્ર બીડીએસ છે.
સેવાની સુવાસ
બીજી તરફ, આ જ વડીલોએ શિક્ષણ, સેવા અને ગાંધીવિચાર પણ શીખવ્યાં છે. કમલાબેન તો આજે પણ ખાદી જ પહેરે છે. જ્યારે યુવાનીમાં સમાજના હક માટેનાં અનેક આંદોલનોમાં મોખરે રહેનાર નીતીનભાઈ નિવૃત્તિ પછી વર્ષો સુધી ગોધરાની એક સેવાભાવી સંસ્થામાં માત્ર પાંચ રૂપિયા જેવી નજીવી કિંમતે અંતરિયાળ વિસ્તારના લોકોને સારવાર આપતા હતા. એ નોકરી છોડ્યા પછી પણ અમદાવાદ ખાતેના પોતાના ઘરે જરૂરિયાતમંદ બાળકો માટે વર્ષો સુધી જીપીએસસીના ઉમેદવારો માટે નિ:શુલ્ક વર્ગો ચલાવ્યા.(અને આજેય તેમનું પેન્શન તો ઘરે પહોંચતા પહેલાં જ સમાજસેવામાં ખર્ચાય જાય છે.) ટૂંકમાં, ડૉ. આંબેડકરે આપેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શને સાચા અર્થમાં પચાવી જાણ્યો.
લાડુબાની ઈચ્છા અનુસાર તેમની અંતિમયાત્રા ઢોલનગારા સાથે લઈ જવામાં આવી હતી. દીકરા-દીકરીને એકસમાન મહત્ત્વ આપતાં દાદીને પુત્રીઓ-પુત્રવધુઓ-પૌત્રીઓએ પુત્રો-પૌત્રોની સાથે જ કાંધ પણ આપી અને અગ્નિદાહ પણ આપ્યો.
સૌથી પહેલાં વાત કરી એ 'શ્રેષ્ઠ ભારતીય માતા એવૉર્ડ' બાળકોને ઉછેરવામાં મુશ્કેલીઓ વેઠી હોય તેને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ એવૉર્ડ સાથે મળેલી અઢી લાખ રૂપિયાની રકમ લાડુબાએ વિરમગામનાં વાલ્મીકિ સમાજના બાળકો માટે આપી દીધી. પરિણામે, વિરમગામમાં તેમનો પરિવાર જ્યાં રહેતો, જે ઘરેથી વાલ્મીકિ સમાજનાં અનેક બાળકો પ્રેરણા મેળવી, શિક્ષકથી માંડીને પ્રાંત અધિકારીના પદ સુધી પહોંચ્યા છે, આજે ત્યાં એક હૉલ બાંધવામાં આવ્યો છે, એક લાઈબ્રેરી શરૂ કરાઈ છે. બાળકો આજે પણ બા અને દાદાના એ સ્મૃતિસ્થળેથી શિક્ષણ અને સેવાના સંસ્કાર મેળવે છે.
હવે, રાજા વિક્રમ બનીને આપણે નક્કી કરવાનું છે કે માણસ જન્મથી મહાન હોય કે એના સંસ્કાર અને કર્મથી બને!
******
'મારાં તો બાળલગ્ન થયેલાં. છોકરાં ભણવા જાય ત્યારે દાદા(છબીલભાઈ) એકડો-બગડો લખાવે, બારાખડી શીખવે, મારા માટે ચોપડીયું લાવે. અમે રેંટિયો કાંતવાની હરીફાઈમાં ભાગ લેવા એમની સાથે જતાં. અમને પાણી ભરવા મોકલે, જેથી અન્ય સમાજની સ્ત્રીઓ સાથે ભળી શકીએ. એમના પ્રયત્નો થકી જ વિરમગામમાં નીકળતી રથયાત્રાના પ્રસાદમાં અમારા સમાજના મગ વહેંચાતા થયા.'
-લીલાબેન છબીલદાસ ગુર્જર, તા. 8 નવેમ્બર, 2006
(વાલ્મીકિના વહાલેશરી પુસ્તકમાંથી)
******
પિંચિંગ થૉટ:
જો પાણી ભરવા જતી પનિહારીના શરીર પરથી ટપકતા પરસેવાના બિંદુ પર કવિતાઓ રચાતી હોય, જો મેઘદૂતમાં સ્ત્રીના સૌંદર્ય પર લખાતું હોય, તો માથે મેલું ઉપાડીને, કાંખમાં બાળક સાથે ગામમાંથી પસાર થતી દલિત કન્યાના શરીર પરથી ટપકતાં 'મેલાં'ના ટીપા પર કવિતા કેમ ન રચાય!
- એક સાહિત્યિક કાર્યક્રમમાં નીતીનભાઈ ગુર્જરે
(બક્ષીબાબુ સહિતના)શ્રોતાઓને પૂછેલો ચચરતો સવાલ
******
WA : +91 98 98 216 516
Mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia