ભૂતકાળ હંમેશાં ભવ્ય હોય છે,
પણ ઇતિહાસ દુઃખદાયક હોય છે
કટ્ટર ધર્મસહિષ્ણુ ધર્મનંદન ધર્માધિકારી ‘સૈફીના કા બેટા તૈમૂર’ વિષય પર એક ટીવી ચેનલના ડિબેટ શૉમાંથી ઘરે આવીને સીધા જ વહાલસોયી દીકરી સુકૃતિ પાસે પહોંચ્યા. જોયું તો સુકૃતિ પોતાના લગભગ રૂઝાતા ગૂમડાને પંપાળી રહી હતી. તેને મીઠી ખંજવાળ આવતી હતી. ધર્મનંદને તેને સમજાવ્યું કે ગૂમડું રૂઝાવા આવે, ત્યારે તેમાં મીઠી ખંજવાળ આવે. તું એને ખંજવાળીશ, તો એ ફરી પાકશે અને કદાચ નાસૂર પણ બની જાય. દીકરીને સમજાવીને તેઓ ‘સૈફીના કા બેટા તૈમૂર’વાળા ટીવી શૉમાં પોતે તૈમૂર નામ રાખવા માટે સૈફીનાને કેવાં ઝાટક્યાં, એ જોવા બેસી ગયા.
******
મિલેનિયમ યર-2000ના છેલ્લા બે દાયકામાં જન્મેલી પેઢી એવા સંક્રાન્તિ કાળની સાક્ષી છે અને રહેશે, જે ટીવીવાળા અને વગરના, કમ્પ્યૂટરવાળા અને વગરના, એસીવાળા અને વગરના, લાઇટવાળા અને દીવાવાળા બંને વાતાવરણને નજરે જોનારા લોકો સાથે રહી હશે, તેમના અનુભવો સાંભળ્યા હશે, કદાચ અનુભવ્યા પણ હશે. અને એટલે જ ભારત દેશના ઇતિહાસથી અમુક અંશે વાકેફ પણ હશે કે તૈમૂર લંગ કોણ હતો અને તૈમૂર અલી ખાન પટૌડી કોણ છે? કે હશે.
કદાચ, સૈફીનાપુત્ર તૈમૂરનું નામ સાંભળ્યા પહેલાં ઘણા લોકો તૈમૂર લંગને નામ સિવાય ઓળખતા પણ નહીં હોય. તે કોણ હતો, ક્યાંથી ભારત આવ્યો હતો કે મૂળ મુસ્લિમ હતો કે નહીં, કે પછી બાબર તેનો જ કોઈ વંશજ હતો. (થૅન્ક્સ ટુ ગૂગલ ઍન્ડ વિકિપિડિયા) આ અને આવી અનેક બાબતોથી આજે પણ ખૂબ ઓછા અંશે વાકેફ છીએ.
ભૂતકાળ ભલે ભવ્ય હોય, પરંતુ ઇતિહાસ દુઃખદાયક પણ હોય, કારણ કે ઇતિહાસમાં તમારી સફળતાઓની સાથે નિષ્ફળતાઓ પણ અંકિત થયેલી હોય છે. કહેવાય છે કે, કોઈ પણ પ્રજાનું આત્મગૌરવ હણવા માટે તેનો ઇતિહાસ ભૂલવી દો. ભારત પર ગ્રીક, હૂણ, શક, કુષાણ જેવી બર્બર જાતિઓનાં અનેક આક્રમણો થયાં છે અને તેનો નક્કર મુકાબલો પણ થયો છે. શાલીવાહન પણ આ જ ભૂમિમાં જન્મ્યો, જેણે માટીને પૂતળાંની સેના બનાવીને લડાઈ કરી અને પૃથ્વીરાજ પણ અહીં જ જન્મ્યો, જેણે મહમ્મદ ઘોરીને જીવતદાન આપ્યું. પણ, તેનું પોતાનું શું પરિણામ આવ્યું? વિદેશીઓ સામે ભારતની હાર થવાનું એકમાત્ર કારણ તેમની શક્તિ નહીં, પણ જયચંદોની પરંપરા છે. અંગત હિત માટે વિદેશી દુશ્મન સાથે પથારીભેગા થઈ જવાની નિર્માલ્યતા. માત્ર ભૂતકાળના ભવ્ય વારસાના ગૂમડાને પંપાળવાથી તે નાસૂર જ બને. એટલે ઇતિહાસની ભૂલો પણ યાદ રાખવી જોઈએ.
અલબત્ત, તમામ વિદેશી આક્રમણકર્તાઓ અહીંના થઈને વસી ગયા છે, માત્ર એક જાતિને બાદ કરતાં. કે કદાચ એમને અહીંનું બનીને રહેવું નથી કે અહીંના બનવા નથી દેવાતા?! મુસલમાન (મુસલ્લમ ઇમાન-જેમનું ઇમાન કાયમ છે એ) તો ઇસ્લામની સ્થાપના પહેલાં પણ હતા જ, પરંતુ મોહમ્મદે તેમને પોતાનું ઇમાન કાયમ કરવાને માર્ગ બતાવ્યો. વધુમાં વધુ 20 વર્ષ પહેલાં મોટા ભાગની મુસ્લિમ સ્ત્રીઓ બુરખો નહીં, ગુજરાતી સાડી પહેરવામાં ગૌરવ અનુભવતી અને મુસ્લિમ પુરુષો ક્લીન શૅવ્ડ રહેતા, પણ આજે તેમનો પહેરવેશ બદલાયો છે અને તેમની વતનપરસ્તી સામે સવાલો થઈ રહ્યા છે.
ખેર, મૂળ વાત આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’માં નવાઝુદ્દીનના પાત્રનું નામ હતું, તૈમૂર. તે એક પગે લંગડો હતો. આ અંગે આમિરે એવું કહ્યું હતું કે આ પાત્ર ઐતિહાસિક શખ્સિયત તૈમૂર લંગથી પ્રેરિત છે. ત્યારે કદાચ એટલે આપણને ફરક નહોતો પડતો, કારણ કે તૈમૂર એક નકારાત્મક પાત્ર હતું, જેનો અંજામ નક્કી હતો. પણ, સૈફ આપણો હીરો છે અને કરીના હિરોઇન. તેઓ કેવી રીતે તેમના બાળકનું નામ તૈમૂર રાખી શકે?! એ તો ક્રૂર મુસ્લિમ શાસક હતો.!
ટ્વિટર પર કોઈએ લખ્યું હતું કે એક તૈમૂરે ભારત પર આક્રમણ કર્યું હતું અને 20-25 વર્ષ પછી ભારતની યુવતીઓ બીજા તૈમૂરમાં પોતાનો ‘હીરો’ શોધતી હશે. પણ, તે ભારતીય ઇતિહાસ કે સમાજશાસ્ત્રનો પ્રાધ્યાપક બન્યો અથવા અણુ વૈજ્ઞાનિક, તો? (અલબત્ત, આવું શક્ય તો નથી લાગતું.)
આજે મને ફરક નથી પડતો કે સૈફીના પોતાના પુત્રને શું નામ આપે છે? હા, જો ભારતની ચલણી નોટ પર ક્રૂર ઇસ્લામી શાસક તૈમૂર લંગ કે તેના જ વંશજ મનાતા ઔરંગઝેબનો ફોટો આવે, તો મને ચોક્કસ ફરક પડશે.
ફરી મિલેનિયમ પેઢીની વાત કરીએ, તો આજથી 25 વર્ષ પછીની પેઢીને કોઈ કહેનારું નહીં હોય કે લાઇટ, ટીવી, એસી કે ક્મ્પ્યૂટર વિનાનું વિશ્વ કેવું હતું. કદાચ, એક તૈમૂર લંગ એ હતો, જેણે ભારત પર આક્રમણ કરીને અહીંના હિન્દુ-મુસ્લિમોની કતલ કરાવી હતી એવું કહેનાર પણ કોઈ નહીં હોય. તેમની પાસે હશે માત્ર ગૂગલ કે વિકિપિડિયાનો તૈમૂર લંગ. જે ત્યાં સુધીમાં તારણહાર બની ચૂક્યો હશે, નવો ડિજિટાઇઝ્ડ ઇતિહાસ લખાઈ ચૂક્યો હશે.
અને જો આવું થશે, તો મને ચોક્કસ ફરક પડશે, કારણ કે હું ભવ્ય ભૂતકાળની સાથે ઇતિહાસબોધ પણ રાખવામાં માનું છું.
તમને કેટલો ફરક પડશે?
પિંચિંગ થૉટઃ મારા પાડોશી દંપતીને ઘણાં વર્ષે બાબો આવ્યાનો મને પણ આનંદ હતો, જ્યાં સુધી તેનું નામ તેમણે ‘ઔરંગઝેબ’ નહોતું રાખ્યું.
E-mail: amit.radia99@gmail.com
WA: +91 98 98 216 516

No comments:
Post a Comment