Tuesday, 19 January 2016


‘કિરદાર લિખ ચૂકા હૂં, મેરે કલમ સે નિકલ ચૂકે હૈ,

 જાતે ક્યૂં નહીં, મેરા પિછા ક્યૂં નહીં છોડતે?’

 

આજે પણ દાદરીમાં કોઈ નિર્દોષ હણાય, ત્યારે મારી લાગણીઓ ઝણઝણી ઊઠે છે. નિર્ભયાકાંડ થાય, ત્યારે મને પણ કમકમાં છૂટી જાય છે. મને એમાં મારી સકીના દેખાય છે. ઠંડા પડી ગયેલા માંસ જેવો એ ઇશરસિંહ ભલે મરી પરવાર્યો, પણ ઘાટણની એ છોકરીની બૂ આજે પણ મહેસૂસ કરી શકું છું. હું અંદર ને અંદર વલોવાય રહ્યો છું. અંતરના કોઈ ખૂણેથી સતત અવાજ આવે છે, મારાં રચેલાં પાત્રો મને બોલાવે છે, એ મારો પીછો છોડવા તૈયાર નથી. મને સતત નવું સર્જન કરવા કહે છે, નવાં પાત્રો રચવા ઇજન આપે છે.

 

 

હે મુંબઈગરાઓ, હે હિન્દુસ્તાનીઓ, હે પાકિસ્તાનીઓ,

 

શું વિશેષણ બાંધું? એ મને સમજાતું નથી.

કહેવાય છે કે માણસની કદર મર્યાં પછી જ થાય છે, હું પણ કદાચ તેમાંનો જ એક છું. જીવતે જીવ મને અનેક ઇલકાબો મળ્યા. અલબત્ત, મહદંશે નકારાત્મક હતા. કોઈને મારી વાર્તાઓમાં અશ્લીલતા દેખાશે, તો કોઈને તેમાં બગાવતની બૂ પણ આવે, કોઈ તેને સ્વતંત્ર વિચારધારા કહેશે, તો કોઈએ મને બદનામ ગણાવશે. તો વળી, મારી વાર્તાઓની નાયિકાઓની ઊભરેલી છાતીઓ અને પુષ્ટ કુલ્હાઓમાં કોઈને નગ્નતા દેખાશે. પણ, હું શું કરું તેમાં? શુષ્ક લખવું મને ક્યારેય ગમ્યું નથી. મારી વાત ઉઘાડેછોગ કહેવાનો હું બંધાણી છું. મારું સ્વતંત્ર ભાવવિશ્વ છે. હા, પણ કોઈનાં ચામડા ઉતરડી લેવા હું સક્ષમ નહોતો એટલે મેં મારાં પાત્રો પાસે એ કરાવ્યું છે. ફિલ્મકારોનાં નકાબ ચિરવામાં કદાચ મને આનંદ આવતો.
 
આજે પણ દાદરીમાં કોઈ નિર્દોષ હણાય, ત્યારે મારી લાગણીઓ ઝણઝણી ઊઠે છે. નિર્ભયાકાંડ થાય, ત્યારે મને પણ કમકમાં છૂટી જાય છે. મને એમાં મારી સકીના દેખાય છે. ઠંડા પડી ગયેલા માંસ જેવો એ ઇશરસિંહ ભલે મરી પરવાર્યો, પણ ઘાટણની એ છોકરીની બૂ આજે પણ મહેસૂસ કરી શકું છું. હું અંદર ને અંદર વલોવાય રહ્યો છું. અંતરના કોઈ ખૂણેથી સતત અવાજ આવે છે, મારાં રચેલાં પાત્રો મને બોલાવે છે, એ મારો પીછો છોડવા તૈયાર નથી. મને સતત નવું સર્જન કરવા કહે છે, નવાં પાત્રો રચવા ઇજન આપે છે. આજે મારા મૃત્યુનાં 61 વર્ષ પછી હું ક્યાં વધારે વંચાઉં છું, હિન્દુસ્તાનમાં કે પાકિસ્તાનમાં? ક્યાં મને વધારે યાદ કરવામાં આવે છે, એ મને ખબર નથી, મને એની પરવા પણ નથી. કદાચ બેમાંથી કોઈ એને લાયક નથી, મારું ટોબા ટેકસિંહ તો બંને મુલ્કોની વચ્ચે છે.
 
આજે પણ હું માનું છું કે જ્યારે સંવેદનાઓ આહત થાય છે, ત્યારે જ કલમ ઉપડે છે. હું સંવેદનશીલ હતો અને છું. પણ ખબર નહીં કેમ, શું લખવું, એ ખબર નથી પડતી. શું હું રાઇટર્સ બ્લોકનો શિકાર થયો છું? મારી કલમ સાથ આપવા તૈયાર નથી કે શું? કદાચ નિવૃત્તિનું-62મું વર્ષ શરૂ થયું એટલે? પણ, ના. ખરેખર તો મને એમાં ડર લાગે છે. ક્યાંક મારી હાલત પણ એ ઉદારમતવાદીઓ જેવી કરવામાં ન આવે, એનો ડર. મારે પણ સહિષ્ણુતા-અસહિષ્ણુતાના વિવાદમાં ન ઢસડાવું પડે, તેનો ડર. મારો નિશાન-એ-ઈમ્તિયાઝનો ખિતાબ પાછો આપવો પડશે? આમ પણ, મારે કોના માટે લખવું? સેક્યુલરવાદીઓને એમાં અશ્લીલતા દેખાશે, સેન્સરને એમાં ઉઘાડાપણું લાગશે. સંસ્કૃતિના ઠેકેદારોનું નાક મચકોડાશે, શું ખબર મારા નામનો ફતવો બહાર પડી જાય! ચોક્કસ મને ડર લાગે છે. મારી કલમની, મારા લોહીની ગર્મજોશી મરી પરવારી છે, કદાચ મારી અંદરનો મંટો ખરેખર મરી પરવાર્યો છે.

(સઆદત હસન મંટો: 11 મે, 1912-18 જાન્યુઆરી, 1955)
( લખ્યા તા. 18-1-16)