Showing posts with label #virgin #virginity #nirbhaya #india's daughter #child abuse #kamsutra #kumarsambhav #અમિત #રાડિયા. Show all posts
Showing posts with label #virgin #virginity #nirbhaya #india's daughter #child abuse #kamsutra #kumarsambhav #અમિત #રાડિયા. Show all posts

Wednesday, 16 September 2015

 (મારી નોંધપોથીમાંથી એક જૂનો લેખ)

આર યૂ વર્જિન?
એક સ્ત્રી માટે જેમ માતા બનવું અલભ્ય લહાવો છે તે જ પ્રકારે કૌમાર્ય ગુમાવવું એ પણ એક અવસર જ ગણાય અને આ હક તે એવી વ્યક્તિને આપે છે, જેના પર તેને સંપૂર્ણ વિશ્વાસ હોય કે એ તેનું માન-સ્વમાન અને સન્માન જાળવશે. કામસૂત્ર અને કુમારસંભવ જેવા રસિક ગ્રંથોની ભેટ આપનાર આપણા દેશમાં આજે પણ સ્ત્રીના કૌમાર્યને, વર્જિનિટીને ચરિત્રનું સમાનાર્થી ગણવામાં આવે છે.
- અમિત રાડિયા 

મહાભારતના રચયિતા વેદ વ્યાસના જન્મની એક કથા છે. ઋષિ પરાશર મત્સ્યગંધાની હોડીમાં જતાં હોય છે, ત્યારે ગ્રહો અને નક્ષત્રોનો એવો સંયોગ રચાય છે કે જે બાળકનું બીજ માતાના ઉદરમાં રોપાય તે તેજસ્વી અને વેદ-વેદાંતનો જ્ઞાતા થાય. પરિણામે ઋષિએ મત્સ્યગંધા સમક્ષ સહવાસની માગણી કરી, તેને પ્રસૂતિ બાદ પણ અક્ષતયોનિ રહેવાના અને તેના શરીરની વાસ સુગંધમાં પરિવર્તિત થવાના આશીર્વાદ આપ્યા. આ બાળક એટલે મહર્ષિ વેદવ્યાસ. જેણે અઢાર પુરાણો એકત્ર કર્યાં અને મહાભારતની રચના કરી.

***

મુદ્દો અહીં વેદવ્યાસના જન્મનો નથી, પરંતુ મત્સ્યગંધાનાં લગ્ન પૂર્વે માતા બનવાનો અને વર્જિનિટી ગુમાવવાનો છે. ગત પખવાડિયે ‘ઇન્ડિયાઝ ડોટર’ ડોક્યુમેન્ટરીમાં અત્યાર સુધી છુપાવી રાખવામાં આવેલું નિર્ભયાનું ખરું નામ જાહેર થઈ ગયું અને એ માટે પીડિતાનાં માતા-પિતાને કોઈ ઓબ્જેક્શન નથી. કારણ, તેઓ પુત્રી ગુમાવી ચૂક્યાં છે. પરંતુ આવો બનાવ ભવિષ્યમાં ન બને તે મહત્ત્વનું છે. આ બધી બબાલની વચ્ચે દિલ્હીની જામિયા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ એક વિચિત્ર છતાં સાહસિક પગલું ઉઠાવ્યું. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં ઠેરઠેર સેક્સ્યુઅલ અવેરનેસને લગતાં લખાણોવાળાં ‘સેનેટરી પેડ્સ’ ચીપકાવી દીધાં. અલબત્ત, બીજી ચર્ચાઓ વચ્ચે આ મુદ્દો દબાઇ ગયો!

ડોક્યુમેન્ટરીમાં દર્શાવવાયેલી બચાવપક્ષના વકીલ અને અપરાધીની દલીલોને બાજુ પર રાખીએ, તો મુખ્ય મુદ્દો છે સમાજની માનસિકતાનો. આપણે ત્યાં બળાત્કાર પીડિતાનું નામ જાહેર નથી કરાતું. તેનાથી ભવિષ્યમાં પીડિતાને સામાજિક પ્રશ્નો સર્જાઈ શકે. આજીવન તેણે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈને જીવવું પડે. અથવા, તે જાણે પબ્લિક પ્રોપર્ટી હોય તેમ દરરોજ હજારો આંખો દ્વારા થતા બળાત્કારની પીડા સહન કરવી પડે. કારણ, તે પોતાનું કૌમાર્ય ગુમાવી ચૂકી છે.

મુદ્દો છે વર્જિનિટીનો. સોશિયલ મીડિયા અને અલ્ટ્રામોડર્ન કલ્ચરના આ યુગમાં કોઈ પર અપાર પ્રેમ અથવા આંધળો વિશ્વાસ રાખીને સ્વેચ્છાએ કૌમાર્ય ગુમાવનાર સ્ત્રીને ચરિત્રહીન માની લેવામાં આવે છે. શું ઇન્દ્ર જેવો કોઈ પણ છદ્મવેશી અહલ્યાનું સતીવ્રત ભંગ કરી શકે? બળાત્કારનો ભોગ બનનારી કે કૌમાર્ય ગુમાવનારી પ્રત્યેક સ્ત્રીને કુલટાની ઉપમા આપી દેવી ન્યાયિક ગણાય? કોઈ રૂપજીવિની પણ પોતાનો નિર્વાહ ચલાવવા માટે પોતાનું શરીર ભોગવવાની છૂટ આપે છે, અન્યથા દરરોજ અલગ અલગ પુરુષો સાથે સંબંધ બાંધવા કોઈ સ્ત્રી તૈયાર ન થાય. એક સ્ત્રી માટે જેમ માતા બનવું અલભ્ય લહાવો છે તે જ પ્રકારે કૌમાર્ય ગુમાવવું એ પણ એક અવસર જ ગણાય અને આ હક તે એવી વ્યક્તિને આપે છે, જેના પર તેને સંપૂર્ણ વિશ્વાસ હોય કે એ તેનું માન-સ્વમાન અને સન્માન જાળવશે.

યુનિસેફના આંકડાઓ અનુસાર વિશ્વના 12 પૈકી 10 વિકસિત દેશોના બે તૃતીયાંશ યુવાનો ટીનેજમાં જ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનો અનુભવ લઈ ચૂક્યા હોય છે. તાજેતરના સર્વેમાં 15 વર્ષ સુધીની વયની ઇંગ્લેન્ડની 39.9 ટકા, ફિનલેન્ડની 32.7 ટકા, સ્કોટલેન્ડની 34.1 ટકા અને વેલ્સની 38.5 ટકા તરુણીઓ પોતાની વર્જિનિટી ગુમાવી ચૂકી છે. આ આંકડા આંધળા અનુકરણ માટે નથી. પરંતુ ત્યાંની જનતાની દૃષ્ટિએ વર્જિનિટી ગુમાવનાર વ્યક્તિ અસ્પૃશ્ય નથી. તેનાથી ઊલટું મેસેડોનિયાના 34.2 ટકા, ઈઝરાયલના 31 અને ગ્રીસના 32.5 ટકા તરુણો 15 વર્ષ સુધીમાં કૌમાર્ય ગુમાવી ચૂક્યા છે.

ઇટ મીન્સ, જેન્ડર મેટર્સ! છોકરાઓને જે કરવું હોય તેની છૂટ પરંતુ છોકરીઓએ મર્યાદા જાળવવાની! થોડાં વર્ષ પહેલાં કેટેરિના મિગ્લિઓરિની નામની યુવતીએ પોતાના કૌમાર્યની 7,80,000 ડોલરમાં હરાજી કરી હતી, જેની 90 ટકા રકમ શૈક્ષણિક સંસ્થાને દાનમાં જાહેર કરી હતી. આ જ પ્રકારે નેટેલી ડીલન, એલિના પર્સિયા, રોઝી રેઇડ નામની યુવતીઓ પણ અભ્યાસ માટે વર્જિનિટી વેચી ચૂકી છે. તેઓ કેટલી હદે ધિક્કારને પાત્ર ગણાય? જે સમાજ કોઈ સ્ત્રીને તેના ઇચ્છિત શૈક્ષણિક અભ્યાસની તક નથી આપી શકતો તે મહાન કહેવાય? પામેલા એન્ડરસન, ઓપ્રા વિન્ફ્રે અને લેડી ગાગા બાળપણમાં ચાઈલ્ડ એબ્યુઝ અને બળાત્કારનો ભોગ બની ચૂક્યાંનું જાહેરમાં સ્વીકારે છે. કલ્કિ કોચલીન, સિતારવાદક પં. રવિશંકરની પુત્રી અનુષ્કા શંકર કે ફિલ્મકાર અનુરાગ કશ્યપ ચાઈલ્ડ એબ્યુઝનો શિકાર બન્યાનું સ્વીકારે, તો તેનાથી એમનાં પ્રત્યેનું માન વધે કે ઘટે?

‘ધ પ્યુરિટી મીથ’ પુસ્તકમાં લેખિકા જેસિકા વેલેન્ટી એવી દલીલ કરે છે કે કૌમાર્યને વધુ પડતું આદર્શ કે ભારરૂપ બનાવવાના કારણે શારીરિક ભૂખ વધુ વિકૃત બને છે, જે અતિકામુકતા તરફ દોરી જઈ શકે છે.

કામસૂત્ર અને કુમારસંભવ જેવા રસિક ગ્રંથોની ભેટ આપનાર આપણા દેશમાં આજે પણ સ્ત્રીના કૌમાર્યને, વર્જિનિટીને ચરિત્રનું સમાનાર્થી ગણવામાં આવે છે. કુંવારી યુવતીએ કોઈ છોકરા સાથે વાત ન કરાય, બુક્સ શૅર ન કરાય, તેના ઘરે જવું તો ઠીક ખુદનાં માતા-પિતાની હાજરીમાં પણ છોકરાને ઘરે ન બોલાવાય જેવા દકિયાનૂસી વિચારોમાં આજે પણ સમાજ અટવાયેલો છે. જે છોકરા-છોકરીની રિલેશનશિપને માત્ર એક જ નજરે જુએ છે. આજે પણ પારકી બુદ્ધિએ ગ્રેજ્યુએટ થયેલા કેટલાક મંદબુદ્ધિ મુરતિયા લગ્ન પહેલાં જ ભાવિ પત્નીને વર્જિનિટી અંગે પૂછતા અચકાતા કે શરમાતા નથી. સવાલ છે સેક્સ્યુઅલ અવેરનેસનો.

આવા કૂપમંડૂકોને કોઈ એમ પૂછી શકતું નથી કે, ‘આર યૂ વર્જિન?’ આવો સણસણતો તમાચો મારવાનું હિંમતભર્યું કામ કર્યું છે, દિલ્હીની યુનિવર્સિટીના સાહસિક વિદ્યાર્થીઓએ! વિરોધ કરવાની તેમની પદ્ધતિને ભૂલી જઈએ, તો સેનેટરી પેડ્સ પર સેક્સ્યુઅલ અવેરનેસના લખાણો સમાજની કુંઠિત વિચારધારા પર આઘાત કરે છે. યુવા જાગૃતિનો કદાચ આ શંખનાદ હોઈ શકે છે.


પિંચિંગ થૉટ:

‘પિરિયડ બ્લડ ઇઝ નોટ ઇમપ્યોર, યોર થોટ્સ આર’, ‘મેન્સ્ટ્રુએશન ઇઝ નેચરલ, રેપ ઇઝ નોટ’.
- એક સેનેટરી પેડ પરનું લખાણ.

(‘દિવ્ય ભાસ્કર’- કળશ પૂર્તિ, તા.11/3/15)