ગાંધીથી ગાંધી(વિચાર) સુધી
‘સુભાષ નાગરે ઔર સરકાર કો મારને મેં બહોત ફરક હૈ.
સુભાષ નાગરે એક આદમી હૈ ઔર સરકાર એક સોચ.’
(ફિલ્મ સરકારનો ડાયલોગ)
***
70 વર્ષ. 70 વર્ષ પહેલાંની આવી જ એક 30મી જાન્યુઆરીની સાંજે બેરેટા એમ 1934ની બનાવટની સેમિ-ઑટોમેટિક પિસ્તોલમાંથી ત્રણ ગોળીઓ છૂટી (ચોથી ગોળીના વિવાદમાં નહીં પડીએ) અને એક ‘આદમી’ ત્યાં જ ઢળી પડ્યો. મરનારના અંતિમ ઉદ્્ગાર હતા, ‘હે રામ... હે રામ...’
પાછળ રહી ગયો એક વિચાર, ગાંધીવિચાર
.
દર વર્ષની જેમ આ ગાંધી નિર્વાણ દિન પણ એ જ રીતે વીતી ગયો. ગાંધી આજે હયાત હોત તો શું? અને ગાંધીમૂલ્યોની ‘માત્ર’ ચર્ચાઓ થઈ અને ‘વૈષ્ણવજન...’ ભજન ગવાયું. પછી..?
ગાંધીવાદીઓનું નાક મચકોડાય એવી હકીકત એ છે કે તેમણે આજે પણ ગાંધીને માત્ર વિદ્યાપીઠોની ખાદીમાં વીંટાળી રાખ્યા છે. ગાંધી વિશે સાંપ્રત સંવાદો રચીને પોતાનું દનિયું રળી ખાવા પૂરતાં કે સરકારી વાર-તહેવારે નેતાઓ દ્વારા હાર પહેરાવી ફોટા પડાવવા પૂરતાં ઉપયોગી બનાવી દેવાયા છે.
***
9 જાન્યુઆરી, 1915. આ દિવસે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીની એન્ટ્રી થઈ. એ પહેલાં પણ અનેક સ્વાતંત્ર્યવીરો હતા, પણ લોકમાન્ય પછી ખાલી પડેલા નેતૃત્વ માટે ગાંધી એકદમ આદર્શ પાત્ર હતા. કારણ કે, તેમને દેશના લોકોની નાડ પારખતા આવડી.
***
હકીકત તો એ છે કે એક સમયનો વિશાળ ‘ગાંધી ચીંધ્યો માર્ગ’ આજે સાંકડી ગલી જેવો બની ગયો છે. હિંસક આંદોલનો પહેલાં ઉચ્ચારાતી નિવેદનિયા ચીમકીઓ કે પછી અણ્ણા જેવા આંદોલનકારીઓને ચાલવા જેટલો સાંકડી આ શેરી રહી ગઈ છે. વિચારના નામે આપણે ગાંધીને ચલણી નોટો, પ્રતિમાઓ, માર્ગોનાં નામ કે સ્વચ્છતાના નામે પડાવાતી તસવીરો પૂરતાં મર્યાદિત બનાવી દીધા છે.
સવારે ઘરની બહાર નીકળતી વખતે પાર્કિંગમાંથી વાહન બહાર કાઢવાની સાથે આપણી અ(તિ)હિંસાયાત્રા શરૂ થાય છે, જે ટ્રાફિક પોઇન્ટ પર ઊભેલાં બાળકો, બસ-ટ્રેનની ધક્કા-મુક્કી, ઑફિસની કુથલીઓ, સાંજે ફરીથી વાહન પાર્ક કરવા બાબત અને પારિવારિક ઝઘડાઓમાંથી પસાર થઈને રાત્રે ન્યૂઝ ચેનલોના (અ)હિંસક દેકારા વચ્ચે પૂરી થઈ જાય છે!
***
તો પછી ગાંધીવિચાર ક્યાં છે?
લગભગ 2000ના વર્ષની વાત. બનાસકાંઠામાં દુષ્કાળ પડ્યો તો. રાહત કામગીરી કરતી સર્વોદય સંસ્થાના હસમુખભાઈ પટેલને ચુનીકાકાએ (ચુનીભાઈ વૈદ્ય) ફોન કરી એક સેવાકર્મીને રિસીવ કરવા સંદેશો મોકલ્યો. એ સેવાકર્મીને સરહદ પરના છેલ્લા ગામ કુંડાળિયા મોકલાયા. ચાર-પાંચ દિવસ ગામલોકો વચ્ચે તેમના જેવા પહેરવેશમાં રહીને કામ કર્યું, ગામલોકો સાથે ભજન ગાયાં, તેમનાં દુ:ખ-દર્દમાં સહભાગી થયા અને છેલ્લા દિવસે સેવાવૃત્તિના વળતરપેટે મળેલી થોડીઘણી રકમ ત્યાંની બહેનોને પસલીરૂપે આપી દીધી.
એ પણ ગાંધી જ હતા, છે - ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી- મોહનદાસ ગાંધીના પૌત્ર. એ સમયે તેઓ રાષ્ટ્રપતિના સચિવ હતા, છતાં ઓળખ જાહેર કર્યા વિના ગામલોકો વચ્ચે રહ્યા. આને શું કહીશું?
વિચારો જીવી જાણવા માટે હોય છે, નહીં કે માત્ર ભૌતિક દેખાડા માટે.
***
જરૂરી નથી કે દરેક વ્યક્તિએ ગાંધી સાથે, તેમના વિચારો સાથે સહમત થવું જ, તેમને અનુસરવા. ગાંધી પણ આ ન ઇચ્છે. સમયને અનુરૂપ તેમાં બદલાવો, સુધારા જરૂરી છે જ અને કદાચ ગાંધી પણ આવા વૈચારિક સુધારાનો આદર જ કરે.
પિંચિંગ થૉટ:
ગાંધીની હત્યા કરનારાઓ પણ ગાંધીવિચારથી કંઈ ઓછા પ્રભાવિત નહોતા. તેના માટે આ એક બયાન પૂરતું છે:
‘ગાંધીની પાછળ એક મહાન જીવનનો ઇતિહાસ ઊભો છે’ (ગાંધીવિચાર).
‘ગાંધીવધ’ (એક પક્ષ આજે પણ આ હત્યાને ‘વધ’ જ માને છે) એ માત્ર રિવૉલ્વર હાથમાં ઉઠાવીને ગોળીઓ ધરબી દેવા જેટલી સાહજિક કે સ્વાભાવિક ઘટના નહોતી. ગોળી ચલાવતી વખતે નથુરામના મનમાં પણ એક પ્રકારનો દ્વંદ્વ ચાલતો હતો.
(પ્રતિબંધિત પુસ્તક - ગાંધી વધ ઔર મૈં, ગોપાલ ગોડસે, પાનાં નં. 28 અને 32ના અનુસંધાને)
WA: +91 9898 216 516
E-Mail: amit.radia99@gmail.com
Tweet@Amit_Radia



No comments:
Post a Comment