Showing posts with label #amit #radia #અમિતરાડિયા #thejunglebook #bollywood #bollymoviereview #hollywood #hollywoodmoviereview #panchatantra. Show all posts
Showing posts with label #amit #radia #અમિતરાડિયા #thejunglebook #bollywood #bollymoviereview #hollywood #hollywoodmoviereview #panchatantra. Show all posts

Friday, 15 April 2016

ધ જંગલ બુક : વર્ચ્યુઅલ પંચતંત્ર

વગડે વગડે વાત ચાલી છે...

સદીઓ પહેલાંની આ વાત છે (ઇ.સ. પૂર્વે આશરે ત્રીજીથી બારમી સદી લગભગ). મગધની રાજધાની પાટલીપુત્રના રાજા સત્યવ્રતને તેમના ત્રણ તોફાની રાજકુમારોના શિક્ષણની ચિંતા થઈ આવી. અનેક આચાર્યો-પંડિતો પછી આ જવાબદારી આચાર્ય વિષ્ણુ શર્માએ ઉઠાવી લીધી. તેઓ રાજકુમારોને પોતાના આશ્રમમાં લઈ ગયા, જ્યાં જંગલનાં પ્રાણીઓની વાર્તાઓ કહીને નીતિમત્તા અને બુદ્ધિચાતુર્યની તાલીમ આપી.



હવે તો દાદા-દાદી કે નાના-નાનીની વાર્તાઓનો યુગ લગભગ ઓસરી ગયો છે, આમ છતાં જ્યારે આવી કોઈ વાર્તા સાંભળીએ એટલે તરત મનસ્વી કલ્પનાઓના ઘોડા જોજનો દૂર, નદીઓની પેલે પાર, જંગલમાં વસતાં પ્રાણીઓ વચ્ચે પહોંચી જાય અને ઘડી-બે ઘડી તેમની સાથે વાતો કરી આવે, રમતો રમી આવે. વર્ચ્યુઅલ રિયાલિટીની ટેક્નિક ભલે હમણાં હમણાં ઇજાદ થઈ હોય, પણ વિષ્ણુ શર્મા અને રુડયાર્ડ કિપ્લિંગે તો આવી કોઈ તકનિક વિના જ અદ્ભુત ઇમેજિનેશન કરી આપ્યું છે.

આમ તો 1942થી માંડીને 1967માં વૉલ્ટ ડિઝનીએ બનાવેલી એનિમેટેડ ફિલ્મ કે રશિયનોનું સર્જન ‘ઍડવેન્ચર્સ ઑફ મોગલી’ કે પછી નેવુંના દાયકામાં દર રવિવારે (માત્ર અડધો કલાક માટે જ) ગુલઝાર અને વિશાલ ભારદ્વાજે બનાવેલા ‘જંગલ જંગલ બાત ચલી હૈ...’ સૉન્ગવાળી જે ‘જંગલ બુક’ સિરીઝ જોતા એ મૂળ જાપાનીઝ એનિમેશન સહિત ડઝનેક એડોપ્શન્સ પર કામ થયું છે, પર ઇસ બાર કી ‘જંગલબુક’ મેં કુછ નયા હૈ.

યસ્સ્સ, આ વખતની જંગલબુક બની છે, વીએફએક્સ કરતાં પણ આગળની ટેક્નોલૉજી સીજીઆઈ યાને કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજિનરી ટેક્નિકની મદદથી. જંગલના દેડકા, ફ્લાઇંગ સ્ક્વિરલ, શાહુડી, જરખ, સમડી, મોર, હરણ, વાંદરા બધાં જ પ્રાણીઓ, હવામાં ફરફરતા તેમના વાળ કે આંખોનાં આંસુ, બધું જ કોમ્પ્યુટરની કમાલ હોવા છતાં, એટલા જ આબેહૂબ અને જીવંત લાગે. આ બધાની વચ્ચે ઘર ઘર કા પ્યારા, રાજદુલારા મોગલી યાને નીલ સેઠી પોતાના અજબ-ગજબ એક્સ્પ્રેશન્સથી તમારું દિલ ન જીતી લે, તો કહેજો. ઓમ પુરીના ખરજઘૂંટ્યા અવાજમાં થતું સ્ટોરીટેલિંગ, લુચ્ચાઈ અને ખંધાઈની ચરમસીમા સમાન શેરખાનને ન્યાય આપતા નાના પાટેકર, પ્રિયંકાનો મોહક અવાજ જ અજગરની આંખો કરતાં જલદી હિપ્નોટાઇઝ કરી લે એવો અસરકારક છે. તો બીજી તરફ, મયુર પુરીએ લખેલા મોગલીના ‘બચ્ચે કી જાન લોગે ક્યા’થી માંડીને બલ્લૂ ધ બેઅરના ‘જો વાદા નહીં કિયા, વો નિભાના પડેગા’ જેવા રિફ્રેશલ ડાયલોગ્ઝમાં ઇરફાનનો પંજાબી લહેકો જબરો ફિટ બેસે છે. (અલબત્ત, મૂળ સ્ટોરીનાં કેટલાંક પાત્રોની ખોટ તો વર્તાય જ છે.)

ગુરુ-શિષ્ય જેવા બઘીરા અને મોગલીની એન્ટ્રીથી શરૂ થતી વાર્તામાં વરૂઓના ઝૂંડનું સંગઠન, માતા-પુત્ર જેવા રક્ષા અને મોગલી, દુષ્કાળના સમયમાં જંગલના કાનૂન મુજબ શિકાર અને શિકારી સાથે ઊભીને પાણી પી શકે એવી ખેલદિલી, આળસુ અને એદી પ્રકૃતિનું રૂપક બલ્લુ, લુચ્ચાઈમાં પણ માણસનો પૂર્વજ કિંગ લુઈ, દગાખોરીના પ્રતીક સમો શેરખાન અને પરોપકારી જીવ જેવા મહાકાય હાથીઓ. જંગલનાં પ્રાણીઓની સમજ અને ખાસિયતો સાથે માનવીની વિવિધ પ્રકૃત્તિને પણ એક તાંતણે બાંધી દીધી છે. નીતિમત્તાને નેવે મૂકનારો શેરખાન પણ જંગલના કાનૂનનો આદર કરવાનો દેખાડો કરી જાણે છે. બધું કર્યું કારવ્યું ધૂણ-ધાણી કરવા એક નાનો તિખારો પણ કાફી છે, એવા સંદેશા સાથે બધાં જ જીવો પ્રકૃતિનાં સંતાન હોવાની શીખ પણ અહીં છે. ઇન શોર્ટ, આખેઆખું પંચતંત્ર જ જાણે વર્ચ્યુઅલ સ્વરૂપે ઊભું થઈ જાય છે, એ પણ હસતાં રમતાં અને ઉપદેશના ભાર વિના જ.

એક્ચ્યુઅલી, પુત્રી જોસેફાઇન માટે કિપ્લિંગે ઇ.સ. 1894માં ‘ધ જંગલ બુક’ની વાર્તાઓ લખી હતી અને તેના માટે રુડયાર્ડના પિતા જ્હોન લોકવૂડે ઇલસ્ટ્રેશન દોરી આપ્યાં હતાં. પહેલી નજરે મનોરંજનનું માધ્યમ લાગતી આ વાર્તાઓ માનવીય મૂલ્યોની ગજબની તાલીમ આપી જાય છે. અરેરેરે! તમને થશે, આ ક્યા શિખામણ આપવાનું શરૂ કર્યું? તો ફટાફટ, ટૂંકમાં, મધમાં ઝબોળેલી મિલ્કી-સિલ્કી ચોકલેટ જેવી ‘ધ જંગલબુક’ની મારી વાત અહીં પૂરી ઔર ‘આપ કા જંગલબુક દેખને જાને કા સમય શુરુ હોતા હૈ અબ...’

(તા.ક. ફિલ્મની એક બહુચર્ચિત ખામી ‘જંગલ જંગલ બાત ચલી હૈ...’ સૉન્ગની ગેરહાજરી ટોકિઝવાળાએ પૂરી દીધી. ફિલ્મની શરૂઆતમાં જ એ આખું સૉન્ગ અલગથી બતાવીને...) (લખ્યા તા.11/4/16)
WA : +91 98 98 216 516
Mail : amit.radia99@gmail.com
Twitter : Amit_Radia